By Vaishnav, For Vaishnav

Friday, 28 August 2020

શ્રી વલ્લભાચાર્યજી / શ્રી મહાપ્રભુજી" ના જીવન વિશે થોડું જાણીશું...

અહીં આપણે સૌ આપના અતિ પ્રિય એવાં "શ્રી વલ્લભાચાર્યજી / શ્રી મહાપ્રભુજી" ના જીવન વિશે થોડું જાણીશું...

●●● જન્મ : ●●●

વિક્રમ સવંત ૧૫૩૫ ના ચૈત્ર વદ અગિયારસ ના દિવસે ચંપારણ માં જન્મ થયો હતો. આંધ્રના તેલુગુ બ્રાહ્મણ શ્રી લક્ષમણ ભટ્ટજી ના પત્ની ઈલ્લમાગારુજી ગર્ભવતી થયાં.

શ્રી વલ્લભનાં જન્મ વિશે અનેક કથાઓ છે. જેમાની એક કથા આ પ્રમાણે છે.

ઈલ્લમાગારુજીને આઠ મહિનાનો ગર્ભ હતો. લક્ષ્મણ ભટ્ટજી અને તેમના પત્ની ઈલ્લમાગારુજી વર્તમાન મધ્ય પ્રદેશના રાયપુર જીલ્લાના ચંપારણના એક વનમાંથી જઈ રહ્યાં હતાં. પ્રસવપીડા ઉપડતા રાત્રીના સમયે ઈલ્લમાગારુજીએ એક બાળકને જન્મ આપ્યો. પણ જન્મ પછી બાળકમાં કોઈ હલનચલન ન જણાતા, બાળક અચેત જણાતા પતિ પત્નીએ તેને મૃત સમજયું. આ ઘટના ને પ્રભુની ઈચ્છા સમજી, પરિસ્થિતિનો શાંતિ પૂર્વક સ્વીકાર કરી તેઓએ બાળકને શમીવૃક્ષ નીચે એક ખાડામાં રાખી તેના ઉપર ઝાડ ના પાંદડાઓ થી ઢાંકી દઈ પરિસ્થિતિ ને આધીન થઈ અને આગળની યાત્રા માટે રવાના થઈ ગયા.
આગળ જઈ જ્યારે તેઓ વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે ઈલ્લામાંગારૂંજી ને સ્વપન માં શ્રીનાથજી એ સ્વયં દર્શન દીધા અને કહ્યું, "જે બાળક ને તમે મૃત જાણ્યો છે એ સ્વયં હું જ છું." સ્વપ્ન  પછી બંને પતિ પત્ની તે સ્થાન પર પહોંચ્યા જ્યાં તેમણે એ બાળક ને મૃત સમજી ને રાખી દીધું હતું, તેમણે જોયું કે શમી વૃક્ષ નીચે બાળક સુરક્ષિત અવસ્થામાં છે. એ બાળકની ચારે બાજુ અગ્નિનો ઘેરાવો થઈ ગયો હતો, તેમણે અગ્નિના ઘેરાવામાંથી બાળકને કાઢ્યું અને છાતી સરસું ચાંપ્યું. તે બાળકનું નામ તેમણે વલ્લભ રાખ્યું , કારણકે તે વૈષ્ણવાનર અવતાર એટલે કે અગ્નિનો અવતાર હતા. મોટા થઈ ને આ બાળક શ્રી વલ્લભાચાર્યજીના નામે પ્રખ્યાત થયા અને ચંપારણને પુષ્ટિમાર્ગ ની સાધનાનું સ્થળ માનવામાં આવ્યું. 

શ્રી વલ્લભાચાયૅજીના ત્રણ ભાઈઓ હતાં. શ્રી કૃષ્ણ ભટ્ટ, શ્રી રામચંદ્ર ભટ્ટ અને શ્રી વિશ્ર્વનાથ ભટ્ટ તેમની બે બહેનો હતી સરસ્વતીજી અને સુભદ્રાજી. 

