વ્રજ સંસ્કૃતિ - ભાગ ૨
ગીતાજીમાં ભગવાને કહ્યું કે, ધર્મ નાં રક્ષણ માટે હું યુગે યુગે પૃથ્વી ઉપર અવતાર લઉં છું. પુરાણો કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ દરેક કલ્પ માં વ્રજ માં અવતાર લે છે અને કૃષ્ણલીલા કરે છે. જુદા જુદા પુરાણો - પદ્મપુરાણ, અગ્નિપુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, હરિવંશ, શ્રીમદ્ ભાગવત વગેરે માં કૃષ્ણલીલા કહેવાઇ છે. ભગવાન શ્રીકૃષ્ણ પરીપૂર્ણાવતાર પૂર્ણપુરુષોત્તમ હોવા છતાં દરેક કલ્પમાં તેમની સર્વ કલાઓ સાથે પ્રકટ થતાં નથી. જે કલ્પ માં ધર્મસ્થાપન માટે જેટલી શક્તિની જરૂર હોય તેટલી જ કળાઓવાળું પોતાનુ સ્વરૂપ પ્રકટ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ ની સંસ્કૃતિ ૧૫ કલ્પ જેટલી પ્રાચીન છે.
ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી ઉપર એકસો પચ્ચીસ વર્ષ બિરાજ્યા તેમાં વ્રજ માં ૧૧ વર્ષ ને ૫૨ દિવસ બિરાજ્યા પછી ૧૪ વર્ષ મથુરામાં બિરાજ્યા બાકી ના સો વર્ષ દ્વારિકા માં બિરાજ્યા આમ તેમના અવતાર કાળ નો માત્ર ચોથો ભાગ જ તેઓ વ્રજમંડળમાં બિરાજ્યા છતાં પણ વ્રજની સંસ્કૃતિ અને સમાજજીવન પર તેમના દિવ્ય વ્યક્તિત્વ, વિચાર વર્તન અને વાણી નાં પ્રભાવની અમીટ છાપ કરોડો વર્ષ સુધી પણ અકબંધ રહે એમ છે. વ્રજ નાં કણકણમાં અને શ્વાસ શ્વાસમાં આજે પણ શ્રી કૃષ્ણ છે.
શ્રી કૃષ્ણ જે વ્રજ માં પ્રકટ થયા તે જ વ્રજ બાર વન અને ચોવીસ ઉપવનના વિસ્તારમાં આજે પણ મોટા ગામ તો ચાર થી પાંચ જ છે. નંદગામ, બરસાના, કામવન, અને વૃંદાવન પાંચમો ગોકુળ ગણી શકાય. બાકી બધા નાના નાના ગામડાઓ છે. અાથી તેને ગોષ્ઠ સંસ્કૃતિ પણ કહી શકાય. ગોષ્ઠ એટલે ગાયોના વાડા. અહીં રહેતા વ્રજવાસીઓ વનવાસીઓ હતા. ગો પાલક હતા. આહિર જ્ઞાતિના હતા. ખાસ કરીને ગાયો તેમની સંપત્તિ હતી. ગાયો ના ગુજારા માટે, જળ ઘાસ વિપુલ પ્રમાણ માં મળતું રહે તે માટે વ્રજવાસીઓ વારંવાર એક વન માં થી બીજા વન માં જતાં પરંપરાથી ચાલી આવતી ધાર્મિક રૂઢિઓને શ્રદ્ધાથી અનુસરનારા હતા. તેઓ બ્રાહ્મણો અને દેવોને પૂજનારા હતા. ઇન્દ્ર્યાગ જેવા યજ્ઞો કરતા હતા. તે વન માં રહેતા હોવાથી વનના વૃક્ષો, શ્રી ગિરિરાજ પર્વત અને શ્રી યમુનાજી પોતાના ઇષ્ટ ગણતા હતા. શ્રી ગિરિરાજજી સાક્ષાત ભગવાન છે એવુ જ્ઞાન અને ભાન ભગવાન શ્રી કૃષ્ણએ તેમને કરાવ્યું. પરિણામે ઈન્દ્ર્યાગ કરનાર વ્રજવાસીઓએ ગોવર્ધન યાગ શરૂ કર્યો. તેઓ શ્રી યમુનાજી ને પણ ઈષ્ટ ફળ દાતા અલૌકિક માતાજી સમજીને તેમનું વ્રત પૂજન કરતાં. રાસ દરમિયાન અંતર્ધાન થયેલા ભગવાન શ્રીકૃષ્ણને શોધવા નીકળેલ ગોપીઓએ આથી ઠાકુરજીનાં જ વૃક્ષોને અને લતાઓને ભગવાનનું ઠામ ઠેકાણું પૂછેલું. જ્ઞાની ઉદ્ધવજીએ પણ વ્રજમાં આવી પ્રકૃતિ પ્રેમ કેળવ્યો હતો.
No comments:
Post a Comment