શ્રીયમુનાષ્ટકમ્ (વિવેચન તથા ભાવાર્થ સહિત)
ચતુર્થ શ્લોક
શ્રીયમુનાજી કૃષ્ણના તુર્ય પ્રિયા છે અને ભૂતલને પાવન કરવા માટે જ તેઓ ભૂતલ પર પધાર્યા છે. એ વાત સારી રીતે સમજાય એટલા માટે ચોથા શ્લોકમાં શ્રીયમુનાજી પોતે ભગવત્સમાન ધર્મવાળા છે. એવું નિરૂપણ કરવામાં આવ્યું છે.
અનન્તગુણભૂષિતે શિવવિરંચિદેવસ્તુતે
ઘનાઘન-નિભે સદા ધ્રુવપરાશરાભીષ્ટદે।।
વિશુદ્ધ-મથુરા-તટે સકલ-ગોપ-ગોપી-વૃતે
કૃપાજલધિસંશ્રિતે મમ મન: સુખમ્ ભાવય।।૪।।
ભાવાર્થ : (૧)અનંત ગુણોથી શોભાયમાન, (૨) શિવવિરંચી (બ્રહ્મા) તથા દેવગણો દ્વારા સ્તુતિ કરાયેલ, (૩) ઘનઘોર વાદળો સરખી કાન્તિવાળાં, (૪) ધ્રુવ અને પરાસરને ઈચ્છીત ફળ આપનારાં, (૫) વિશેષ કરીને જે શુદ્ધ છે એવી મથુરાનગરી જેવા કિનારા ઉપર આવેલી છે તેવાં, (૬) સકલ ગોપ અને ગોપીજનોથી વીંટળાયેલાં અને (૭) દયાના સાગર રૂપ શ્રીહરિનો સારી રીતે આશ્રય કરીને રહેલાં - હે યમુનાજી! આપ મારા મનને સુખ (આનંદનો અનુભવ) થાય એવું વિચારો.
વિવેચન : આ શ્લોકમાં સાત વિશેષણ છે. જો એ સાતે વિશેષણોને સંબોધ રૂપે લઈએ તો બધાં યમુનાજીને લાગુ પડે છે. જેમકે - (૧) અનંત ગુણોથી શોભાયમાન એવા હે યમુનાજી, (૨) શિવ વિરંચી તથા દેવોથી સેવાયેલા એવાં હે યમુનાજી - આ રીતે સાત વિશેષણ સંબોધન દ્રષ્ટિથી યમુનાજીને લાગુ પડે છે.
પરંતુ જો એ બધાં વિશેષણોને સાતમાં વિભક્તિમાં પ્રયોજવામાં આવે તો તે બધાં શ્રીકૃષ્ણને લાગુ પડે છે. અને તે આ રીતે બોલાય. અનંત ગુણોથી શોભાયમાન; શિવ, બ્રહ્મા તથા અન્ય દેવોથી સ્તુતિ કરાયેલ આદિ તથા અપાર કરૂણાના સાગરના આશ્રયરૂપ શ્રીકૃષ્ણ.
આ જોતાં એક વસ્તુ સ્પષ્ટ બની જાય છે કે આ બધા વિશેષણો કૃષ્ણ અને યમુનાજીને એક સરખી રીતે લાગુ પડે છે. તેથી તે બંને સમાન ધર્મી છે. બન્નેની એ રીતે સ્તુતિ કરીને શ્રીમદાચાર્યચરણે શ્રીયમુનાજી અને શ્રીકૃષ્ણનું બધી રીતે સામર્થ્ય દર્શાવ્યું છે.
શ્રીનંદકુંવર (કૃષ્ણ) ભગવાન છે તો શ્રીયમુનાજી ભગવતી દેવી છે. ભગવાન એટલે ભગ વાળા (જેમ ધનવાન એટલે ધનવાળા); અને ભગવતી એટલે ભગ વાળી (જેમ પુત્રવતી એટલે પુત્રવાળી) ભગવાન અને ભગવતી બન્નેમાં ભગ શબ્દ છે. એ ભગ એટલે શું?
ષડ ધર્મા ભગ શબ્દેન, ઐશ્વર્ય, વિર્યં, યશસ્તથ
શ્રી જ્ઞાર્ન, વિરાગશ્વ નિત્યા, ભગવતોऽભલ
અર્થાત ભગ શબ્દ એ છ અલૌકિક દિવ્ય ગુણોના સમૂહનો બોધ કરે છે. એ છ ગુણો છે ઐશ્વર્ય, વિર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એ છ ગુણ જે પુરુષ ભાવમાં (પુંભાવ) હોય તે ભગ વાળો એટલે ભગવાન: અને છ ગુણ જે સ્ત્રીભાવમાં હોય (સ્ત્રીભાવ) ભગવાળી એટલે ભગવતી કહેવાય.