●●● અભ્યાસ : ●●●

વિક્રમ સંવત ૧૫૪૦ માં શ્રી વલ્લભ ને ૫ વર્ષ થયાં હતા, રામનવમીના દિવસે તેમનો કાશીમાં યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યો. ૫ વર્ષ ની નાની ઉંમરમાં તેમણે ૪ વેદ, ઉપનિષદો અને ૬ દશૅનનો અભ્યાસ કર્યો. ૧૦ વર્ષની ઉંમરમાં તેમણે સંપૂર્ણ જ્ઞાન મેળવી લીધું. 

શ્રી વલ્લભાચાર્યજી એ અષ્ટાક્ષર ગોપાલ મંત્ર ની દીક્ષા શ્રી વિલ્વમંગલાચાર્યજી પાસેથી પ્રાપ્ત કરી અને ત્રિદંડ સંન્યાસ દીક્ષા સ્વામીનારાયણ તીર્થ પાસેથી મેળવી. શ્રી વલ્લભાચાર્યજી બાળપણ થી જ કુશાગ્ર બુદ્ધિના હતા. તેમને વૈષ્ણવ સંપ્રદાય ઉપરાંત જૈન, શૈવ, બૌદ્ધ, શાંકર આદિ ધર્મ સંપ્રદાય ના પણ વિદ્વાન હતા.

●●● સ્વરૂપ વર્ણન : ●●●

શ્રી વલ્લભ નો દેહ મધ્યમ કદ નો, ઘેરા ઘઉં વર્ણ નો, ઘાટીલો અને મજબૂત બાંધાનો હતો. લલાટ વિશાળ હતું, નેત્રો કમળ જેવા હતા, મુખારવિંદ દિવ્ય તેજસ્વી હતું. તેમની વાણી કોમળ અને મધુર હતી. તેઓ કાયમ ધોતી - ઉપરણો, જનોઈ અને તુલસી ની કંઠી ધારણ કરતા તે સિવાય કંઈ પણ ધારણ કરતા નહીં. તેઓ અડેલ અને ચરણાટ જેવા એકાંત, શાંત સ્થળો માં નાની ઝૂંપડીઓમાં રહેતા. તેમનું જીવન સ્વાવલંબી, સત્યપરાયણ, સરળ, સાદું, પરોપકારી અને પ્રભુપરાયણ હતું.

●●● કાર્યો : ●●●

શ્રી વલ્લભાચાર્યજી ભારત ના મહાન વૈષ્ણવચાર્ય હતા તેમણે ભક્તિ માર્ગ માં શુરૂદિષ્ટિ ભક્તિ ની સ્થાપના કરી અને જગત ને બ્રહ્મવાદ નું જ્ઞાન કરાવ્યું. સેવા, સ્નેહ અને સમર્પણ નો સંદેશ આપી ભક્તિ માર્ગ પુષ્ટ બનાવ્યો. સેવા માર્ગ પ્રગટ કરી જીવો ને પ્રભુ સન્મુખ કર્યા. શ્રી વલ્લભે તેમના જીવનકાળ દરમિયાન ૫ સોમયજ્ઞ કર્યા હતા. તેમણે ૩ વાર ભારત યાત્રા કરી હતી અને આ સંપુર્ણ ભારતયાત્રા ઠંડી, ગરમી કે વરસાદ ની ચિંતા કર્યા વગર પૂર્ણ કરી હતી. 

