શરદોત્સવ
એક વાત આમાં હજુ બીજી સમજો કે શરદપૂર્ણિમાએ પ્રભુ ફક્ત ગોપીઓના માટે જ પ્રકટ થયા હતા એવું નથી. આજે પણ જે વૈષ્ણવ પોતાના ઘરમાં શ્રીકૃષ્ણની સેવા કરવા ઇચ્છે છે તેના ઘરે પણ શ્રીકૃષ્ણ તે જ પ્રકારથી પ્રકટે છે, પ્રકટે છે અને પ્રકટે છે....આ રહસ્યને ક્યારેય ન ભૂલતા. આ પ્રકારનું માહાત્મ્ય જ્યારે તમે પોતાના માથે બિરાજતા ઠાકોરજીનું સમજશો ત્યારે પરમાત્મિકતા સમજાશે.
અત્યારના વૈષ્ણવ જેમ તેના માટે પોતાના ઘરમાં પ્રકટ થયેલા શ્રીકૃષ્ણને મુકી મુકીને હવેલી-મન્દિરોમાં બીજા-બીજા કૃષ્ણને તાકવા રખડતા હોય છે આવી જ રીતે જો રાસની ગોપીઓ પોતાના માટે પ્રકટ થયેલા શ્રીકૃષ્ણને મુકીને બીજાના માટે પ્રકટ થયેલા શ્રીકૃષ્ણને તાકવા લાગી જાત તો શું થાત ? રાસને બદલે રસાભાસ થઇ જાત. તારા માટે જે પ્રકટ્યો છે તેની સાથે તારે રાસ કરવો જોઇએ કે હવેલીઓમાં ભટકવું જોઇએ ! આ તો રસાભાસ થઇ ગયો. પણ રાસની કોઇપણ ગોપી આજના ઢોંગી વૈષ્ણવની જેમ પોતાના ઠાકોરજીને પડતા મુકીને દોડી જતી નથી. જે ગોપીની સાથે જે કૃષ્ણ પ્રકટ્યો તેની સાથે તેણે રાસ કર્યો છે. એમ આપણા માટે આપણા ઘરમાં જે સ્વરૂપ પ્રકટ થયું છે તેની સાથે આપણે સેવાનો રસ પ્રકટ કરવાનો છે. તેની સાથે આપણે રાસ કરવાનો છે.
શ્રીગુસાંઇજી શ્રીમહાપ્રભુજીને માટે કહે છે "રાસલીલૈકતાત્પર્યઃ કૃપયૈતત્કથાપ્રદઃ" શ્રીમહાપ્રભુજી રાસલીલૈકતાત્પર્ય છે. ગીતની જ્યાં તુક આવે ત્યાં આખા ગાયનનો ભાર હોય છે તેવી રીતે શ્રીગુસાંઇજી કહે છે કે બધીજ કૃષ્ણભક્તિનો ભાર શ્રીમહાપ્રભુજીનો રાસલીલામાં છે. બધીજ વાત રાસલીલા સમજાવવા માગે છે.
આપણે રાસલીલાનો મતલબ નાચવું સમજીએ છીએ, જેમ ગુજરાતમાં લોકો દાંડીયા નાચે છે. અરે ભાઇ ! નાચવું એજ એનો મતલબ નથી, તે તો તેનું સ્થૂળ રૂપ છે. તેનું સૂક્ષ્મરૂપ એકનું અનેક થવાનું છે. એકની અનેકની સાથે થતી ક્રીડાનું છે. એ શરત સાથે કે તમારી અંદર કૃષ્ણના ખંભા ઉપર હાથ રાખીને તેની સાથે નાચવાની ભાવના હોય. જો એવો ભાવ તમારામાં છે તો કૃષ્ણ તમારા ખંભા ઉપર હાથ રાખીને નાચી શકે છે. "સખા અંસ પર વામબાહુ દિયે યા છબિકી બિનમોલ બિકાઉં, સુંદર મુખકી હોં બલબલ જાઉં" ઠાકોરજી આ લીલા કરવા માટે તૈયાર છે. પણ પણ આપણી અંદર એ ભાવ ન હોય તો ઠાકોરજી શું કરે ? ઠાકોરજીની મુશ્કેલી એ છે કે તે કૃપા કરીને તમારા ઘરમાં પ્રકટ થઇ ગયા છે પણ તમે તેના પ્રત્યે રાસનો ભાવ ન રાખીને, જ્યાં સજાવટો વધારે છે, જ્યાં મોહનથાળ-મઠડી વધારે ભોગ ધરાઇ રહી છે, જ્યાં માણસોની ધક્કા-મુક્કી વધારે થઇ રહી છે ત્યાં જઇને ઉભા રહી જાવ છો, ઘરના ઠાકોરજીને તરછોડીને. આપણને તો એમ જ લાગે છે કે લોકોની ભીડ જ્યાં વધારે હોય ત્યાં ઠાકોરજી થોડાક વધારે સામર્થ્યવાળા બિરાજે છે. મારા ઘરમાં તો હું ને મારો ઠાકુર ફક્ત છીએ.
