તૃતિય શ્લોક
હવે ત્રીજો શ્લોક. બીજા શ્લોકમાં કહ્યું છે કે શ્રીયમુનાજી ભગવાનની ભક્ત ઉપરની રતિની વૃદ્ધિ કરવા માટે ભૂતલ ઉપર પધાર્યા છે. આ રતિ વૃદ્ધિના અલૌકિક કાર્યમાં તેમને મદદ કરનાર કયા ધર્મો છે અને કેવાં ઉપકરણો છે તે આપશ્રી ત્રીજા શ્લોકમાં કહે છે.
ભુવં ભુવન-પાવનીમ્ અધિગતામનેક-સ્વનૈ
પ્રિયાભિરિવ સેવિતાં શુક-મયૂર-હંસાદિભિ:।।
તરંગ-ભુજ-કંકણ-પ્રકટ-મુક્તિકા-વાલુકા-
નિતમ્બ-તટ-સુન્દરીં નમત કૃષ્ણ-તુર્ય-પ્રિયામ્।।૩।।
ભાવાર્થ : સર્વ લોકને (ભુવન-ત્રિભુવન) પાવન કરનારાં, અને એ કારણે જ ભૂતલ ઉપર અવતરિત થયેલાં; વિવિધ સ્વરો વડે આલાપ કરનારા શુક,મયૂર અને હંસ આદિ સખીજનો દ્વારા સેવાયેલાં; પોતાની લહેરો રૂપી ભુજામાં ધારણ કરેલ કંકણોમાં સ્પષ્ટ રીતે દેખાતાં મુકતાફળ રૂપી વેળુ (રેતીનાં ચમકતા કણો) વડે યુક્ત એવા પોતાના બન્ને કિનારા રૂપી નિતંબ (કમરની પાછળનો ભાગ) ને કારણે સુંદર લાગતાં; એવાં, શ્રીકૃષ્ણનાં ચતુર્થ પ્રિયા શ્રીયમુનાજીને સૌ નમન કરો.
વિવેચન : ભુવં ભુવપાવનીમધિગતામ્ - શ્રીયમુનાજી સર્વ લોકને પાવન કરવા માટે ભૂતલ ઉપર પધાર્યા છે. યમુનાજીએ પોતાના બંધુ યમરાજને આ પ્રમાણે કહ્યું છે, "સાત દ્વિપો અને સાત સાગરોને ભેદીને પૂર્વ તરફ વહન કરતી અને સર્વ જીવોને પવિત્ર કરતી હું અસ્તાચલથી (પશ્ચિમ દિશાથી) ઉદયાચલ (પૂર્વ દિશા) તરફ, મારો આશ્રય કરનાર મદ્ ભક્તોનાં પાપને દૂર કરવા માટે જાણે રમત કરતી હોઉં તે પ્રમાણે હું વિહાર કરવા જઈશ." આ રીતે બધાંને પાવન કરવાની શ્રીયમુનાજીની મુખ્ય પ્રતિજ્ઞા છે. એ પ્રતિજ્ઞાની પૂર્તિ અર્થે તેઓ ભૂતલ ઉપર પધાર્યા છે.
આ રીતે તેઓ રવિમંડલમાંથી, ભૂતલને પાવન કરવા પધાર્યા છે. આમ સૌને પાવન કરવાના ધર્મ વડે તમને ભગવાન સાથે રમણ કરવાના કાર્યમાં સહાયક બની શકે. ભગવાનથી અલગ પડી ગયેલા દૈવી જીવોમાં શરીરોને તેઓ નિષ્પાપ બનાવીને તેમને ભગવદ્ સેવોપયોગી બનાવવા અને ભગવદ્ ભાવથી સંપન્ન બનાવવા માટે ભૂતલ ઉપર પધાર્યા છે.
