By Vaishnav, For Vaishnav

Tuesday, 16 March 2021

શ્રીયમુનાષ્ટકમ્ (વિવેચન તથા ભાવાર્થ સહિત) દ્વિતીય શ્લોક

શ્રીયમુનાષ્ટકમ્ (વિવેચન તથા ભાવાર્થ સહિત)

દ્વિતીય શ્લોક

બીજા શ્લોકમાં શ્રીયમુનાજી ભૂતલ ઉપરના ઉદગમ અને તેમની ગતિ વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે. - યથા

કલિન્દ-ગિરિ-મસ્તકે પતદમન્દ-પૂરોજ્જવલા
વિલાસ-ગમનોલ્લસત્-પ્રકટ-ગણ્ડ-શૈલોન્નતા।।
સઘોષ-ગતિ-દન્તુરા સમધિરૂઢ-દોલોત્તમા
મુકુન્દ-રતિ-વર્ધિની જયતિ પદ્મબન્ધો: સુતા।।૨।।

ભાવાર્થ : કલિંદગિરિના શિખર ઉપર ભારે વેગથી પડતાં હોવાને કારણે ઉત્પન્ન થતાં ફીણના ગોટાઓને કારણે ઉજ્જવલ દેખાતાં (હકીકતમાં કાળાં છે: પરંતુ દેખાય છે સફેદ) અને વિલાસપૂર્વક ગમન કરવાને કારણે શોભાયમાન બનેલાં, તેમજ ખુલ્લી રીતે દેખાતા ગંડ શૈલો (પત્થરો) ઉપરથી વહેવાને કારણે ઊંચાનીચા તરંગોવાળા, અને જાણે ઉત્તમ ઝૂલામાં (પાલખીમાં) સારી રીતે ન બિરાજ્યા હોય તેવાં તેઓ લાગે છે. તેઓ મુક્તિને આપનાર (મુકુંદ) ભગવાનમાં (જીવની) પ્રીતિને વધારનારાં છે. એવાં એ કમળના બંધુ (સૂર્ય) નાં પુત્રી (યમુનાજી) જય પામે છે.

વિવેચન : ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીયમુનાજીનો ભૂતલ ઉપર પ્રાદુર્ભાવ એક સરખી રીતે (અલૌકિક રીતે) થયો છે. શ્રીવસુદેવ-દેવકીને આપેલ વરદાન સાર્થક કરવા માટે, કૃષ્ણ પહેલાં તો તેમની સમક્ષ ચતુર્ભુજ રૂપે પ્રકટ થયા. પછી તેમણે (વસુદેવ-દેવકીએ) પૂર્વજન્મમાં કરેલ તપશ્ચર્યાનો ફલરૂપ બનાવવા માટે અને તેમના વિરહને દૂર કરવા એટલે કે વિયોગથી સંતપ્ત બનેલાં તેમનાં હૃદયોને શાંત કરવા માટે તેઓ વસુદેવ-દેવકીના વિરહ-તાપાત્મક હૃદયમાંથી પ્રકટ થયા. ત્યાંથી તેઓ (કૃષ્ણ) પોતાની લીલાસ્થલી એવા ગોકુલમાં નંદબાવાને ઘેર પધારી નંદપુત્ર બન્યા. અને ગોકુલમાં વ્રજસુંદરી વૃંદ સાથે પોતે પોતાની રસાત્મક લીલાઓ પ્રકટ કરી. એવું જ યમુનાજીના પ્રાકટ્ય માટે સમજવું.

યમુનાજી પહેલાં સૂર્યમંડળમાં વસતા નારાયણના આનંદાત્મક હૃદયમાંથી પ્રકટ થયાં. પછી એ તાપાત્મક રવિમંડલમાંથી દ્રવિભૂત રસરૂપે તે કલિંદગિરિ ઉપર અવતરિત થયાં. અને કલિંદ નંદિની કહેવાયાં. ત્યાંથી ભૂતલ ઉપર પધારીને કૃષ્ણલીલા સ્થલી એવા ગોકુલમાં આવીને તેમણે ત્યાં વિવિધ રસાત્મક લીલાઓ કરી.

આ રીતે જોતાં શ્રીયમુનાજી મૂલ રૂપ તો દ્રવીભૂત રસાત્મક સ્વરૂપ છે. શ્રીકૃષ્ણ અને શ્રીયમુનાજી બન્ને પોતાનાં એ રસાત્મક સ્વરૂપો વડે કૃષ્ણલીલા સ્થલી એવા ગોકુલમાં પધારીને લીલાઓ કરી છે.