તેમણે અનેક ભાષ્યો, ગ્રંથો, નામાવલીઓ, અને સ્તોત્રોની પણ રચનાઓ કરી છે.
તેઓ દ્વારા રચાયેલા નિમ્નલિખિત પ્રમુખ ૧૬ ગ્રંથો છે જેમને ષોડશગ્રંથ પણ કહેવામાં આવે છે.
યમુનાષ્ટકમ, બાલબોધ, સિદ્ધાંતમુક્તવલી, પુષ્ટિપ્રવાહ, મર્યાદાભેદ, સિદ્ધાંતરહસ્ય, નવરત્ન સ્ત્રોત, અંતઃકરણ પ્રબોધ, વિવેક ધૈર્યાશ્રય, શ્રીકૃષ્ણાશ્રય, ચતુ: શ્લોકી, ભક્તિ વર્ધનમ, જલ ભેદ, પંચઅધ્યાયી, સંન્યાસ નિર્ણય, નિરોધ લક્ષણ અને સેવાફળ.

●●● બ્રહ્મસંબંધ : ●●●

શ્રી વલ્લભાચાર્યજી ને ચિંતા થઈ કે ભક્તો ને કેવી રીતે પુષ્ટિ માર્ગ તરફ વાળવા ત્યારે શ્રીજીબાવા એ સ્વપ્નમાં  આવી તેમને આજ્ઞા કરી, "ચિંતા ન કર વલ્લભ, જે જીવ ને તમે બ્રહ્મસંબંધ અપાવશો તેને હું મારી શરણ માં જરૂર લઈશ અને મારી શરણ માં આવેલ એ વ્યક્તિ કોઈ પણ જાતી નો હોય એકવાર મારી શરણ માં આવશે તેને હું કદી નહીં છોડું અને મારી શરણો માં જ રાખી લઈશ." શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને શ્રી જમુનાજી આ ત્રણે સ્વરૂપ એક જ છે. તેઓ દામોદર દાસ ને દમણાં કહીં ને બોલાવતા અને તેઓએ બધા જીવો ને શરણે લીધા અને શ્રીજીબાવા ને સોંપ્યા. પુષ્ટિમાર્ગમાં બ્રહ્મસંબંધ લઈ ને કંઠી-તિલક વગર ન ફરાય, કંઠી અને તિલક આપણું રક્ષણ કરે છે. અને ભોજન બન્યા પછી સૌ પ્રથમ ભગવાન ને ભોગ લગાવી તેમને સમર્પિત કરી પછી જ તેને પ્રસાદ તરીકે બધા એ ગ્રહણ કરવું જોઈએ એવા વચનો કહ્યા.

●●● લગ્ન - પરિવાર : ●●●

૨૩ વર્ષ ની વલ્લભ ની ઉંમર હતી જ્યારે તેમના લગ્ન અત્રિમ્મા અને દેવન ભટ્ટ ની સુપુત્રી મહાલક્ષ્મી સાથે થયા. વિક્રમ સંવત ૧૫૫૮ ના અષાઢ સુદ પાંચમ ના કાશીમાં ખૂબ ધામધૂમ થી કરવામાં આવ્યા.
વિક્રમ સંવત ૧૫૬૭ ના ભાદરવા વદ ૧૨ ના શુભ દિને અડેલ ખાતે શ્રી વલ્લભ ને ત્યાં પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજી નું પ્રાગટ્ય થયું.
ત્યારબાદ ૫ વર્ષ પછી વિક્રમ સંવત ૧૫૭૨ માં માગશર વદ ૯ ના શુભદીને ચરણાંટ ખાતે બીજા પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી નું પ્રાગટ્ય થયું.
આમ શ્રી વલ્લભાચાર્યજી ને ત્યાં બે પુત્રો થયાં.

●●● પ્રાગટ્ય - પ્રથમ મિલન : ●●●

જે દિવસે ચંપારણ માં શ્રી મહાપ્રભુજી નું પ્રાગટ્ય થયું હતું તે જ દિવસે ગિરિરાજ ઉપર શ્રીનાથજી નું પ્રાગટ્ય થયું હતું.
શ્રીનાથજી ગિરિરાજ ઉપર થી બે ડગલાં નીચે પધાર્યા અને શ્રીવલ્લભ બે ડગલાં ઉપર ચડ્યા ત્યાં શ્રીવલ્લભ એ ગાયું "મધુરાષ્ટકમ" જેના બોલ છે "અધુરમ... મધુરમ..." અને બંને એકબીજાને ભેટી પડ્યા અને તે દિવસે પવિત્રા એકાદશી હતી અને સુતર નું પવિત્ર શ્રીવલ્લભે શ્રીનાથજી ને ધરાવી અને મિસરી નો ભોગ પણ ધરાવ્યો.