હવે જો યમુનાજી દૈવી જીવોને પવિત્ર બનાવી તેમનામાં ભગવાન પ્રત્યે રસ (પ્રેમરસ) ની વૃદ્ધિ કરાવી આપવા માટે જ પધાર્યા હોય તો તે રતિરસને અનુકૂળ આલંબન, ઉદ્દીપન, આદિ બધી સામગ્રી તેમનામાં હોવી જોઈએ. બીજા શ્લોકમાં કહ્યું છે કે શ્રીયમુનાજીનું ભગવદ્ રતિ સંવર્ધક રૂપ છે. તો એ રતિભાવને રસરૂપમાં પરિવર્તિત કરવા માટે જે ભાવો અથવા ધર્મો અનુકૂળ હોય તે તેમનામાં હોવા જોઈએ અને તે છે જ એવું ત્રીજા શ્લોકમાં કહ્યું છે.
રતિભાવના આવિર્ભાવ અને તેના પોષણ માટે આવશ્યક ધર્મો જેવા કે (૧) ભૂતલના જીવોને પવિત્ર બનાવવાની શક્તિ તો તેમનામાં છે. પવિત્ર બનેલ જીવમાં જ પ્રભુ પ્રત્યે રતિ ઉપજે. પાપી જીવોને રતિ ઈન્દ્રિયોના વિષયોમાં જ રહે. યમુનાજીમાં પતિત પાવનત્વની શક્તિ છે એ આગળ કહેવાઈ ગયું છે. ભુવં ભુવન પાવની મધિગતાય - અર્થાત એટલા માટે તો તેઓ પૃથ્વી ઉપર પધાર્યા છે.
(૨) સેવાકાદિ સમજ - શુક, મયૂર, હંસાદિથી સેવાયેલાં રહેવું તે અને
(૩) સ્વરૂપ સૌંદર્ય - ભુજ ઉપરનાં કંકણો એટલે જલમાં ઊઠતા તરંગો; ચમકતી રેતી એટલે મુક્તાફલ, ઉન્નત તટ એટલે નિતંબ (કમરની પાછળનો ભાગ) અને એ નિતંબ ઉપર હાથ રાખવાથી મળતું સૌંદર્ય - આદિ બધા ધર્મો પણ યમુનાજીમાં છે તે હવે કહેવાશે.
પહેલાં શ્રીયમુનાજીના સેવકો (સખીઓ) આદિ વિશે જાણવું જરૂરી છે. પ્રિયાભિરીવ સેવતાં શુક મયૂર હંસાદિભિન્ન: શબ્દોમાં શો ભાવ છે તે સમજવો પડશે.
સર્વ લોકને પાવન કરવા શ્રીયમુનાજી ભૂતલ ઉપર પધાર્યા. તેમની સાથે તેમનો પ્રિય સખી સમાજ પણ આવ્યો. સખીઓ જે સ્થળે જે ઉચિત હોય તે સ્થળે તે કહે છે. અને તે દ્વારા યમુનાજીને તેમના રતિ વર્ધનના કાર્યમાં સહાયરૂપ બને છે. અને તેથી તેઓ પ્રિય લાગે છે. શુક, મયૂર, હંસ આદિ પક્ષીઓ કિનારા પરનાં વૃક્ષો પર બેસીને મધુર સ્વરોમાં ગાન કરે છે. તે બધી શ્રીયમુનાજીની સખીઓ છે. તેઓ શ્રીયમુનાજીની એ રીતે પરિચર્યા કરે છે. શુક બોલી શકે છે. તેથી તે યમુનાજીની વાચિકી સેવા કરે છે. મયૂર કાયિકી સેવા કરે છે અને હંસો માનસી સેવામાં તન્મય બની રહે છે. એટલા માટે તેમનું આ પ્રિય સખી મંડળ, ભગવાનની ભક્ત પ્રત્યેની રતિની વૃદ્ધિ કરવાના તેમના કાર્યને માટે અનુકૂળ સામગ્રી બની રહે છે.
