By Vaishnav, For Vaishnav

Wednesday, 23 September 2020

પુષ્ટિભક્તિ એટલે કૃષ્ણ ને વ્હાલ કરવું

'પુષ્ટિભક્તિ' એટલે 'કૃષ્ણ ને વ્હાલ કરવું'.
   કૃષ્ણ ને પામવા નો એક જ ઉપાય - 'કૃષ્ણ ને વ્હાલ કરો'.
   'ભક્તિ' નો સારો અર્થ જ છે 'પ્રેમ' અર્થાત્ 'વ્હાલ'.
   'પુષ્ટિમાર્ગ' એટલે કૃષ્ણ ને વ્હાલ કરવાનો માર્ગ.
   કૃષ્ણ જ એક એવો દેવ છે જેના પર સહજ વ્હાલ આવે !
   તેના પ્રત્યેક ચરિત્ર પર 'વ્હાલ' જ આવે, ન ગુસ્સો કે અન્યથા ભાવ !
   આપણે માત્ર મુગ્ધ જ થઈ જઈએ.
   કેમકે એનું સર્વ કાંઈ મધુર જ લાગે.
   માટે જ શ્રીવલ્લભાચાર્યજી કહે છે - "મધુરાધિપતેરખિલં મધુરં".
   તેઓ કૃષ્ણ માટે વિશેષણ મુકે છે - 'અદ્ભત કર્મ કરવાવાળા'.
   ભક્ત કવિ કહે છે - ગ્વાલન 'છછીયા ભર છાછ ને પાંચ નચાવે'.
   છે કોઈ અન્ય દેવ - આટલા સરલ ! આટલા નિખાલસ !
   આમ તો છે ત્રિભુવન નો નાથ, પરંતુ સ્નેહપૂર્વક આપણા ઘરમાં પધરાવો તો ગોખલામાં બિરાજી આપણે આધિન થઈને રહે. સેંકડો પ્રમાણ મલશે.
   તેથીજ શ્રીમહાપ્રભુજીએ નામ આપ્યું છે - "ભક્ત વશ્યો".
   કૃષ્ણ માખણ ચોરે - ગોપીને ગુસ્સો નથી આવતો, એ તો ઈચ્છે છે - કૃષ્ણ રોજ માખણ ચોરવા આવે !
   કૃષ્ણ રમતમાં અંચાઈ કરે, ગોપો એની સાથે રમવાનું ત્યજી દેતાં નથી.
   બ્રહ્માજીએ પરિક્ષા કરવા ગોપ-બાલકો, વાછરડા ચોરી લીધા, કૃષ્ણે એમના રૂપ ધારણ કરી લીધાં. બ્રહ્માજીને ક્ષમાયાચના કરવી પડી.
      કૃષ્ણ માટી ખાવા છતાં ખોટું બોલે, યશોદાજી મુખ-દર્શન કરી સ્તબ્ધ થઈ જાય.
   શ્રીમહાપ્રભુજી કૃષ્ણ માટે કહે - "નિજેચ્છાત કરિષ્યતિ", એજ વિષ્ણૂ સ્વરૂપે દુર્વાસાને લાચાર બની કહે - "અહં ભક્ત પરાધિનો".
   ભીષ્મની પ્રતિજ્ઞા સાચી પાડવા, રથનું પૈડું ઉપાડી લીધું.
   દુર્યોધન ના છપ્પનભોગ છોડીને વિદુરજીની ભાજી આરોગી - વ્હાલને કારણે જ સ્તો !
   જેને જાતે મારે તેને ય મુક્તિ આપે, મુક્ત ન કરવો હોય તો 'કાલયવન' પેઠે મુચકુંદ ની દૃષ્ટિથી ભસ્મ કરી દે.
   વચન પાળવા શિશુપાલ ની સો ગાળો સહન કરે, અને છતાં એ મસ્તક ઉડાવીને મોક્ષ પણ આપે. કંસ મામા હોવા છતા એના દુષ્કૃત્યો માટેં યમરાજ ને એની ભેટ આપતાં ન અચકાય.
   ધોબીની અવળ વાણી ના કારણે એને મોતને ઘાટ ઉતારે પણ માલા પહેરાવનાર માળીને માગ્યા કરતાં વધુ દે.
   કંસના રંગમંડપ માં ત્યાં હાજર જુદી જુદી વ્યક્તિઓ ને એમના હ્રદયના ભાવો અનુસાર વિભિન્ન અનુભૂતિ કરાવી અલગ અલગ રસ પ્રકટ કરે.