આ શ્લોકમાં કુલ સાત વિશેષણો છે. તેમાંથી છ ને વિશેષણ તરીકે લેવાનાં છે અને સાતમું વિશેષ્ય (જેને એ છ વિશેષણ લાગુ પડે તે વિશેષ્ય) તરીકે લેવાનું છે. અર્થાત છ ધર્મો અને સાતમું એ છ ધર્મોને ધારણ કરનાર ધર્મી સ્વરૂપ છે. એ રીતે જોતાં આમાંના છ ધર્મો ધારણ કરનાર શ્રીકૃષ્ણ ધર્મી છે અને એ જ છ ધર્મો ધારણ કરનાર યમુનાજી પણ ધર્મી છે. અને એ બધા ધર્મો અને ધર્મી સ્વરૂપની દ્રષ્ટિએ (બન્ને) સમાન છે. એટલા માટે શ્રીયમુનાજી કૃષ્ણા, કૃષ્ણસમાં, કૃષ્ણરૂપા આદિ નામોથી પ્રસિદ્ધ છે. જો કૃષ્ણ કૃષ્ણ (શ્યામ) છે તો યમુનાજી કૃષ્ણા (શ્યામા) છે. ટૂંકમાં સ્વરૂપગત બન્ને અભિન્ન છે.
શ્રીમદાચાર્યચરણે ભગવાનના ઐશ્વર્યાદિ આ છ ધર્મોનું નિરૂપણ પુષ્ટિમાર્ગીય પરિભાષા પ્રમાણે કર્યું છે. એ ધર્મોની વ્યાખ્યા વેણુગીતના ૧૧મા શ્લોકની કારિકાઓ વાંચવાથી સમજાઈ જશે.
વેણુગીતના ૧૧ થી ૧૬ શ્લોકમાં આ છ ધર્મો દ્વારા આચરવામાં આવતી શ્રીકૃષ્ણ (ધર્મી) ની લીલાઓનું ક્રમશ: વર્ણન છે. ગ્રંથ વિસ્તારના ભયે તેમાંથી માત્ર એકનું વર્ણન હું કરીશ.
હરિણીયો જેવી મૂઢ યોનિની સ્ત્રીઓ ઉપર વેણુરવની જે વિલક્ષણ પ્રતિક્રિયા પડે છે તે ભગવાનનો ઐશ્વર્ય ધર્મ પ્રકટ કરે છે. યથા - ઈશ્વર: પૂજ્યતે લોકે મૂઢેરપિ, યદા તદા, નિરૂપાધિક ઐશ્વર્ય વર્ણયન્તિ વિચક્ષણ અર્થાત મૂઢ જીવો પણ જ્યારે ઈશ્વરને પૂજે ત્યારે ઈશ્વરનો ઐશ્વર્ય ધર્મ સમજાય છે. હરિણીઓ દ્વારા સેવતા કૃષ્ણમાં ઐશ્વર્ય ધર્મ સ્પષ્ટ દેખાય છે.
ભગ શબ્દમાં સમાવેશ કરવામાં આવેલ આ છ ધર્મોની વ્યંજનાં કરતા શબ્દસમૂહો આ શ્લોક આ પ્રમાણે છે -
(૧) અનંત ગુણ ભૂષિતે - ઐશ્વર્ય ધર્મ, (૨) શિવ વિરંચી દેવસ્તુતે - વીર્ય ધર્મ, (૩) ઘનાઘનનિભે - યશ ધર્મ, (૪) ધ્રુવ પરાશરાભિષ્ટદે - શ્રી ધર્મ, (૫) વિશુદ્ધ મથુરા તટે - જ્ઞાન ધર્મ અને (૬) સકલ ગોપી - ગોપીવૃતે - વૈરાગ્ય ધર્મ. અને કૃપાજલધિસંશ્રિતેમાં ધર્મી સ્વરૂપ (સ્વરૂપગત ભગવાન અથવા ભગવતી પોતે) માનવામાં આવ્યું છે.
એ છ દિવ્ય ધર્મો અને સાતમો ધર્મી - એ સાતોને પ્રકટ કરતાં એ બધાં શબ્દસમૂહોનો ભાવ સમજવા પ્રયત્ન કરીશું.
(૧) અનંત ગુણ ભૂષિતે - અનંત એટલે અંત રહિત અથવા અસંખ્ય. અને અનંત એટલે નિત્ય એવો પણ અર્થ થાય છે. અહીં બીજો અર્થ ભાવને અનુકૂળ છે. શ્રીયમુનાજીના ગુણોની ગણના થઈ શકે નહીં, તેથી તે અસંખ્ય છે. અને તેમના બધા ગુણો નિરંતર વિરાજમાન એટલે કે સદા વર્તમાન રહેતા હોવાથી તો નિત્ય પણ છે જ. ભગવાન કૃષ્ણના સંદર્ભમાં પણ એવું જ છે. કૃષ્ણ પણ નિત્ય વિરાજિત અગણિત ગુણો વડે શોભે છે. ભક્તનું કાર્ય સંપાદન કરવું. રાસોત્સવાદિમાં અનેક રૂપો ધારણ કરીને ભક્તોનાં મનોરથો પૂર્ણ કરવા એવા ગુણોથી તેઓ અલંકૃત છે. શ્રીયમુનાજી પણ ભક્તોનાં મનોરથો પૂર્ણ કરવા એવા ગુણોથી તેઓ અલંકૃત છે. શ્રીયમુનાજી પણ ભક્તોનાં કાર્યોને સાધવા માટે જીવોને ભગવાનની સેવા અર્થે તનુ નવત્વ અર્પણ કરીને ભગવદ્ સમાગમ માટે યોગ્ય બનાવવા જેવા ગુણોથી સુશોભિત છે.