તરંગ-ભુજ-કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરી - આ શબ્દો દ્વારા શ્રીયમુનાજીના સ્વરૂપ સૌંદર્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
શ્રીયમુનાજી ભગવદ્ રતિ વર્ધિની છે. તેથી પોતાના ભાવાવેશ પ્રમાણે તેમની વિવિધ ભાવ ભંગીમાં વ્યક્ત કરતી તેમની કોમલ ભુજાઓ, તેમના જળમાં ઉદભવતા તરંગો રૂપી શોભાયમાન બની રહે છે. તેમના જળમાં ઊઠતા તરંગો એ વસ્તુત: શ્રીયમુનાજીના હસ્ત છે.
તેમના એ શ્રીહસ્તમાં રેતીના ચમકતા કણોના જેવાં મુક્તાફલો જડેલ કંકણો શોભી રહ્યા છે. તેમનાં કંકણોમાં જડેલાં ચમકતાં મુક્તાફલો, લોકદ્રષ્ટિએ રેતીનાં કણો જેવા દેખાય છે. પરંતુ વાસ્તવિક રીતે તે મુક્તાફલો (મોતી) જ છે. પરંતુ આપણી પાસે લૌકિક સ્તંભ છે તેથી મુક્તાફળો લૌકિક રેતીના કણો રૂપે દેખાય છે. તેમના બન્ને ઊંચા તટ પ્રદેશો તેમના ઉન્નત નિતંબ સમાન છે. શ્રીયમુનાજીના કંકણયુક્ત શ્રીહસ્તો તેમના નિતંબ ઉપર ટેકવ્યા હોવાથી તેમની શોભા અનેક ગણી વધી જાય છે. અને તેઓ જાણે કે સાક્ષાત શૃંગારરસની અધિષ્ઠાતા દેવી ન હોય તેવાં દેખાય છે. આ રીતે યમુનાજીનાં આભૂષણો તથા અંગો, પ્રાકૃત દેખાતાં હોવા છતાં (તરંગો, રેતીના કણો, તટ પ્રદેશ વગેરે) હકીકતમાં તે બધાં અપ્રાકૃત છે.
એવાં શૃંગાર રસની સાક્ષાત્ પ્રતિમા જેવાં શ્રીયમુનાજીની શોભા અવર્ણનિય છે. તેથી 'નમત કૃષ્ણ તુર્ય પ્રિયાય' - શ્રીમહાપ્રભુજી કહે છે કે કૃષ્ણનાં એ ચતુર્થ પ્રિયાને તમે સૌ નમન કરો. આચાર્યશ્રી આપણે - આપણે કે જે બધા આચાર્યશ્રીના સેવકો છીએ, ખાસ કરીને તેમને - કહે છે કે તમે નમન કરો. કોને નમન કરવાનું છે તે જાણો છો? આપણે નમન કરવાનું છે કૃષ્ણનાં ચતુર્થ પ્રિયાને.
અહીં પ્રશ્ન ઊભો થાય છે કે કૃષ્ણનાં ચતુર્થ પ્રિયા કોણ? અને બીજો પ્રશ્ન ઉદભવે છે કે શું પ્રિયા અને ભાર્યા બંને શબ્દો એકજ અર્થનો બોધ કરાવે છે?
શ્રીકૃષ્ણની દ્વારકા લીલામાં કૃષ્ણની આઠ પટરાણીઓમાં પહેલાં ચાર અનુક્રમે - (૧) રૂકમણીજી, (૨) સત્યભામા, (૩) જાબુંવતી અને (૪) કાલિંદીજી છે. તે બધી કૃષ્ણની વિવાહિત પત્નીઓ એટલે કે ભાર્યાઓ છે. તે બધીજ કૃષ્ણને પ્રિય હતી તેથી તેઓને કૃષ્ણની પ્રિયાઓ કહેવામાં કોઈ દોષ નથી. આ અષ્ટ પટરાણીઓના યુથમાં કાલિંદીનું સ્થાન ચોથું છે. તો શું કાલિંદીજી કૃષ્ણનાં ચતુર્થ પ્રિયા કહેવાય?