   રૂક્મિણીનુ હરણ કરી પત્ની બનાવે, છતાં મશ્કરીમાં કહી દે "અમે તો ઉદાસીન છીએ, અમને પત્ની પુત્રાદિની ચાહ નથી. તેમછતાં તે મૂર્છા પામતાં તેને ઉઠાવી ને મુખ પોંછે, આલિંગન દે.
   પોતાને માથે કલંક મિટાવવા સ્યમંતક મણિ મેળવવા જાંબુવાનની ગુફામાં  જઈ ને યૂદ્ધ કરી મણિ તેમજ જાંબુવતિને પત્ની રૂપે મેળવે.
   ત્રેતા માં તપ કરતાં ઋષિઓએ મોહિત થવાથી રમણની ઈચ્છા કરી, જે કૃષ્ણે દ્વાપરમાં એમને વ્રજમાં ઋષિરૂપા ગોપીજનો રૂપે જન્માવી રાસ દ્વારા પૂર્ણ કરી.
     વેણુનાદ દ્વારા અધરસુધા નું પાન કરાવી ગોપીજનો ને નટવર વત્ - 'નટવત્' તેમજ 'વરવત્' સંયોગ અને વિપ્રયોગ નો અનુભવ કરાવે.
   'રાસ' દ્વારા સ્વરૂપાનંદ નો અનુભવ કરાવી અંતમાં "ન પારયે" કહી બ્રહ્માજીના આયુષ્યથી પણ ગોપીજનોના ઉપકારનો બદલો ચુકવવાની પોતાની અસમર્થતા કેવલ 'કૃષ્ણ' જ  નિખાલસતાથી પ્રકટ કરી શકે !
   કૃષ્ણ ના કેટકેટલા ચરિત્રો ! શેષનાગના સહસ્ત્ર મુખ થી વર્ણવી ન શકાય એટલાં !
   આવા દિવ્ય વ્યક્તિત્વ ધરાવતા તત્ત્વને જ કહી શકાય_
   "કૃષ્ણં વંદે જગદગુરું".
   આવા કૃષ્ણ પ્રત્યે કોને વ્હાલ ન આવે !
   અને જેને એમના પ્રત્યે વ્હાલ આવે, જેઓ સદાનંદ કૃષ્ણ ને ગોપીજનો ની માફક એમનાં આનંદનો અનુભવ કરાવી શકે, તેમને માટે કૃષ્ણ ઋણી બની અવશ્ય કહે - "ન પારયે".  તમને છોડી ક્યાંય ન જાય !
   એમને શું 'કૃષ્ણકૃપા' નો અનુભવ થયા વિના રહે !
   માટે જ મહાપ્રભુ શ્રીવલ્લભાચાર્યજીએ ભક્તિની વ્યાખ્યા કરતાં ભગવાન માં 'સુદૃઢ સર્વતોધિક સ્નેહ' ને મહત્વપૂર્ણ બતાવ્યું છે.
   કૃષ્ણ ની 'પુષ્ટિ' - કૃપા નો અનુભવ કરવા માટે કૃષ્ણ પ્રત્યે નિશ્ચલ પ્રેમ - નાના બાળક પ્રત્યે આવે એવું સહજ વ્હાલ અનિવાર્ય ગણાય !
   તદર્થ જ - 'પુષ્ટિભક્તિમાર્ગ' એટલે કૃષ્ણ ને પ્રેમ કરવાનો, સ્નેહથી ભિંજવવાનો, એના પર વ્હાલ વરસાવવા નો માર્ગ.
   ભક્તના નિઃસ્વાર્થ વ્હાલ માં વહી જનાર કૃષ્ણ કૃપા ક્રર્યા વિના રહે ખરાં !.
   શર્ત માત્ર એકજ - નક્કી કરો - "કૃષ્ણ એજ જીવન નું તાત્પર્ય".
🙏 જય શ્રીકૃષ્ણ🙏

No comments:

Post a Comment

व्रज – माघ शुक्ल तृतीया

व्रज – माघ शुक्ल तृतीया  Saturday, 01 February 2025 इस वर्ष माघ शुक्ल पंचमी के क्षय के कारण कल माघ शुक्ल चतुर्थी के दिन बसंत पंचमी का पर्व ह...