ગુણોનું સર્વત્ર સન્માન થાય છે. ગુણો વડે ભગવાન પૂજ્ય છે અને યમુનાજી પણ પૂજાય છે. શ્રીમદાચાર્યચરણ આજ્ઞા કરે છે - પૂજ્યો હિ ભગવાન તદ્ગુણાશ્વ. આમ અનંત ગુણોથી શોભતું એ ભગવાનનું ઐશ્વર્ય વ્યક્ત કરે છે.
વળી વેણુગીતના અગિયારમાં શ્લોકમાં મૂઢમતિવાળી હરિણીઓ પણ વેણુનો સ્વર સાંભળીને અને વિચિત્ર વેશયુક્ત નંદનંદનનું પ્રણય (પ્રેમ) ભાવથી અવલોકન કરીને તેમની પૂજા કરે છે. શ્રીમહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે. ઈશ્વર: પૂજ્યતે લોકો મૂઢરપિં યદા તદા - એટલે કે મૂઢ પ્રાણીઓ પણ આ લોકમાં ઈશ્વરની પૂજા કરે છે. આથી મૂઢ પ્રાણીઓનો માટે પણ જે પૂજ્ય હોય તેનામાં ઈશ્વરનું ઐશ્વર્ય હોય એ સ્વયં સ્પષ્ટ છે. તેથી અહીં અનંતગુણ ભૂષિતે પદમાં ઐશ્વર્ય હોય એ સ્વયં સ્પષ્ટ છે. તેથી અહીં અનંતગુણ ભૂષિતે પદમાં ઐશ્વર્ય ધર્મનું પ્રતિપાદન થઈ જાય છે. આ પહેલાં કહ્યું તેમ આ વિશેષણ શ્રીકૃષ્ણ અને શ્રીયમુનાજી ઉભયને માટે યોજેલું છે. તેથી તે બન્ને નિરૂપાધિક ઐશ્વર્ય યુક્ત છે.
શિવ વિરંચી દેવ સ્તુતે: - તેઓ શિવ બ્રહ્માદિક દેવતાઓ વડે સ્તુતિ કરાયેલાં છે. અસાધારણ શક્તિને વીર્ય કહે છે. બલ અને પ્રભાવ દર્શાવવા માટે પણ વીર્ય શબ્દોનો ઉપયોગ થાય છે. શિવ બ્રહ્માદિ દેવોમાં અતિશય શક્તિ છે તેથી તેમનામાં પણ વીર્ય છે. 'વીર્ય દેવેષુ' નો એવોજ અર્થ થાય છે. પરંતુ એવા એ વીર્યવાન દેવો પણ જેના વીર્ય સામે ઝૂકી જઈ જેમની સ્તુતિ કરે તેના વીર્ય ધર્મ વિષે શું કહેવું? શિવ અને બ્રહ્માજીએ પણ યમુનાજીની સ્તુતિ કરી હોવાનું પદ્મ-પુરાણમાં કહેવામાં આવ્યું છે.
વેણુગીતના બારમાં શ્લોકમાં શ્રીકૃષ્ણનું રૂપ અને શીલ જોઈએ અને તેમની વેણુનું ગીત સાંભળીને, વિમાનમાં સ્થિત દેવીઓની વેણીમાંથી પુષ્પો ખરી પડ્યાં અને તેમને મૂર્છા આવી. તથા દેવો પણ મોહ પામી ગયા. તેથી તેઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. એ જોતા શિવ વિરંચી દેવ સ્તુતે - એ પદ કૃષ્ણ અને યમુનાજી ઉભયમાં વીર્ય ધર્મ હોવાનું પ્રતિપાદન કરે છે.
ઘનાઘનનિભે : ગાઢ મેઘ સમાન કાંતિ હોવા પણુ બન્નેમાં છે જ. અને યમુનાજીનાં સ્વરૂપ અને સૌંદર્ય જોઈને સૌ કોઈ વિસ્મય પામે છે. યમુના કિનારે પ્રકટ થયેલા શ્રીગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ જોઈ, તેમની રૂપ, ગુણ, લીલા અને મુરલી માધુરી નિરખીને, શ્રીવલ્લભે વિસ્મય પામીને તેનું વર્ણન કરતું મધુરાષ્ટકમ્ રચ્યું. અને શ્રીગોકુલનું સ્થાન શોધતા બાલ સરસ્વતી શ્રીવલ્લભની સામે અદભુત સૌંદર્યશાલી યમુનાજીને ઊભેલા જોઈને આશ્ચર્ય પામી શ્રીવલ્લભે કહ્યું, "તવ સ્વરૂપમ્ અતિ અદ્ભુતમ્" અને આપશ્રીએ યમુનાષ્ટકમ્ ની રચના કરી. આ રીતે બન્નેનું સ્વરૂપ અદ્ભુત છે. શ્રીકૃષ્ણનું તો નામજ ઘનાઘનપણાનો નિર્દેશ કરે છે. કૃષ્ણ એટલે ઘનશ્યામ. યમુનાજી માટેનાં ભગવત વાક્યોમાં યમુનાજી માટે "કૃષ્ણાયાહસા તરલે" જેવા શબ્દો દ્વારા યમુનાજીને કૃષ્ણા-ઘન-શ્યામ વર્ણવાળાં કહેવામાં આવ્યા છે. આમ કૃષ્ણ અને કૃષ્ણનામ દ્વારા બન્નેનું ઘનાઘનપણું સૂચવાય છે.
