ભગવત્ કૃપાનું લક્ષણ
મધુરમ્
ભગવત્ કૃપા અવ્યક્ત છે, એટલે આપણે તેને સમજીએ –ઓળખીએ.
પ્રભુ પ્રાપ્તિ માટેના જે જે પ્રયત્નો થાય છે, થઈ રહ્યા છે, તેમાં ભગવદ્ કૃપા વ્યાપ્ત જ રહે છે. એટલે કે સેવા, સ્મરણ, ગુણગાન, લીલા-શ્રવણ વિગેરે જે જે સાધનો આપણે કરીએ છીએ તે ભગવદ્ કૃપાના કારણેજ થાય છે. પ્રભુએ આપણો સ્વકીયત્વે અંગીકાર કર્યો છે તેનું એજ લક્ષણ છે કે, સેવા સ્મરણાદિ સાધનોમાં આપણી વધુને વધુ અભિચીરૂ થતી રહે. આપણો જ્યારથી અંગીકાર કર્યો છે ત્યારથી જ આપે પોતાની કૃપા શક્તિનો આપણા હૃદયમાં પ્રવેશ કરાવ્યો છે. અને પ્રિયતમને યોગ્ય બનીએ તેવી અવસ્થા, સેવા, સ્મરણાદિ સાધનો દ્વારા આ કૃપા શક્તિ સિદ્ધ કરી કહેલ છે.
સંસાર સાગરમાં પડેલા અને સ્વરૂપથી વિમુખ એવા આ જીવનમાં એવી કઈ શક્તિ છે કે પ્રભુની કૃપા વિના પ્રભુ પ્રાપ્તિનાં સાધનો કરી શકે ? સ્વકીયત્વે આપણો અંગીકાર કરેલો હોવાથી પોતાની કૃપા શક્તિનો હૃદયમાં પ્રવેશ કરાવી પોતાની પ્રાપ્તિ માટેનાં સાધનનો આપ કરાવી રહેલા છે એમ નિશ્ચયાત્મક માનવું જ. તેમજ નિત્યસખા પ્રભુ આપણા હૃદયમાં ભાવાત્મક સ્વરૂપથી પ્રગટ થવાની જ્યારે ઇચ્છા કરે છે ત્યારે કૃપા શક્તિ દ્વારા સેવા-સ્મરણ આદિ સાધનો વધુને વધુ પ્રમાણમાં કરાવે છે.
No comments:
Post a Comment