આશરો એક દ્રઢ
પ્રથમ ‘આશરો’ શબ્દનો અર્થ અને મર્મ સમજી લઈએ.
શિક્ષાપત્રમાં વારંવાર શ્રીહરિરાયચરણ શ્રીવલ્લભ પ્રભુનો દ્રઢ આશરો કરવો એવી આજ્ઞા કરે છે. ભક્ત કવિ સુરદાસજી પણ આશરાના પદમાં ‘દ્રઢ ઈન ચરણને કેરો’ આજ્ઞા કરે છે.
શ્રીવલ્લભના ચરણ ગ્રહણ કેવી રીતે કરવા એનો મર્મ છે, સતત તાપભાવ પૂર્વક શ્રીવલ્લભનું નામ સ્મરણ કરવું. એ જ આશરો કર્યો કહેવાય.
‘આશરા’નો બીજો અર્થ થાય છે, આશ્રય.
‘આશરો એક શ્રીવલ્લભાધીશનો’ વૈષ્ણવો આ પદ પ્રાયઃ બોલે છે. એનો ભાવાર્થ કોઈક વિરલા જ જાણે છે. આશ્રય એ ભગવાનનું જ સ્વરૂપ છે. શ્રીઆચાર્યચરણે અનુગ્રહનો એક અર્થ આશ્રય પણ કર્યો છે. તેથી આશ્રય અનુગ્રહની ભાંતિ ભગવાનના એક ધર્મરૂપ પણ છે. આશ્રય સિદ્ધિ થયા વિના પુષ્ટિ શક્તિનો જીવમાં પ્રવેશ થતો નથી અને પુષ્ટિ શક્તિના પ્રવેશ વિના આત્મા બલિષ્ટ થઈ ભગવદ પ્રાપ્તિ નહિ કરી શકે. (સુ. 10-36-55) બલહીને ન લભ્યઃ (શ્રુતિ), અનન્યભાવ વિના આશ્રય દ્રઢીભૂત નથી થતો.
એકમાત્ર શ્રીકૃષ્ણને શરણે જવાથી જ અનન્યભાવ સિદ્ધ થાય છે. અને એ પ્રકારે અનન્યતાથી સર્વાત્મભાવની પ્રાપ્તિ થાય છે.
હવે પુષ્ટિ મર્મને સમજીએ.
ટૂંકમાં દશ મર્મ શ્રીહરિરાયજીએ બતાવ્યા છે.
(1) શ્રીમદાચાર્ય ચરણ કમલમાં દ્રઢ નિષ્ઠા રાખવી.
(2) બીજો મર્મ શ્રીકૃષ્ણ સેવા છે. તનુવિત્તજા સેવાથી સેવ્યને તત્સુખભાવથી સેવવા અને માનસિ દશા સુધી પહોંચવું એ જ સેવા છે.
(3) લૌકિક વૈદિકનો ત્યાગ કરી પ્રભુને શરણે જવું.
(4) દીનતા’ શ્રીમહાપ્રભુજી પ્રભુ પ્રાપ્તિનું એક માત્ર સાધન દીનતા – દૈન્યને ગણે છે. દૈન્ય પ્રાપ્તિથી જ પ્રભુપ્રાપ્તિ પ્રસન્નતા સત્વરે થાય છે. દૈન્ય યુક્ત વિરહભાવથી ગોપીગીત ગાયું, ત્યારે જ પ્રભુ અંતરધ્યાન થયા હતા, તે શ્રીગોપીજનોની મધ્યમાં પ્રગટ થઈ ગયા.
(5) પુષ્ટિ પુરુષોત્તમ સદાનંદ પ્રભુની નિત્ય લીલાની સદાય હૃદયમાં ભાવના કરવી. ‘ભાવો ભાવનિયા સિદ્ધઃ’
(6) વિરહી વ્રજભક્તોનો ભાવ, તેનું જ સ્મરણ કરવું તે છઠો મર્મ. ભાવનું સ્વરૂપ સાકાર અને વ્યાપક છે. ભાવ જ સાકાર સ્વરૂપાત્મક છે. પુષ્ટિમાર્ગમાં ભાવ જ ફલરૂપ છે. પેલી વૈષ્ણવ ડોકરીએ પોતાના શુદ્ધ-અનન્ય ભાવથી શ્રીબાલકૃષ્ણ પ્રભુને મદનમોહનજી બનાવી દીધા. આવું ઉત્તમ પ્રમાણ ભાવનું વાર્તા સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે.
(7) ગુણગાન : પ્રભુના ગુણગાનમાં અલૌકિક અગ્નિ રહેલો છે, જે ગુણગાન કરનાર ભક્તના હૃદયમાં રહેલ જન્મોજન્મની વાસનાના પાપોના ઢગલાને બાળી સાફ કરી નાખે ચે. ગુણગાન (નામ) ધર્મ રૂપ છે. તેમાં નામી પ્રભુ ધર્મિસ્વરૂપે બિરાજે છે. ગુણગાન કરનારના હૃદયમાં પ્રભુના ગુણો પ્રગટ થાય છે. અવળા ક્રમે પહેલાં ‘વૈરાગ્ય’ ગુણ આવે પછી ‘જ્ઞાન.’ ગુણગાન તાપભાવે સ્વરૂપ અને લીલાના અનુસંધાન સહિત થાય તો જ તે ફલરૂપ છે.
(8) ‘કૃષ્ણનામ સ્ફુરે.’ નામ અને રૂપ બંને ફલરૂપ છે તેથી જ પુષ્ટિમાર્ગમાં નામ સેવા અને સ્વરૂપ સેવા એમ બે પ્રકારો દર્શાવ્યા છે. બંનેનું ફલ એક જ સ્વરૂપાનંદનો અનુભવ. પણ શરત એક જ કે નામ અને સેવા પ્રપંચ વિસ્મૃતિપૂર્વક થવી જોઈએ તો જ તે ફલાત્મક થાય.
(9) ભગવદ વાક્ય માત્રમાં નિષ્ઠા જોઈએ. નિષ્ઠા તો માર્ગના પ્રાણ છે. શ્રીમહાપ્રભુજીનાં વચનો-આજ્ઞામાં આધુનિક જીવોને નિષ્ઠા નહિ હોવાથી જ પુષ્ટિ ફલથી વંચીત રહી ભટકે છે. સ્વામીની આજ્ઞાનું પાલન કરવુ તે સેવકનો ધર્મ છે. શ્રીમહાપ્રભુજીની આજ્ઞા છે. અસમર્પિતનો ત્યાગ, અન્યાશ્રયનો ત્યાગ, અસત આલાપ, અસત્સંગનો ત્યાગ. જીવ આ વચનો પાળે છે ? જે આ ચાર આજ્ઞા માને છે તેજ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ જાણવો.
(10) ‘વિશ્વાસ.’ વિશ્વાસ એ ધર્મનો આત્મા છે. વિશ્વાસથી ધુળની ચપટી ખાતા પણ રોગ મટી જાય છે એ કિંવદંતી છે. વિશ્વાસે વહાણ ચાલે છે. જ્યારે હરિ, ગુરૂ, વૈષ્ણવમાં દ્રઢ વિશ્વાસ થાય ત્યારે જાણવું કે જીવ પુષ્ટિને લાયક થયો.
No comments:
Post a Comment