આ રીતે તેમનાં નામ અને રૂપ ભગવદ્ સાદ્રશ્યનું પ્રતિપાદન કરે છે. તેમના વિસ્મયકારક સ્વરૂપને જોઈને, તેમની સ્તુતિ કરે છે. અને એ રીતે તેમના યશનું ગાન કરે છે. સ યશો યદિ વિમૂઢાનાં પ્રત્યક્ષાસકિત વારણાત્ - આ શ્લોકમાં દર્શાવવામાં આવેલ યશ ધર્મનું નિરૂપણ આ પદ દ્વારા થાય છે. મૂઢ પ્રાણીઓની 'પ્રત્યક્ષ વસ્તુ' માંથી આસક્તિ દૂર કરીને તેમને પોતાનાં ધર્મમાં કે સ્વરૂપ-સૌંદર્યમાં યોજવામાં આવે ત્યારે યથાર્થમાં યશ: થયા; એવું શ્રીમહાપ્રભુજી કહે છે. વેણુગીતના તેરમા શ્લોકમાં તેનું વર્ણન છે. વેણુગીત સાંભળીને, ઊંચા કરેલા કાન વડે શ્રીકૃષ્ણના મુખચંદ્રમાંથી નીકળતા વેણુગીત રૂપી અમૃતનું પાન કરતી ગાયો અને પોતાના મુખમાંથી સ્તનના દૂધનો ગ્રાસ (કોગળો) પાડી નાખતાં વાછરડાંઓ હર્ષાશ્રુયુક્ત બનીને, પોતાના નયનો વડે ગોવિંદનું અંતર દર્શન કરે છે.
જેના સૌંદર્યના દર્શન માત્રથી, અન્ય પદાર્થો કે પ્રાણીઓ પ્રત્યેની આસક્તિનું વિસ્મરણ થાય એ સૌંદર્યને વાણીનો વિષય ન બનાવી શકાય. વાછરડાં જેવાં મૂઢ પ્રાણીઓએ પ્રત્યક્ષ વસ્તુ-દૂધનો કોગળો અથવા તૃણ પ્રત્યેની આસક્તિ છોડી દીધી અને કૃષ્ણાનું સૌંદર્ય જોઈ હર્ષાશ્રુયુક્ત બની ગયાં તે સૌંદર્ય (ભગવાનનું એ વિસ્મયકારક સૌંદર્ય) તેમના યશ ધર્મને અભિવ્યક્ત કરે છે. શ્યામ-શ્યામા બન્નેમાં એ ધર્મ સમાન રૂપે છે જ. કારણ કે યમુનાજીનું સ્વરૂપ સૌંદર્ય વાસ્તવમાં કૃષ્ણનું સ્વરૂપ-સૌંદર્ય જ છે.
નોંધ : ઘનાઘનની સંધિ છોડતા ઘન અને અઘન એવા બે શબ્દો મળે છે. ઘન એટલે ઘનીભૂત રસાત્મક શ્રીકૃષ્ણ અને અઘન એટલે ઘન નહીં એવા દ્રવીભૂત રસાત્મિકા શ્રીકૃષ્ણા. એ બન્ને યુગલ સ્વરૂપોનું અદ્ભૂત સંયોજન એટલે ઘનાઘનનિભે. એ અર્થમાં ઘનાઘનનિભે એ પદને દશ-દિન્ગત-વિજયી શ્રીપુરુષોત્તમજીએ વિશેષણ નહીં, વિશેષ્ય માન્યું છે. તેથી તેમણે એ પદને ધર્મ સ્વરૂપ નહીં પણ ધર્મી સ્વરૂપ ગણ્યું છે. એ અર્થમાં આપશ્રીની એ માન્યતા યથાર્થ છે.
ધ્રુવ પરાશરાભિષ્ટદે : આ પદ દ્વારા બન્નેના 'શ્રી' ગુણનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પદનો અર્થ છે ધ્રુવ અને પરાશરને તેમની ઈષ્ટ ઈચ્છીત વસ્તુ (અભિષ્ટ) આપનાર શ્યામ શ્યામા (યમુનાજી). ધ્રુવ પરાશરે શ્રીયમુનાજીના તટ પાસે તપસ્યા કરી હતી. ત્યારે શ્રીયમુનાજીએ પોતાના સાન્નિધ્યથી અને શ્રીકૃષ્ણે પ્રકટ થઈને બહુજ પ્રસન્નતા-પૂર્વક તેમને અભિષ્ટ એવાં જ્ઞાન અને ઐશ્વર્યનું ફલદાન કર્યું હતું. પરાશરને જ્ઞાન અભિષ્ટનું અને બાળક ધ્રુવને ઐશ્વર્યનું (રાજ્યગાદી) અભિષ્ટ હતું. યુગલ સ્વરૂપે તે તેમને આપ્યું. જે પોતાના સેવકો (ભક્તો) ને ઐશ્વર્ય અને જ્ઞાન પ્રદાન કરીને તેમનો ઉપભોગ તેમની પાસે કરાવી શકે તેવા સ્વામીની 'શ્રી' અર્થાત વૈભવ કેવો હોય?