●●● સેવક-બેઠક : ●●●

શ્રી વલ્લભાચાર્યજી ના કેટલાક સેવકો હતાં. તેમાંના એક હતાં નારાયણદાસ બ્રહ્મચારી. તેઓ વ્રજમાં આવેલ મહાવનમાં રહેતા હતા. બીજા હતા પદ્મા રાવલ. તેઓ ઉજ્જૈનમાં રહેતા હતા. શ્રી વલ્લભને ત્યાં સુંદર ગાય હતી તેનું નામ થયોદા હતું, તે શ્રીવલ્લભ ને અત્યંત પ્રિય હતી.

શ્રીમદ વલ્લભાચાર્યજી ની બેઠકો ભારતમાં સ્થિર છે. આજે પણ ત્યાં શ્રીવલ્લભ સાક્ષાત બિરાજે છે. જ્યાં જ્યાં શ્રીવલ્લભાચાર્યજી ની બેઠકો છે ત્યાં તેમણે ભાગવત પારાયણ કર્યું છે અને અનેક જીવોનો ઉધ્ધાર કર્યો છે. અને દરેક બેઠકજીનું સ્થાન પણ ખૂબ રળિયામણું છે.

●●● ગૌલોકગમન : ●●●

શ્રીવલ્લભ શ્રીભાગવત ઉપર શ્રીસુબોધિની નામની ટીકા લખતાં હતાં. પહેલાં ત્રણ સ્કંધ લખાયા હતા ત્યારે ભગવાનની આજ્ઞા થઈ કે, "તમે લેખન છોડી ગૌલોકમાં પધારો." શ્રીવલ્લભે દસમાં સ્કંધ પર ટીકા લખવાની ચાલુ કરી કે ફરી ભગવાને આજ્ઞા કરી કે,"તમે જલ્દી ગૌલોકમાં પધારો." અગિયારમાં સ્કંધની ચોથા અધ્યાય પર ટીકા લખાઈ કે ત્રીજી વખત ગૌલોકમાં પધારવાની આજ્ઞા થઈ. પહેલી આજ્ઞા ગંગાસાગર સંગમ પાસે થઈ, બીજી આજ્ઞા મધુવનમાં થઈ ને ત્રીજી આજ્ઞા અડેલમાં થઈ.

શ્રીવલ્લભે ગૌલોકમાં પધારવાની તૈયારી કરી. તેમણે સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો. તેમણે ભક્તિમાર્ગ માં સંન્યાસ સમજાવવા 'સંન્યાસ નિર્ણય' નામનો ગ્રંથ લખ્યો. વિક્રમ સંવત ૧૫૮૭ ના જેઠ વદ બીજ ના દિવસે કાશીમાં હનુમાન ઘાટ ઉપર ભક્તિ માર્ગની દીક્ષા લીધી. પૂર્ણાનંદ નામ ધારણ કર્યું. અન્ન, જળ, વાણીનો ત્યાગ કર્યો. પંદર દિવસ સુધી ભગવદ્ ધ્યાનમાં રહ્યા.

તેમના બંને પુત્રો તથા ઘણા સેવકો કાશી આવ્યા. સૌ એ શ્રીવલ્લભને છેલ્લો ઉપદેશ આપવા વિનંતી કરી. મૌન વ્રત હોવાથી શ્રીવલ્લભે કિનારાની રેતીમાં જમણા હાથની આંગળીથી સાડા ત્રણ શ્ર્લોક લખ્યાં તેને શિક્ષાશ્લોકી કહેવામાં આવે છે.