આમ તો શ્રીયમુનાજી પોતાના આધિભૌતિક સ્વરૂપે જલરૂપ છે. પરંતુ આ શ્લોકમાં શ્રીમહાપ્રભુજીએ શ્રીયમુનાજીનો ઉલ્લેખ એક વિશિષ્ટ, સર્વોપરી આધિદૈવિક સ્વરૂપે જ કર્યો છે. કારણ કે યમુનાજીનું સૂર્યમાં કિરણો દ્વારા વરસતા જલરૂપે નથી થયું. કલિંદગિરિ ઉપર તેમનું અવતરણ થયું હોવાને કારણે તે કલિંદજા કહેવાયાં છે; પરંતુ વાસ્તવમાં તેઓ તો સાક્ષાત વેદત્રયી રૂપી આદિત્ય (સૂર્ય) નાં પુત્રી છે.

શ્રીયમુનાજી ભૂતલ ઉપરના આવિર્ભાવને શ્રીમહાપ્રભુજીએ આ રીતે વર્ણવ્યો છે - કલિન્દગિરિ મસ્તકે પતદમન્દપૂરોજ્જવલ અર્થાત તેઓ કલિંદગિરિના શિખર ઉપર ભારે વેગથી (અમંદ ગતિથી) પડતાં હોવાને કારણે ઉતપન્ન થતી ફીણ-રાશીને કારણે ઉજ્જવલ દેખાય છે. તેઓ પોતાના પિતા આદિત્યને છોડીને એટલે કે પોતાનું પિયર સૂર્યમંડળ છે તે છોડીને - પોતાના પ્રાણપ્રિય પ્રભુને મળવાની ઉત્કટ અભિલાષાથી કલિંદગિરિના શિખર ઉપર ભારે વેગથી ઊતરી આવ્યા છે પર્વતનાં શિખર ઉપર વેગપૂર્વક પછડાવાને કારણે ત્યાં સફેદ ફીણનો જાણે કે સાગર લહેરાઈ ગયો. પરિણામે હકીકતમાં તેઓ સ્વરૂપે શ્યામ હોવા છતાં, ઉજ્જવલ રૂપે (સફેદ) દેખાયાં છે. યમુનાજી, સ્વરૂપે તો (રંગરૂપે) શ્યામ છે પરંતુ અવતરણ સમયે તેઓ ઉજ્જવલ દેખાયાં છે. શ્યામ રંગ તેમનો નૈસર્ગિક ધર્મ છે; ઉજ્જવલતા તેમનો આગંતુક (ક્ષણિક) ધર્મ છે.

પછી તેમણે ત્યાંથી ગોકુલ તરફ ગમન કરવા માંડ્યું. ગોકુલમાં તેમના પ્રિયસ્વામી કૃષ્ણ પધારવાના છે. પ્રિયતમને પામવા માટે તેમણે કરેલું એ ગમન વિલાસપૂર્વક કરેલું ગમન છે. ગમન કરતાં માર્ગમાં ઊંચા-નીચા શીલાખંડો આવ્યા; જો તેમના માર્ગમાં સમતલ ભૂમિ હોત તો તેમના જલપ્રવાહની ગતિ સમ રહેત. પરંતુ ઊંચા-નીચા શિલાખંડો ઉપરથી ગતિ કરવાની હોવાથી તેમની ગતિ અસમાન બની ગઈ, અર્થાત ઉન્ન-અવનત ગતિ થઈ. એવી ગતિ કોની હોય? પ્રિયતમને મળવા ધસી જતી પ્રેમ-પગલી પ્રેયસીની ગતિ એવી હોય. એવી ગતિ શૃંગાર ચેષ્ટાની ઘોતક છે. એવી પ્રેમ-પગલી પ્રેયસીની ગતિ એવી હોય. એવી ગતિ શૃંગાર ચેષ્ટા ઘોતક છે. એવી પ્રેમ-પગલીની ગતિ ક્યારેક મંદ હોય તો ક્યારેક તીવ્ર હોય; સમાન કદી ન હોય. યમુનાજી પ્રિયના સમાગમને પામવા માટે આવી ઉન્નત-અવનત ગતિથી દોડી રહ્યાં છે. 

શ્રીમહાપ્રભુજીએ શ્રીયમુનાજીની ગતિને બીજી રીતે પણ વર્ણવી છે - સઘોષ ગતિ દંતુરા એટલે કે શ્રીયમુનાજી ઘોષયુક્ત (મધુર સ્વરવાળી) ગતિને કારણે વિવિધ વિકારવાળાં બની ગયાં છે. વિકાર એટલે રસને અનુકુળ ભાવો; શૃંગાર વાત્સલ્ય, કરુણ, રૌદ્ર આદિ રસનો આવિર્ભાવ થતાં જુદા જુદા વિકારો (ભાવો) આવી જાય છે. તેને સંચારી ભાવો કહે છે. પ્રિય મિલન માટે દોડી જવું એટલે શૃંગાર ભાવનો આવિર્ભાવ થવો. તેમ થતાં તેમનામાં રોમાંચ થાય છે અર્થાત તેમની ગતિ રોમાંચક બની જાય છે.

