By Vaishnav, For Vaishnav

Tuesday, 4 August 2020

વૈષ્ણવ એટ્લે શું? અને વૈષ્ણવ કોણ છે?

 

વૈષ્ણવ એટ્લે શું? અને વૈષ્ણવ કોણ છે?

પુષ્ટિમાર્ગની રાહ એ વૈષ્ણવોની રાહ તરીકે ઓળખાય છે પરંતુ પુષ્ટિમાર્ગમાં પૂછો કે વૈષ્ણવ કોણ છે તો એ પ્રશ્નનો જવાબ કદાચ આપણી પાસેય નહીં હોય. વૈષ્ણવ હોવા છતાં પણ વૈષ્ણવનો અર્થ ખબર જ ન હોય તો આપણે વૈષ્ણવો શાના? વેદોમાં કહ્યું છે કે ભવસાગરમાં અટવાયેલો જે જીવ તન, મન અને ધનનો સદ્ઉપયોગ ભગવત્સેવા અને ભગવત્જન પાછળ કરે છે તેવો જીવ વૈષ્ણવ કહેવાય છે. ઉપનિષદમાં કહે છે કે જે હર્ષ અને શોક, સુખ અને દુઃખથી પર રહીને સર્વત્ર પ્રભુને જુએ છે, દેહ-ઇન્દ્રિયોનાં ધર્મમાં મોહ પામતા નથી, જેમને જ્ન્મ, કર્મ, ધર્મ, વર્ણ, જાતિ વગેરે વિષે અભિમાન થતું નથી, જે સર્વે જીવો પ્રત્યે સમદૃષ્ટિ રાખે છે, જેઓ પ્રભુ અને ગુરૂનાં ચરણોમાં એક સમાન નિષ્ઠા રાખે છે, જેઓ ભગવદીયો પ્રત્યે સ્નેહ રાખે છે તેવા જીવોને વૈષ્ણવ કહેવાય છે. ઈશ્વર સંહિતામાં કહે છે કે જે જીવ ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણ વચ્ચે એકેશ્વરવાદને માને છે તે વૈષ્ણવ છે, અને તે એકેશ્વરવાદ મુજબ ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણ વચ્ચેના સામ્યને માનનારમાં સંસારી જીવ તથા કૈલાસવાસી ભગવાન શિવ પણ શામિલ થઈ જાય છે. આથી એમ કહી શકાય કે ભગવાન શિવ પણ વૈષ્ણવ જ છે આથી જ આપણાં પુષ્ટિમાર્ગમાં પણ ભગવાન શિવનું શ્રી ઠાકુરજીના ભક્ત તરીકે એક અલગ જ સ્થાન દીપ્તિમાન રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો વૈષ્ણવ માન્યતા ધરાવતા દરેક સંપ્રદાયમાં ભગવાન કૃષ્ણને જ આરાધ્ય દેવ ગણવામાં આવે છે આથી તે ભાવને અનુરૂપ ભગવાન કૃષ્ણને સંબંધિત જે ભક્તો રહેલા છે તે તમામ વૈષ્ણવો રૂપે જ રહેલા છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વૈષ્ણવ કોણ છે તેના સંદર્ભમાં બે અર્થ કહ્યા છે પહેલા અર્થમાં કહે છે કે જે જીવ મન, કર્મ અથવા વાણી દ્વારા પણ કોઈ જીવને દુઃખ આપતો નથી તેને વૈષ્ણવ કહે છે, અને બીજા અર્થમાં કહે છે કે જે જીવ સર્વત્રે અને સર્વજ્ઞે ફક્ત ભગવાન વિષ્ણુને જુએ છે તે વૈષ્ણવ છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે વૈ – એટ્લે ભગવદીય, ષ્ણ – એટ્લે કૃષ્ણ અને વ – એટ્લે વલ્લભ. જ્યારે પુષ્ટિમાર્ગની રાહે નીકળેલ પ્રવાસી ભગવદીયમાં સ્નેહ રાખે છે , શ્રી વલ્લભનાં ચરણોમાં સમર્પણ કરે છે અને શ્રી કૃષ્ણની સેવા કરી તેમની કૃપા મેળવે છે ત્યારે તે વૈષ્ણવ બને છે. શ્રી ગુંસાઈજી પ્રભુચરણ કહે છે જે જીવ પોતાના માટે નહીં બલ્કે બીજાના દુઃખ જાણી અહંકાર રહિત રહી પરોપકાર કરે તેવા જીવને વૈષ્ણવ કહેવાય છે. પ.