શ્રિયો હિ પરમાકાષ્ઠા સેવકાસ્તાદ્રશા યદિ। અર્થાત 'શ્રી' ની પરાકાષ્ઠા એ જ કે સેવકો પણ શ્રી યુક્ત થાય. ધ્રુવ અને પરાશરને શ્રીયુક્ત કરવા દ્વારા, કૃષ્ણ અને યમુનાજીમાં શ્રી ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
વેણુગીતના ચૌદમાં શ્લોકમાં સુંદર શાખાવાળી વૃક્ષ ડાળો ઉપર બેઠેલાં પક્ષીઓ અને ત્યાં ઉપસ્થિત મુનિયો શ્રીકૃષ્ણચંદ્રની વેણુનું વિસ્ફારીત અને સ્થિર નજરે મધુર ગીત સાંભળતા હતાં. એ સંદર્ભમાં શ્રીમહાપ્રભુજી ઉપર ઉલ્લેખિત - શ્રિયો હિ પરમાકાષ્ઠા... એવું કઠણ કરે છે. તેમાં આપશ્રી આજ્ઞા કરે છે કે 'શ્રી' ની પરમોચ્ચ સ્થિતિ એ છે કે શ્રીયુક્ત ભગવાન અને યમુનાજીના સેવકો પણ 'શ્રી' યુક્ત બને છે. ધ્રુવ પરાશર તેમના આશ્રમે રહીને શ્રીયુક્ત બન્યા છે. તેથી યમુનાજીમાં અને કૃષ્ણમાં પણ 'શ્રી' ધર્મ છે એવું સિદ્ધ થાય છે.
નોંધ : શ્રીપુરુષોત્તમજીએ તો ઘનાઘનનિભેને સ્વરૂપગત ધર્મી પદ આપ્યું છે. તેથી આપશ્રીના મત પ્રમાણે ધ્રુવ પરાશરા ભિષદ પદમાં યશ ધર્મનું નિરૂપણ છે. મનુષ્યની (દાન) આપવાની શક્તિ દ્વારા જ તેનો યશ ફેલાય છે. અહીં શ્રીયમુનાજી તથા શ્રીકૃષ્ણે ધ્રુવ પરાશરને તેમનું અભીષ્ટ આપ્યું તેથી તેમનો યશ ફેલાયો. આ રીતે આ પદમાં ઉભયના 'યશ' ધર્મનું નિરૂપણ છે એવું શ્રીપુરુષોત્તમજી મહારાજ કહે છે.
વિશુદ્ધ મથુરા તટે : મથુરા નગરી વિશુદ્ધ છે એટલે કે દોષ માત્રથી રહિત છે. પૃથ્વી ઉપરના અન્ય ભૂમિ ભાગોમાં અનેક પ્રકારના દોષો હોવાનો સંભવ છે. પરંતુ આ ભૂમિ પ્રદેશ (મથુરા) માં કોઈ પણ પ્રકારના દોષો સંભવી શકતા નથી. તેના બે પ્રમુખ કારણો છે.
(૧) ભગવાને પ્રકૃતિનાં બધા તત્ત્વોને ઉત્પન્ન કર્યા. પછી તત્સૃષ્ટવા તદૈવાનુત્રાવિશત એટલે કે તેમને ઉત્પન્ન કરીને પછી પોતે તેમાં પ્રવેશ કર્યો. તેથી ભગવાનની સ્થિતિ બધાં તત્ત્વોમાં જે એક ભૂમિતત્ત્વ છે એ ભૂમિતત્ત્વના એક ભાગ રૂપ જે મથુરાપુરી છે તેમાં તો ભગવાનની નિત્ય સ્થિતિ છે. "મથુરા ભગવાન્ યત્ર નિત્ય સન્નિહિતો હરિ:" એવું સ્પષ્ટ કથન છે. એટલે કે ભગવાન મથુરામાં નિરંતર વિરાજમાન છે તો એવી મથુરાપુરી વિશુદ્ધ મથુરામાં નિરંતર ભગવાન વિરાજમાન છે તો એવી મથુરાપુરી વિશુદ્ધ હોય તેમાં શું આશ્ચર્ય!
(૨) મથુરાપુરી શ્રીયમુનાજીના તટ ઉપર છે. પરિણામે તે પ્રભુની લીલાસ્થલી છે. નિત્ય લીલા વિનોદી ભગવાન પ્રકટ રીતે ત્યાં બિરાજીને લીલા કરે છે. તેથી મથુરાને બધી રીતે શુદ્ધતા મળી રહે છે. મથુરાને નિત્ય ભગવદ્ સાન્નિધ્ય મળતું હોઈ, ત્યાં વસનારને ભક્તિ પણ સિદ્ધ થાય છે. અને ભક્તિએ જ્ઞાનનું કાર્ય છે. (સ્વરૂપ જ્ઞાન થતાં પ્રેમ ઉદભવે તેનું નામ ભક્તિ) તેથી આ વિશુદ્ધ મથુરા તટે પદમાં જ્ઞાન ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
મથુરાને લીલામય ભગવાનનું નિત્ય સાન્નિધ્ય મળી શક્યું છે. આમ તો મથુરા મુક્તિ દાયિની છે. પરંતુ ભગવાનના નિત્ય સાન્નિધ્યને કારણે તેના સ્વભાવનો વિજય થતાં તે ભક્તિ દાયિની બની ગઈ છે; તે જીવોને ભક્તિનું દાન કરે છે. સ્વભાવનો વિજય ક્યારે થાય? જ્યારે જીવને ભગવદ્ સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે. જ્ઞાન દ્વારા સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત થાય ત્યારે તેનો જ્ઞાનોત્કર્ષ કહેવામાં આવે છે - જ્ઞાનોત્કર્ષસ્તદેવસ્યાત્ સ્વભાવ વિજયો યદિ -
વિશુદ્ધત્વ એ જ્ઞાનનું કાર્ય છે. કારણ કે જ્ઞાનમાં નિર્મળ બનાવવાની શક્તિ છે. ભગવદ્ સાનિધ્ય અને યમુના સામિપ્યને કારણે મથુરા વિશુદ્ધ બની છે. તેનો જ્ઞાનોત્કર્ષ થયો છે. પરિણામે તેના સ્વભાવનો વિજય થતાં તે મુક્તિદાતાને બદલે ભક્તિ દાતા બની રહી છે.
