વિવેકધૈર્યાશ્રય
વિવેક ધૈર્ય અને આશ્રયનો સામાન્ય અર્થ તો સૌ કોઈ સમજી શકે છે. પરંતુ આ ગ્રંથમાં એ ત્રણે શબ્દોને વિશિષ્ટ અર્થમાં પ્રયોજવામાં આવ્યા છે.
આશ્રય સિદ્ધ થવામાં, વિવેક અને ધૈર્ય, જીવને સહાયરૂપ બને છે. તેથી પહેલાં તે બન્નેનું સ્વરૂપ સમજીશું, અને પછી આશ્રયનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરીશું.
તો પહેલાં વિવેક; વિવેક અને ધીરજ બન્નેને ફલીભૂત થવા માટે ભગવાનનો આશ્રય રાખવાની જરૂર છે. એ રીતે જોઈએ તો અનુક્રમે વિવેક ધૈર્ય અને આશ્રય એ ભક્તિ માર્ગનો ક્રમ છે. તેથી પહેલાં....
વિવેક
વિવેકનો સામાન્ય અર્થ છે "સારાસારનું જ્ઞાન" સારુ શું અને ખોટું શું એ સમજીને સારું ગ્રહણ કરવું અને ખોટું ત્યજી દેવું તેનું નામ વિવેક, સામાન્ય બુદ્ધિ તો પશુઓમાં પણ હોય છે. પરંતુ સારા-ખોટાનો ભેદ સમજીને સારું ગ્રહણ કરવું અને ખોટું ત્યજી દેવું એવી વિવેક બુદ્ધિ તો કેવળ માનવપ્રાણીમાં જ હોય છે.
આ ગ્રંથના પહેલા શ્ર્લોકના દ્વિતીય ચરણમાં વિવેકનું સ્વરૂપ સમજાવ્યું છે. વિવેકસ્તુ હરિ: સર્વં નિજેચ્છાતઃ કરિષ્યતિ* અર્થાત શ્રીહરિ સર્વ કાંઈ નિજેચ્છાથી કરશે એમ સમજવું તેનું નામ વિવેક.
અહીં શ્રીમદ્ચાર્યચરણે વિવેક શબ્દને વિશિષ્ટ અર્થ પ્રદાન કર્યો છે. શ્રીમહાપ્રભુજીએ આપેલ વિવેકની આ વ્યાખ્યા ઉપર વિવેચન કરતાં એકાદ ગ્રંથ ભરાઈ જાય. પરંતુ એનો સીધો સાદો અર્થ એવો છે કે "હરિ કહેતાં" સર્વના દુઃખોને હરનાર પ્રભુ જીવનાં બધાં કાર્યો- યોગક્ષેમાદિ લૌકિક કાર્યો અને ભગવદ્ સેવા સંબંધી અલૌકિક કાર્યો- પોતાની ઈચ્છાથી જ સિદ્ધ કરશે. અન્યથા નહીં.
No comments:
Post a Comment