યમુનાજીએ પગમાં નુપૂર પહેર્યાં છે. જે રીતે નુપૂરનો અવાજ આવે તે રીતે યમુનાજલનો કલરવ થતો હોય છે તે કલરવ (શબ્દ) થી યમુનાજીની ગતિ સઘોષ (સંગીતમય અવાજવાળી) બની જાય છે. અને તેમના પ્રેમી હૃદયમાં પ્રિયતમ પ્રભુ સાથેના મિલનની રસમયી સંવેદનાઓ ઊઠે છે.

ઘોષનો બીજો પણ અર્થ છે: ઘોષ એટલે ગોપોનું ગામ અથવા વ્રજ. વ્રજજનો, ગોપો, ગાયો વગેરે બધા ઘોષમાં સ્થાયી રહેતા હોવાથી તેઓ સઘોષ કહેવાય છે. યમુનાજીનો પણ નિત્ય સંબંધ વ્રજ સાથે હોવાથી તેઓ પણ સઘોષ કહેવાય. અત્યારે તેઓ ઘોષ તરફ ગતિ કરી રહ્યાં હોવાથી તેમના વિકારોમાં વારંવાર પરિવર્તન થતું રહે છે. તેથી તેઓ સઘોષ ગતિ દંતુરા કહેવાયાં.

ગો. શ્રીપુરુષોત્તમજી મહારાજના મત પ્રમાણે ઘોષના બન્ને અર્થ - (૧) શબ્દ અને (૨) વ્રજ - લઈ શકાય. પરંતુ ઘોષનો અર્થ વ્રજ લેવાને બદલે 'શબ્દ'(અવાજ) લેવો વધુ ઉચિત છે.

શ્રીયમુનાજીની ગતિને ત્રીજી રીતે પણ વર્ણવવામાં આવી છે. (૧) સમાધિ રૂઢ દોલોત્તમા એટલે કે જાણે પોતે પાલખીમાં આરૂઢ થયાં હોય તેવાં અને (૨) અસમધિરૂઢ દોલોત્તમા એટલે કે તેઓ પાલખીમાં આરૂઢ થયેલાં ન હોવા છતાં ઊંચી-નીચી ગતિને કારણે જાણે કે પાલખીમાં આરૂઢ થયાં હોય તેવાં લાગે છે. 

આ બંનેમાંથી કોઈપણ અર્થ લેતાં એવું ફલિત થાય છે કે ભગવાન સાથે મિલન સાધવા તેઓ પોતે છોડી રહ્યાં છે એવું અને એટલું જ ભાન તેમને છે. અર્થાત તેમને માત્ર પોતાની ગમન-ચેષ્ટાની જ સ્ફૂર્તિ છે. ગમન કેવું છે - ઊંચું-નીચું કે અસમાન - તે બાબતની સ્ફૂર્તિ તેમને થતી નથી. પર્વતના ઊંચા-નીચા શિલાખંડો ઉપરથી ગતિ કરતાં હોવાથી તેમના જલપ્રવાહની ગતિ એવી બને છે જાણે કે તેઓ પાલખીમાં આરૂઢ ન થયાં હોટ અથવા ઝુલામાં ઝુલતાં ન હોય. અર્થાત આધિદૈવિક યમુનાજી પોતાના આધિભૌતિક જલપ્રવાહ રૂપી પાલખીમાં બેસીને પ્રિયના સમાગમ માટે જઈ રહ્યાં છે. વસ્તુતઃ તેઓ પાલખીમાં બેસીને પ્રસ્થાન કરી રહ્યાં નથી. પરંતુ જલપ્રવાહની આરોહ-અવરોહમય ગતિને કારણે એવો ભાસ થાય છે.

શ્રીયમુનાષ્ટકના બીજા શ્લોકમાં, શ્રીવલ્લભ, યમુનાજીમાં ભગવદ્ રતિ સંવર્ધન નામે ઐશ્વર્ય હોવાનું સ્પષ્ટપણે કહે છે. આપશ્રી યમુનાજીને મુકુંદ-રતિ-વર્ધિની નામથી ઓળખાવે છે. શ્રીમહાપ્રભુજીએ યમુનાજીને આપેલ એ નામમાં એક વિલક્ષણતા છે અને તે એ કે તેમાં વિરોધ દ્વારા ઉત્તમતા સિદ્ધ કરવામાં આવી છે. અને તે આ રીતે -

મુકુંદ એટલે મોક્ષ આપનાર અથવા મુક્તિ દાતા. મુકુંદ જીવને મોક્ષ આપે; ભક્તિ જવલ્લેજ આપે. મોક્ષ મળતાં જીવનું ભગવાન સાથે સાયુજ્ય સધાય. બન્ને એક રૂપ બની રહેતાં ભક્ત અને ભગવાન અલગ ન રહે પછી કોણ કોની સાથે પ્રેમ કરે? અર્થાત મોક્ષ મળતાં રતિ-વર્ધન માટે અવકાશ રહેતો નથી. આમ મોક્ષ અને રતિ પરસ્પર વિરુદ્ધ ભાવનાઓ છે.