શ્રીકૃષ્ણની વ્રજલીલામાં શ્રીકૃષ્ણની સ્વામિનીજી સ્વરૂપે, ચાર સ્વામિનીજી યૂથો છે. શ્રીહરિરાયચરણ એ ચાર યૂથોને આ રીતે ઓળખાવે છે.
(૧) મુખ્ય સ્વામિનીજી એટલે કે વૃષભાન દુલારી શ્રીરાધા સ્વામિનીજી. તેઓ શ્રીકૃષ્ણનાં આહ્લાદિની શક્તિ ગણાય છે. તેઓ નથી અન્યપૂર્વા કે નથી અનન્યપૂર્વા. તેઓ તો એકમેવમ્ અધિતિયમ એવાં ભગવદ્ ભોગ્ય સ્વામિનીજી છે. તેથી તેઓ વ્રજની અધિષ્ઠતા ગણાય છે.
(૨) શ્રુતિરૂપા અન્યપૂર્વા સ્વામિનીજીઓ - તેઓ ગોપોનાં ગ્રહોમાં ગોપભાર્યાઓ રૂપે રહેતાં હોય છે. તેઓ સર્વાત્મભાવવાળાં છે. તેમનું રૂપ દ્વિતીય સ્વામિનીજી ગણાય છે.
(૩) અનન્યપૂર્વા - ઋષિરૂપા કુમારિકા સ્વામિનીજીઓ - તેમનો કૃષ્ણ સાથે કે અન્ય કોઈની સાથે વિવાહ થયો નથી. તેઓ કુમારિકાઓ છે. પરંતુ ભગવાન કૃષ્ણ તેમનાં વસ્ત્રો ગ્રહણ કરીને તેમનો અંગીકાર કર્યો છે. તેમનું યુથ તૃતીય સ્વામિનીજી ગણાય છે.
(૪) યમુનાજી - ભગવાને જળક્રીડાને બહાને, સર્વ અંગો સહિત, સ્વતંત્ર રીતે, તેમને અન્યથી પૃથક સમજીને, તેમની સાથે રમણ કર્યું છે. તેઓ ભગવાનનાં પુષ્ટિ શક્તિ ગણાય છે. ભગવદ્ ભોગ્ય હોવાને કારણે અને પુષ્ટિ રૂપ હોવાને લીધે તેઓ ભગવાનને અત્યંત પ્રિય છે. તેઓ ભગવાનનાં ભાર્યા નથી. તેઓ ભગવાનનાં પટરાણી નથી. પરંતુ ભગવાનને બહુ પ્રિય હોવાથી તેઓ ભગવાનનાં પ્રિયા તો છે જ.
આ ચાર યુથોમાં યમુનાજીનું સ્થાન ચોથું હોઈ, શું તેઓ કૃષ્ણનાં ચતુર્થ પ્રિયા કહેવાય?
દસ દિગંત વિજયી શ્રીપુરુષોત્તમજી પણ સ્વામિનીજીનાં ચાર યુથોને આ રીતે ઓળખાવે છે.
(૧) શ્રી રાધિકા યૂથ - તેઓ તામસ સ્વામિની યૂથ કહેવાય છે.
(૨) અન્યપૂર્વા યૂથ - એટલે ગોપગૃહોમાં વસતાં ગોપીજનો. તેઓ રાજસ સ્વામિની યૂથ કહેવાય છે.
(૩) અનન્ય પૂર્વા કુમારિકા યૂથ - તેઓ સાત્ત્વિક સ્વામિની યૂથ કહેવાય છે અને
(૪) શ્રીયમુનાજી યૂથ - તેઓ નિર્ગુણ (ગુણાતીત) સ્વામિની યૂથ કહેવાય છે.
