કૃષ્ણાશ્રયસ્તોત્રમ્-ગ્રંથપરિચય
શ્રીમહાપ્રભુજીએ પ્રસન્ન થઇને બૂલામિશ્રને યમુનાજીમાં સ્નાન કરવાની આજ્ઞા આપી અને પછી અષ્ટાક્ષર તથા બ્રહ્મસંબંધનું દાન કર્યું. બધાય શાસ્ત્રોનાં ગુહ્યતમ રહસ્યના ઉપદેશ તથા માનસી સેવામાં ઉપયોગી મનની સિદ્ધિ માટે શ્રીમહાપ્રભુજીએ 'કૃષ્ણાશ્રયસ્તોત્ર'ની રચના કરી અને બૂલામિશ્રને એ સ્તોત્ર શીખવાડ્યું.
'આશ્રય' શબ્દના બે અર્થ થાય છે, 1.સહારો દેનાર.(આશરો આપનાર) 2.સહારો (આશરો) લેવાની ક્રિયા. તેથી જ વિવેકધૈર્યાશ્રય ગ્રંથમાં જ્યારે એમ કહેવામાં આવ્યું કે "શ્રીહરિના આશ્રયથી બધાં અશક્ય કાર્યો પણ સિદ્ધ થઇ જાય છે (અશક્યે હરિરેવાસ્તિ સર્વમાશ્રયતો ભવેત્ એટલે જ્યારે કોઇ કાર્ય અશક્ય લાગતું હોય ત્યારે તેને શક્ય બનાવનાર શ્રીહરિ તો છે જ અને બધું કાર્ય આશ્રયથી જ સિદ્ધ થઇ શકે છે)". ત્યાં 'આશ્રય'નો અર્થ શરણાગતિ યાને આશરો લેવાની ક્રિયા એવો થાય છે. આવી જ રીતે શ્રીમદ્ ભાગવતના બીજા સ્કંધમાં કહ્યા મુજબ"જગતની ઉત્પત્તિ તથા પ્રલયના કર્તા તથા ઉપાદાન રૂપ પરબ્રહ્મને 'આશ્રય' કહેવામાં આવે છે.(આભાસશ્ચ નિરોઘશ્ચ યતશ્ચાધ્યવસીયતે સ આશ્રયઃ પરં બ્રહ્મ પરમાત્મેતિ શબ્દ્યતે એટલે કે આભાસ તથા નિરોધ જેના દ્વારા જાણવામાં આવે છે તે આશ્રય. એ જ પરબ્રહ્મ પરમાત્મા છે એમ કહી શકાય છે)". આ વચનોમાં 'આશ્રય' શબ્દ આધાર અથવા સહારો બનવાવાળાના અર્થમાં પ્રયોજવામાં આવ્યો છે. 'આશ્રય' શબ્દના આ બન્ને અર્થને ધ્યાનમાં રાખીને જ 'કૃષ્ણ એવ ગતિર્મમ' (કૃષ્ણ જ મારી ગતિ છે) એવા શબ્દોમાં 'ગતિ' શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે, અર્થાત્ ભગવાન જ સાધન છે અને ફળ પણ ભગવાન જ છે-ભગવાન જ માર્ગ છે અને ગન્તવ્ય (જ્યાં જવાનું છે તે સ્થળ) પણ ભગવાન જ છે. એ બધા અર્થોમાં શ્રીકૃષ્ણ જ અમારો આધાર-અમારો આશ્રય-અમારી ગતિ છે. આ જ કારણને લીધે 'કૃષ્ણ એવ ગતિર્મમ'નો અર્થ કૃષ્ણ જ અમારો આશ્રય છે અને કૃષ્ણનો જ આપણે આશ્રય લેવો જોઇએ એવો બન્ને પ્રકારનો અર્થ લઇ શકાય છે.
No comments:
Post a Comment