પરંતુ યમુનાજીની મહત્તાને ઓળખો. મુકુંદ જીવને મોક્ષ આપે છે; મોક્ષ આપનાર ભક્તિને આપે. અને સામાન્ય રીતે ભગવાને ઘણા જીવોને - પાપી જીવોએ પણ (અજામિલ-શિશુપાલ તથા કેટલાક અસુરોને પણ) મુક્તિ આપી છે. પરંતુ ભક્તિ તો કોક પ્રહલાદ, બલિ, વૃત્રાસુર જેવા અસુરોને જ આપી છે. તેમનો સ્વભાવ મુક્તિ આપવાનો છે. પરંતુ જુઓ તો ખરા; યમુનાજીના ભક્તોને તેઓ ભક્તિ આપે છે. મુક્તિ નહીં. સાચી વાત છે ભાઈ. જમણો હાથ મોં તરફ જ વળે. પોતાની પ્રિયાના ભક્તોનેતે ઉત્તમ વસ્તુ જ આપે. યમુનાના ભક્તોને તેઓ ભક્તિ આપે છે. કારણકે યમુનાજી જીવની ભગવાન પ્રત્યેની અને ભગવાનની જીવ પ્રત્યેની રતિ વધારે છે. આમ તેઓ ભક્ત અને ભગવાન બન્ને માટે ઉપકારક સિદ્ધ થયાં છે. 

યમુનાજીનો સેવક પ્રભુને પ્રેમ કરે છે. પ્રેમ એ જ ભક્તિનું બીજું સ્વરૂપ છે. જીવનો જયારે ભગવાનમાં સર્વતોધિક અત્યંત દ્રઢ પ્રેમ થાય ત્યારે તે ભગવદ્ ભક્તિ પામે છે.

આ રીતે મોક્ષ આપવાના સ્વભાવવાળા મુકુંદમાં રતિભાવની અતિવૃદ્ધિ કરાવનાર યમુનાજી અલૌકિક ગણાય. યમુનાજી નિજ ભક્તોમાં મુકુંદ પ્રત્યેની રતિ તો વધારે છે જ: પરંતુ તે ઉપરાંત અન્ય સ્વામિનીજીઓની પણ મુકુંદમાં રતિ વધારે છે. 

મુકુંદ રતિ વર્ધિનીનો બીજો અર્થ પણ કરી શકાય. મુકુંદ-રતિ-વર્ધિની એટલે મુકુંદ જીવ પ્રત્યેની રતિ વધારનાર. એ અર્થને પણ આપણે ઉપર કરેલા વિવેચનથી સમજી શકીએ છીએ.

મહાપ્રભુજીએ શ્રીયમુનાજીને પદ્મ-બંધો: સુતા નામથી ઓળખાવ્યા છે. પદ્મ એટલે કમળ અને તેમનો બંધુ (સુદ્ધદ) સૂર્ય છે. તેથી કમળના ભાઈ (બંધુ) ની સુતા એટલે યમુનાજી.

આ આખા શ્લોકનો એકજ ધ્વનિ છે. કલિંદગિરિ મસ્તકે અવતરણ કરનાર (૧) અમંદ પુરોજ્જવલા, (૨) ગંડ શૈલોન્નતા (૩) સઘોષ ગતિ દંતુરા (૪) સમધિરૂઢ દોલોત્તમા તથા (૫) પદ્મ બંધો: સુતા એવા શ્રીયમુનાજી નિ:સંદેહ મુકુંદ રતિ વર્ધિની છે. એવાં એ યમુનાજી જય પામે છે. : જય હો શ્રીયમુનાજીનો. 

બીજા શ્લોકમાં શ્રીયમુનાજીનાં ભગવદ્ રતિ સંવર્ધકત્વ નામે દ્વિતીય ઐશ્વર્યનું વર્ણન કરવામાં આવ્યું છે.

શ્યામસુંદર શ્રીયમુને મહારાણી કી જય!

No comments:

Post a Comment

व्रज – माघ शुक्ल चतुर्थी

व्रज – माघ शुक्ल चतुर्थी  Sunday, 02 February 2025 बसंत-पंचमी श्री मुकुन्दरायजी (काशी) का पाटोत्सव, श्री दामोदरदासजी हरसानी का प्राकट्य दिवस...