●●● જળ સમાધિ : ●●●

તે દિવસ વિક્રમ સંવત ૧૫૮૭ ના અષાઢ સુદ બીજ ના રવિવાર હતો. બરાબર મધ્યાહન સમયે શ્રીવલ્લભ ગંગાજીની મધ્ય ધારામાં પ્રવેશ્યા. પ્રભુનું ચિંતન કરતાં જેવા જળમાં નીચા નમ્યા કે તરત જ ગંગાજીમાંથી દિવ્ય તેજનો એક મોટો સ્તંભ પ્રગટ થયો. તે આકાશ સુધી છવાઈ ગયો. તે દ્વારા શ્રીવલ્લભ સદેહે ગૌલોકમાં પધાર્યા. આકાશમાં દુંદુભિઓ નો અવાજ થયો અને પુષ્પવૃષ્ટિ થઈ. સૌ કાશીવાસીઓએ આ દિવ્ય તેજપુંજ લગભગ ત્રણ કલાક સુધી જોયો. સૌ આશ્ર્ચર્ય પામી શોકમગ્ન બન્યાં. આમ અલૌકિક અગ્નિમાંથી પ્રગટ થયેલા શ્રીવલ્લભ અલૌકિક અગ્નિ સ્તંભથી ગૌલોક પધાર્યા. તેઓ પૃથ્વી પર બાવન વર્ષ, બે માસ અને સાત દિવસ સુધી બિરાજયા.

શ્રીવલ્લભનાં એક સેવક અચ્યુતદાસ બિહારમાં પટણા પાસે આવેલા હાજીપુર ગામમાં રહેતા હતા. તેમને ત્યાં શ્રીવલ્લભનાં પાદુકાજી સેવામાં બિરાજતાં હતાં. જ્યારે શ્રીવલ્લભે કાશીમાં પૃથ્વીનો ત્યાગ કર્યો ત્યારે તે ઘટનાથી શોકમય થયેલા એક વૈશ્ર્ણવ કાશી છોડી શ્રી અચ્યુતદાસજી પાસે આવ્યા અને સમગ્ર ઘટના ના સમાચાર કહ્યાં. બપોરનો સમય હતો. શ્રી અચ્યુતદાસજીએ કહ્યું, "શ્રીવલ્લભ તો સૌ વૈષ્ણવવોનાં ઘરે ઘરે બિરાજે છે. હમણાં સાંજે હું તમને દર્શન કરાવીશ. ઉત્થાપનના સમયે શ્રી અચ્યુતદાસજી એ મંદિર ખોલ્યું ત્યારે ત્યાં સાક્ષાત શ્રીવલ્લભ ગાદી તકિયા પર બિરાજમાન થઇને શ્રી ભાગવત વાંચતા હતા. પેલા વૈષ્ણવને ઘણું આશ્ર્ચર્ય થયું. શ્રીવલ્લભે કહ્યું, "હું હંમેશા વૈષ્ણવોને ત્યાં જ બિરાજું છું માટે તમે શોક ન કરશો."
પુષ્ટિ પ્રવર્તક -શ્રીમદ ભાગવત રત્ન - વૈષ્ણવોના પ્રાણ પ્યારા - ચંપારણ ધામ અધિષ્ઠાતા - અખંડ ભૂમંડલાચાર્ય આચાર્ય ચરણ મહાપ્રભુ શ્રીવલ્લભના પાટોત્સવની સર્વે વૈષ્ણવજનોને વધાઈ વધાઈ વધાઈ હો.

●●●●●●●●● "શ્રી વલ્લભાધીશ ની જય" ●●●●●●●●●

No comments:

Post a Comment

व्रज – माघ शुक्ल तृतीया

व्रज – माघ शुक्ल तृतीया  Saturday, 01 February 2025 इस वर्ष माघ शुक्ल पंचमी के क्षय के कारण कल माघ शुक्ल चतुर्थी के दिन बसंत पंचमी का पर्व ह...