આ ચાર યૂથોમાં પણ યમુનાજીનું સ્થાન ચોથું હોઈ, શું તેઓ કૃષ્ણનાં ચતુર્થ પ્રિયા કહેવાય?
વ્રજલીલામાં સ્વામિનીજીઓનાં બે પ્રકારનાં ચાર યૂથો છે. તે બન્નેમાં યમુનાજીનું સ્થાન ચોથું આવે છે. એ બધી કૃષ્ણની ભાર્યાઓ (પત્નીઓ) ભલે ન હોય તેમની પ્રિયાઓ તો છે જ. ભાર્યા હોય તેને જ પ્રિયા કહેવાય એવો કોઈ સ્થાપિત નિયમ નથી. શ્રીયમુનાજી કૃષ્ણની ભાર્યા ન હોવા છતાં કૃષ્ણને અતિશય પ્રિય હોવાથી તેમની પ્રિયા તો છે જ. અને એ બન્ને પ્રકારનાં ચાર ચાર યૂથોમાં તેમનું યૂથ ચોથું હોઈ અહીં તેમને કૃષ્ણતુર્ય પ્રિયા તરીકે ઓળખાવ્યાં છે.
અહીં બીજા એક પ્રશ્નનું સમાધાન કરી લેવું જરૂરી છે. દ્વારકાલીલામાં અષ્ટ પટરાણીઓમાં કાલિંદીજીનો ક્રમ ચોથો છે. અને વ્રજલીલામાં સ્વામિનીજીઓના ચાર યૂથોમાં યમુનાજીનો ક્રમ ચોથો છે. કાલિંદીજી અને યમુનાજી બન્નેનો સંબંધ કલિંદગિરી સાથે છે. તેથી યમુનાજીને પણ કલિંદની કહેવામાં આવ્યાં છે. તો શું કલિંદગિરિ પર અવતરીત ભગવદ્ પ્રિયા યમુનાજી (કાલિંદીજી) અને ભગવાનની પટરાણી શ્રીકાલિંદીજી બન્ને એક જ છે?
આજ પ્રશ્ન બીજી રીતે પણ પૂછી શકાય. પટરાણી કાલિંદીજી પણ સૂર્યના પુત્રી છે અને પ્રિયા યમુનાજી પણ સૂર્યના પુત્રી છે - તો શું તે બન્ને એક જ છે?
આનો જવાબ તન્માર્ગીય મહાનુભવોએ સ્પષ્ટપણે એનો આપ્યો છે કે તે બન્ને અલગ છે. તેનાં કારણો -
(૧) શ્રીભાગવતમાં કૃષ્ણનાં ચોથા પટરાણી કાલિંદીજીના મુખે કહેવામાં આવ્યું છે, "કાલિંદીતિ સમાખ્યતા વસામિ યમુના જલે" એટલે કે કાલિન્દી નામથી ઓળખાતી હું, યમુના જળમાં નિવાસ કરું છું. એનો અર્થ એ છે કે કાલિન્દી અને યમુનાજી અલગ છે.
(૨) યમુનાજી જળમાં વસતાં એ કાલિંદીજી સાથે વિવાહ કરીને ભગવાન કૃષ્ણે તેમને ચતુર્થ પટરાણી તરીકે દ્વારકામાં મહિશી પદે સ્થાપિત કર્યા છે. જ્યારે યમુનાજી તો ક્યારેય પણ દ્વારકામાં પધાર્યા હોવાનો કોઈ ઉલ્લેખ ક્યાંયે નથી.