પૂ. ૧૦૮ ગો શ્રી મથુરેશ્વરજી મહારાજ શ્રી કહે છે કે જ્યારે માણસ સામેવાળી વ્યક્તિના સુખદુઃખની દષ્ટિને સમજતો થઈ જાય ત્યારે આસપાસ રહેલા લોકોનું અડધું દુઃખ ઓછું થઈ જાય, અને આવા પરોપકારી જીવોને વૈષ્ણવજન કહેવામાં આવે છે. આવા વૈષ્ણવજનોના મળવા માત્રથી અન્યનું જીવન પણ સુમેળભર્યું થઈ જતું હોય છે. વિવેકધૈર્યાશ્રયમાં વૈષ્ણવ હોવાના લક્ષણો માટે કહ્યું છે કે જે પુષ્ટિ જીવનું ચિત્ત સદાયે ભગવત્સેવા અને ભગવત્દર્શન માટે આર્ત રહેતું હોય, લૌકિક કાર્યો ફક્ત એક ક્રિયા રૂપે કરે છે, પોતાની વાણી અને મનને સંયમમાં રાખે છે, પોતાના ગુરૂ એટ્લે કે વલ્લભ કુલ આચાર્યો પ્રતિ શ્રી ઠાકુરજી સમાન અને તેથીયે વધુ ભાવ રાખે છે અને અન્ય પુષ્ટિજીવો, તથા ભગવદીયો પ્રત્યે પ્રેમથીયે વધુ વિશેષ સ્નેહભાવ રાખે છે તે સાચો વૈષ્ણવ કહેવાય છે. શ્રી હરિરાય મહાપ્રભુજી ભાવપ્રકાશમાં કહે છે કે વૈષ્ણવ એ છે કે જે પુષ્ટિ જીવ સતત ભગવત્નામનો અને ભગવત્વાણીનો સતત ઉચ્ચાર કરતો હોય, જેણે પોતાનું સર્વસ્વ લૌકિક અલૌકિક શ્રી ઠાકુરજી સ્વરૂપ શ્રી વલ્લભના ચરણાર્વિન્દમાં સમર્પિત કરી દીધું હોય, જે દિનતા અને દૈન્યતાનો મર્મ જાણતો હોય, જે પ્રભુના ચરણોમાં સર્વ સમર્પિત કરી તેનો પ્રસાદ ગ્રહણ કરતો હોય, જે પોતાના આચાર્યની વાણીને ઉથાપતો ન હોય, જે પ્રભુના તત્સુખને અગ્ર સ્થાને રાખતો હોય તેવો જીવ વૈષ્ણવ બનવાના સમગ્ર અધિકાર રાખે છે. શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરતાં કહે છે કે
“न हि साधन सम्पत्त्या हरिस्तुष्यति कस्यचित् दैन्यमेवैकम् हरितोषणसाधनम्।”
આ વાકયના સંદર્ભમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે વૈષ્ણવ બનવાનો અધિકાર પ્રાપ્ત થયા પછી પણ જે જીવ પોતાની દૈન્યતા, દિનતા, દયા અને કરુણાના ભાવને હૃદયમાં સ્થિર રાખે છે, સત્સંગ અને ભગવદ્ આશ્રય છોડતો નથી, જે સદાય હરિ ગુરૂ અને હરિના જન પ્રત્યે સેવા અને સત્કાર્યોંમાં મગ્ન થઈ જાય છે ત્યારે તે જીવ વૈષ્ણવમાંથી ભગવદીય થઈ જાય છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે શ્રી વલ્લભ અને વ્રજમાં વસનારા વ્રજરાજકુમાર અર્થાત શ્રી ઠાકુરજીને માનનારા જીવોએ અન્ય ધર્મોનો ત્યાગ કરીને પોતાનું ધ્યાન કેવળ અને કેવળ ભગવાન શ્રી કૃષ્ણને ભજનારા ભગવદીયો પ્રત્યે કેન્દ્રિત કરવું ઐ.. પુષ્ટિમાર્ગના તિલકાયત શ્રી ગોવિંદલાલજી મહારાજ હંમેશા પોતાના વૈષ્ણવોની આજ્ઞા કરીને કહેતા કે પુષ્ટિમાર્ગમાં પ્રવેશ મળ્યા બાદ જીવે વિચારવાનું છે કે આ માર્ગ પ્રેમનો માર્ગ છે પરંતુ શું જીવ પ્રેમના ભાવમાં સમર્પણ ભાવ મેળવીને ચાલવા સક્ષમ છે કે નહીં, અને જે જીવો વૈષ્ણવો અને ભગવદીયો તરફ પ્રેમ અને અનુરાગ રાખે છે તેમના પર પ્રભુની તથા શ્રી વલ્લભની અપાર પ્રસન્નતા અને કૃપા ઉતરે છે. આથી ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે જ્યારે જીવોમાં શ્રી ઠાકુરજી અને શ્રી વલ્લભ અને શ્રી વલ્લભના સેવકો પ્રત્યેનો પુષ્ટિભાવ સિધ્ધ થઈ જાય છે ત્યારે તે જીવ વૈષ્ણવ બનવાની સીમામાં પ્રવેશી જાય છે.

 

 

No comments:

Post a Comment

व्रज - फाल्गुन शुक्ल त्रयोदशी

व्रज - फाल्गुन शुक्ल त्रयोदशी  Wednesday, 13 March 2025 आपश्री के चौदस के श्रृंगार जन्माष्टमी, दीपावली और डोलोत्सव आदि बड़े उत्सवों के पूर्व ...