એક વાત સાફ સમજો કે સાચી પ્રેમિકાને પોતાના પ્રેમીની સાથે ભીડ પસંદ આવશે કે એકાંત ગમશે ? સાચી પ્રેમિકા તો ભીડમાં સંકોચ અનુભવશે. તે તો વિચારશે કે આટલી ભીડમાં કેવી રીતે પ્રેમાલાપ થઇ શકશે. તેને તો માણસોની ભીડ દુશ્મન જેવી લાગશે. આવીજ રીતે આપણે આપણા ઠાકોરજીની સાચી પ્રેમિકા હોત તો આપણને આપણા પ્રેમી ઠાકોરજી સાથે એકાંત જ ગમત. પણ આપણને તો ભીડ જ ગમે છે. જ્યાં ભીડ ભેગી થઇ કે આપણા પગમાં ખંજવાળ આવવા માંડે કે દોડો દોડો દોડો. કોણ જાણે ત્યાં શું મળી રહ્યું છે. આપણે ખાંડ મળશે એમ સમજીને લાઇન્ માં ઉભા છીએ અને ત્યાં મળી રહ્યું છે ઘાસલેટ. આમાં શ્રીમહાપ્રભુજી પણ બિચારા શું કરે, ઠાકોરજી પણ બિચારા શું કરે ? બિચારા શ્રીગુસાંઇજી શું કરે ? એમણે તો છતાં પણ સ્પષ્ટ વાત કહી દીધી "રાસલીલૈકતાત્પર્યઃ કૃપયૈતત્કથાપ્રદઃ" પણ એ વાત આપણને ગમતી નથી.આપણને તો બસ ઘાસલેટની લાઇન જ ગમે છે. પણ સાચી વાત તો એ છે કે તમારો ઠાકુર તમને લાઇનમાં ઉભા રાખવા નથી માગતો. તમારો ઠાકુર તો તમને બોલાવીને પોતાના ઘરના એકાંતમાં બધીજ સેવા આપવા માંગી રહ્યો છે. એ શરત સાથે કે તમે તમારા હ્રદયમાં એક સાચી પ્રેમિકા જેવો ભાવ તમારા ઠાકોરજી માટે રાખતા હો તો. તો તે સંપૂર્ણ સામર્થ્ય સાથે પ્રકટ થઇ રહ્યો છે.
એક-એક ગોપીને રાસમાં એવો અનુભવ હતો કે કૃષ્ણ તેનીજ સાથે નાચી રહ્યો છે. તેને ક્યારેય ખ્યાલ પણ ન આવ્યો કે બીજી ગોપીકાની સાથે પણ કૃષ્ણ નાચી રહ્યો છે કે નથી નાચી રહ્યો. આ તન્મયતાનું નામ રાસ છે. આ પ્રકારથી કૃષ્ણમાં ખોવાઇ જવાનું નામ રાસ છે. કૃષ્ણને આપણામાં ખોવડાવી દેવાનું નામ રાસ છે. કૃષ્ણમાં આપણે ખોવાઇ જઇએ, કૃષ્ણ આપણામાં ખોવાઇ જાય. કૃષ્ણને ભાન ન રહે કે તે ક્યાં છે, આપણને ભાન ન રહે કે આપણે ક્યાં છીએ.
આ પ્રકારથી જ્યારે આપણે એક-બીજામાં ખોવાઇ જઇએ તેનું નામ રાસપૂર્ણિમા છે. તેનું નામ શરદોત્સવ છે. તે દિવસે પુષ્ટિભક્તિની ચાંદની પૂરી ખિલી ગઇ. એવી શીતળ ચાંદની કે જેમાં આહ્લાદકતા અને આહ્લાદકતાના સિવાય કાંઇ જ નથી બચ્યું. આવી ચાંદની તે દિવસે ખિલશે કે જે દિવસે આપણે અને ઠાકોરજી એકબીજામાં ખોવાઇ જઇએ. પણ એની શરત એકજ છે : જે તમારા માટે તમારા ઘરમાં પ્રકટ થયો છે તેને તમે તમારો પ્રિયતમ માનો. તે તમારા ગળામાં હાથ નાખવા જતો હોય ત્યારે તમે ક્રુર બનીને જો તેને એમ કહીદો કે એક મિનિટ જરાક હું હવેલીમાં દર્શન કરીને આવું છું તો પછી રસાભાસ થઇ ગયો. તે તમને મળવા આવ્યો અને તમે બીજાકોકને મળવા જઇ રહ્યા છો !!!
No comments:
Post a Comment