જ્ઞાન દ્વારા સ્વભાવ પર થતા વિજયનું વર્ણન કરવા માટે વેણુ ગીતમાં એક શ્લોક છે. તેનો ભાવ આ પ્રમાણે છે.
ભગવાનના વેણુગીતને સાંભળીને આવર્તનો વડે લક્ષિત કામવેગથી નદીઓની ગતિ રોકાઈ ગઈ. તેથી તેઓ પોતાના તરંગોરૂપી ભુજાઓ વડે, કમલનું સમર્પણ કરીને, મુરારીના (તેને આલિંગન કરવા માટે સ્થિર થયેલા) ચરણ યુગલનો સ્પર્શ કરવા લાગી. પરિણામે તેની ગતિ રોકાઈ ગઈ.
ગતિ (વેગ) નદીઓનો સ્વભાવ છે. એટલા માટે તેને સરિતા (સરી-જતી-પ્રવાહિત) કહેવામાં આવે છે. અહીં નદીઓએ પોતાના સ્વાભાવિક ગતિવેગમાં પરિવર્તન કર્યું છે. અને પોતે સ્થંભિત થઈ ગઈ છે. (સ્થિર) આ રીતે સ્વભાવ વિજય થતાં જ્ઞાનનો ઉત્કર્ષ થયો છે.
અહીં વિશુદ્ધ મથુરા તટે વિશેષણ દ્વારા જ્ઞાન ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
શ્રીપુરુષોત્તમજી પણ એવુંજ માને છે. આપશ્રીના મત પ્રમાણે આ પદ દ્વારા (વિશુદ્ધ મથુરા તટે) જ્ઞાન ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
સકલ ગોપ-ગોપી વૃતે : એટલે કે બધા ગોપો અને ગોપીઓ વડે ઘેરાયેલાં. આ વિશેષણ દ્વારા બન્ને ભગવદ્ સ્વરૂપોને વૈરાગ્ય ગુણ સૂચવાય છે. ભગવાનની આસક્તિ કેવળ નિજ ભક્તોમાં છે. પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં બારમાં અધ્યાયમાં ભગવાને પોતાના ભક્તો પોતાને પ્રિય છે. (સ મે પ્રિયા) એવું શ્રીમુખે કહ્યું છે. અને એવા ભક્તોનાં લક્ષણો ગણાવ્યા છે. તાત્પર્ય એ છે કે નિજ ભક્તોમાં ભગવાનની આસક્તિ છે; અને તેમના સિવાય બીજા બધામાં તેમની વિરકિત છે; વિરક્તિ એટલે અપ્રિયતા નહીં, પરંતુ તટસ્થતા. નિજ ભક્તોમાં આસક્તિ હોવાથી તેઓ પોતાના ભક્તોથી સદૈવ ઘેરાયેલા રહે છે. કેવળ ભક્તોમાં જ આસક્તિ એ તેમનો 'વૈરાગ્ય' ગુણ કહેવાય.
શ્રીયમુનાજીનો પણ નિત્ય સંબંધ ગોપ-ગોપી સમાજની સાથે છે. કારણ કે તેમની સન્નિધિમાં જ કૃષ્ણની લીલા સદૈવ થતી રહે છે. ભક્તોનાં અભાવે ભગવાન સંતપ્ત બની રહે છે. શ્રીયમુનાજી ભક્તોનું ભગવાન સાથે મિલન કરાવી આપે છે અને એ રીતે તેઓ ભક્તોનાં અભાવને દૂર કરાવે છે. એટલે કે તેઓ ભગવાનના ભક્તોનાં વિરહજન્ય સંતાપનું શમન કરે છે. યમુના હરિનો સંતાપ હરે છે. અને ભક્તોને હરિની પ્રીતિનું સંપાદન કરાવી આપીને તે પોતે પરમ સુખ પામે છે. આનું નામ શ્રીયમુનાજીના વૈરાગ્ય ગુણનો ચરમ ઉત્કર્ષ. વૈરાગ્યનો અર્થ જ એ છે. ભગવાનનાં ચરણ યુગલમાં પોતાના સર્વસ્વના સમર્પણ દ્વારા પ્રીતિ રાખવી એનું નામ વૈરાગ્ય.