(૩) બન્ને સૂર્ય પુત્રી છે. અને બન્ને કાલિંદી નામે ઓળખાય છે. છતાં બન્નેના પિતા જે સૂર્ય છે તે જુદા જુદા છે. કાલિંદીના પિતા સૂર્ય એ આપણે માટે દ્રશ્યમાન સૂર્ય છે. અર્થાત કાલિંદીજીની ઉત્પત્તિ આધિદૈવિક નથી. તેઓ તો ભૌતિક સૂર્યનાં પુત્રી છે. જ્યારે યમુનાજીના પિતા વેદત્રયી સ્વરૂપ આદિત્ય (સૂર્ય) છે. યમુનાજીના પિતા આદિત્ય છે; માતા સંજ્ઞા છે અને ભ્રાતા ધર્મરાજ છે.
(૪) યમુનાજીમાં જે અસાધારણ ધર્મો છે તેવા ધર્મો પટરાણી કાલિંદીજીમાં હોવાનું જાણવામાં આવ્યું નથી. શું પટરાણી કાલિંદીજી તનુ નવત્વ આપી શકે છે? શું તેમણે ક્યારેય પોતાના સ્વામી કૃષ્ણની જીવ પ્રત્યેની રતિ વધારવાનું કાર્ય કર્યુ છે? યમુનાજીમાં જે આઠ ઐશ્વર્યો ગણાવ્યાં છે શું તે આઠ ઐશ્વર્યો કાલિંદીમાં છે? ના, નથી જ.
આ રીતે વિચારતાં બન્નેનાં સ્વરૂપો જુદાં છે; એવું માનવું ઉચિત છે. તેમ છતાં એ બંનેના સંબંધ કૃષ્ણ અને કલિંદ સાથે હોવાને કારણે લોકવ્યવહારમાં તેમને એક જ ગણવામાં આવ્યાં છે. કેટલાંક તો એટલે સુધી કહે છે કે શ્રી યમુનાજી જળરૂપ એટલે કે આધિભૌતિક સ્વરૂપમાં કાલિંદીજી પોતાના આધિદૈવિક સ્વરૂપે નિવાસ કરે છે. પરંતુ એમ કહેવું એ તો માત્ર અજ્ઞાનતા છે. કારણકે શ્રીયમુનાજીનાં પોતાના ત્રણે સ્વરૂપો વિદ્યમાન છે જ - યથા જળ રૂપે આધિભૌતિક સ્વરૂપ; માહાત્મ્ય રૂપે આધ્યાત્મિક સ્વરૂપ અને દેવી સ્વરૂપે આધિદૈવિક સ્વરૂપ. એ ત્રણેય રૂપોમાં કોઈપણ રૂપમાં કાલિંદીજીનો સમાવેશ ન કરી શકાય. ટૂંકમાં કેવળ નામના સામ્યને કારણે બન્નેને અભિન્ન ન માની લેવાય. શ્રીમહાપ્રભુજી પણ એવું જ કહે છે.
શ્રીયમુનાજી તો યમુનાજી જ છે; તેમ છતાં તેઓ કાલિંદી નામથી શા માટે ઓળખાય છે? એ પ્રશ્નના સમાધાન માટે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે -
મમોદંર પ્રવિશ્ય ત્વં ગચ્છ આદિત્યનંદની। કાલિન્દીતિ તથા ખ્યાતિરસ્તુ લોકત્રયે સદા।
એટલે કે કલિંદ પર્વતે શ્રીયમુનાજીને કહ્યું કે હે આદિત્ય પુત્રી, આપ મારા ઉદરમાં પ્રવેશીને પછી પૃથ્વી ઉપર પધારો. તેથી ત્રણે લોકમાં (લોકત્રયમાં) આપનું નામ કાલિન્દી પ્રસિદ્ધ થશે. આ ઉપરથી સ્પષ્ટપણે સમજાય છે કે પુષ્ટિ સંપ્રદાયમાં શ્રીયમુનાજીને કાલિન્દી, નામે ઓળખવાનો વ્યવહાર છે તેથી વ્રજલીલામાં જ્યાં કાલિન્દી નામ આવે ત્યાં તેઓ યમુનાજી જ છે એમ સમજવું.
No comments:
Post a Comment