વેણુગીતમાં વૈરાગ્યનું નિરૂપણ આ રીતે કર્યું છે. "બલરામ અને ગોપીની સાથે વ્રજ પશુઓને ચરાવતા અને બંસી નાદ કરતા પોતાના જેવા ઘનશ્યામ કૃષ્ણને, આકરા તાપથી કલાંત જોઈને, સ્નેહાતિરેકથી સજલ નયનોવાળા સજલ વાદળોએ (મેઘે) જલબિંદુઓની ઝરમર રૂપી પુષ્પોની વૃષ્ટિ તેમના ઉપર કરીને, પોતાના શરીરને (મેઘોએ પોતે) કૃષ્ણના છત્રરૂપ બનાવી દીધું.
આ રીતે શ્યામ ઘને (વાદળોએ) અલ્પ નિવેદનપૂર્વક કૃષ્ણના તાપનું શમન કર્યું છે. તેમ કરવામાં પોતાના શુભ પ્રતિનો તેનો વૈરાગ્ય સ્પષ્ટ પણે જોઈ શકાય છે. વૈરાગ્યની વ્યાખ્યા આવી છે - હરેશ્વરણયો: પ્રીતિ: સ્વસર્વસ્ય નિવેદનાત્ ઈતિ વૈરાગ્ય નિજ શુભો પ્રત્યે વિરાગ અને ભગવાન પ્રત્યે અનુરાગ એટલે જ વૈરાગ્ય.
ગો.શ્રીપુરુષોત્તમજીના મત પ્રમાણે 'સકલ-ગોપ-ગોપી વૃતે' વિશેષણ દ્વારા ઉભય પક્ષના 'શ્રી' ધર્મનું નિરૂપણ થાય છે. શ્રી (શોભા) ને જ્યારે આવરણમાં (ઘૂંઘટમાં) રાખવામાં આવે ત્યારે તે વધુ નિખરે છે. ઘૂંઘટમાં છુપાયેલ સૌંદર્ય વધુ પ્રાશિત થતું હોય છે. ગોપ-ગોપીઓ દ્વારા ઘેરાયેલા હોવાથી ભગવાનની શોભા વધુ પ્રકાશિત બને છે. ગોપીઓના ગૌર વર્ણની વચમાં સ્થિત કૃષ્ણનો શ્યામ વર્ણ વધુ સલુણો-લાવણ્યમય બને છે. "જા તન કી ઝાઈ પડે શ્યામ હરિત દુતિ હોય." આથી આપશ્રીના મત પ્રમાણે આ વિશેષણથી ઉભય પક્ષના શ્રીગુણનું નિરૂપણ કરવામાં આવે છે.
કૃપા જલધિ સંશ્રિતે - કૃપા રૂપી સાગરના આશ્રયરૂપી તો કેવળ શ્રીકૃષ્ણા જ છે. એટલે કે કૃષ્ણ જ કૃપા સાગર છે. કૃપા એ કૃષ્ણનો નિત્ય આવિર્ભૂત ધર્મ છે. તેથી તે પ્રભુનું સ્વરૂપ છે. પ્રભુના બધા ધર્મો નિત્ય છે. પરંતુ તે બધા નિત્ય પ્રકટ નથી. જે લીલાના સમયે જે ધર્મનો ઉપયોગ હોય તે લીલાનાં સમયે ધર્મનો આવિર્ભાવ થાય છે. અન્ય સમયે તે ધર્મ તિરોહિત રહે છે. જ્યારે કૃપા (અનુગ્રહ) તો નિત્ય આવિર્ભૂત રહે છે. પ્રભુની કૃપા (કૃષ્ણાનુગ્રહ) ક્યારેય પણ તિરોહિત થતી નથી. અનુગ્રહ પુષ્ટિમાર્ગે નિયામક ઈતિ સ્થિતિ. અનુગ્રહ તો ગુણનો તિરોહિત થાય તો સૌનું નિયમન કોણ કરે? આથી પ્રભુ સદા સર્વદા કૃપાયુક્ત બની રહે છે. તેથી કૃપા ગુણ. પ્રભુના સ્વરૂપનું પ્રતિ પાદન કરે છે.
શ્રીયમુનાજી પણ કૃપાના સાગર એવા શ્રીકૃષ્ણનો આશ્રય કરીને રહે છે. બીજી બધી નદીઓ ભૌતિક-લૌકિક સમુદ્રને મળે છે, પરંતુ શ્રીયમુનાજી તો કૃપા જલધિ રૂપ શ્રીકૃષ્ણને જ મળે છે. તેમની સાથે જ તેમનો સંગમ થાય છે. પરિણામે તેમની સંગતિથી જીવની ભગવાન સાથે સંગતિ સધાય છે. એટલા માટે આ પદ શ્રીયમુનાજીના સ્વરૂપનું પણ પ્રતિપાદન કરે છે.
કૃપાજલધિસંશ્રિતે - એ પદનો અર્થ આ રીતે કરવાનો છે - કૃપાના સમુદ્ર જેનો આશ્રય હંમેશા માટે લીધો છે એવા શ્રીકૃષ્ણ અને શ્રીયમુનાજી. ભગવાન નિરવધિ (કોઈ અવધિ સુધીજ નહીં, પરંતુ નિત્ય, હંમેશા) કૃપામય છે. શ્રીયમુનાજી આ કૃપાજલધિમાં, જેમ સમુદ્રમાં સરિતા મળે તેમ મળી ગયાં છે. એટલે કે એકરૂપ બની ગયાં છે. તેથી તે બન્નેનું સ્વરૂપ એક થઈ ગયું છે.
ગો.પુરુષોત્તમજીના મત પ્રમાણે કૃપા જલધિ સંશ્રિતે એ વિશેષ્ય (ધર્મી રૂપ) નથી પરંતુ તે તો ધર્મીનો ધર્મ (વિશેષણ) છે અને તેમાં ઉભય ભગવદ્ સ્વરૂપોનાં વૈરાગ્યનું ગુણનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જે વિરાગી હોય તે જ સર્વ પ્રત્યે કૃપાળુ હોઈ શકે. રાગીમાં વહાલાં દવલાંનો ભાવ રહેતો હોય છે. રાગમાં સ્વાર્થવૃત્તિ રહે છે. ભગવાને કહ્યું છે - નાહમાત્માનમાશાસે મદ ભક્તૈ: સાધુભિર્વિના એટલે કે મારા સાધુ ભક્તો સિવાય ભગવાનને પોતાનામાં પણ વૈરાગ્ય રહે છે. એવા કૃપાસાગર ભગવાનની આશ્રિતા હોવાથી યમુનાજીનો પણ એ જ ગુણ છે - કૃપા કરીને જીવોને પ્રભુ સાથે મેળવી આપવાનો એ અલૌકિક ગુણ છે.
મમ મન: સુખમ્ ભાવય - આવા અલૌકિક ષડગુણો વાળા હે યમુનાજી, આપ મારું શુભ વિચારો. એવું કહેવામાં આવ્યું છે કે શ્રીમાન પ્રભુચરણ શ્રીગુસાંઈજીના સેવક કિશોરીબાઈ આ શ્લોકના ઉત્તરાર્ધ -
વિશુદ્ધ-મથુરા-તટે સકલ-ગોપ-ગોપી-વૃતે
કૃપાજલધિસંશ્રિતે મમ મન: સુખમ્ ભાવય।
નું રટણ નિત્ય કરતાં હતાં. પરિણામે કૃપા સાગર શ્રીહરિનાં આશ્રિતા એવાં શ્રીયમુનાજીએ તેમનું શુભ વિચાર્યું હતું.
મનનું શુભ વિચારવું એટલે શું? એ સમજતા પહેલાં શુભ એટલે શું તે જાણવું પડશે. સુખ મળવાથી મનને આનંદ થાય. ઇન્દ્રિયોનું શુભ મળતાં વિષયાનંદની પ્રાપ્તિ થાય. જ્ઞાની પુરૂષોને પ્રભુના ગુણોનું જ્ઞાન થવાથી બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય. અને ભક્તોને પ્રભુના સ્વરૂપનો અનુભવ થવાથી સ્વરૂપાનંદ (ભજનાનંદ) થાય. આમાં સ્વરૂપાનંદ એ જ સાચું સુખ છે. તેથી અહીં કહેવામાં આવ્યું છે કે હે યમુનાજી તમે મારા મનનું સુખ વિચારો અર્થાત મને પ્રભુ શ્રીકૃષ્ણ અને આપ શ્રીયમુનાજી એ બન્નેના સ્વરૂપાનંદનો અનુભવ કરાવો. તેમાં જ મારું સાચું સુખ છે. બીજા કશામાં નહીં.
સ્વરૂપાનંદની પ્રાપ્તિ જીવને ત્યારે જ થાય જ્યારે જીવ ઉપર કૃપા કરીને ભગવાન પોતે તે જીવને નિજ સ્વરૂપનો અનુભવ કરાવે. બીજા કોઈ પણ સાધનથી સ્વરૂપાનંદની પ્રાપ્તિ થતી નથી. ભગવદ્ કૃપા એ જ માત્ર સ્વરૂપાનંદને પ્રાપ્ત કરાવી આપી શકે છે. તેથી આ શ્લોકના અંતે શ્રીમહાપ્રભુજીએ કહ્યું. "હે ષડગુણ સંપન્ન શ્રીયમુને! ભગવાનના સ્વરૂપનો અનુભવ થાય એવું સુખ (આનંદ) મને કરાવી આપવાનું આપ વિચારો. આપ એ પ્રમાણે કરાવી આપવા સમર્થ છો કારણકે આપ ભગવાન સાથે સમાન ધર્મી છો.
આ શ્લોકમાં શ્રીયમુનાજી પોતે ભગવત્-સમાન-ધર્મી હોવાને કારણે આપશ્રીના ભગવત્ સંબંધ સંપાદકત્વ નામે ચતુર્થ ઐશ્વર્યનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ રીતે શ્રીમદાચાર્યચરણે પહેલાં ચાર શ્લોકમાં શ્રીયમુનાજીના ઉત્કર્ષનું વર્ણન કરીને તેમની સ્તુતિ કહી. પરંતુ તેમાં ઉત્કર્ષનું યથોચિત વર્ણન કોઈ કરી ન શકે. તે સમજાવવા માટે આપશ્રી આજ્ઞા કહે છે કે ગંગાજી જેવા ભગવદીયોમાં પણ જે ઉત્કર્ષનું સ્થાપન કરી શકે છે એવાં શ્રીયમુનાજીના સંગમથી ગંગાજીના થતા ઉત્કર્ષનું વર્ણન કરીને તે દ્વારા યમુનાજીની સ્તુતિ કરે છે.
No comments:
Post a Comment