એક સમયે શ્રીગોવર્ધનનાથજી અને ગોવિંદસ્વામી ખેલતાં ખેલતાં શ્યામઢાક પર પધાર્યા. શ્રીજી એક વૃક્ષ પર બિરાજમાન થઈને વેણુનાથ કરતા હતા અને ગોવિંદસ્વામી વૃક્ષ નીચે બિરાજ્યા.
એ વખતે ઉત્થાપનનો સમય થયો અને શ્રીવિઠ્ઠલનાથજી પ્રભુચરણ અપરસ સ્નાન આદિ કરી ગિરિરાજજી પર શ્રીજીના ઉત્થાપન કરવા પધારતા હતા.. શંખદાન થયો.. શ્રીજી અચાનક ચોંકી ગયા અને ઉતાવળે વૃક્ષથી નીચે ઉતર્યા. વસ્ત્ર - વાઘા વૃક્ષમાં ફસાંઈને ચિરાઈ ગયા. આપશ્રી નિજ મંદિક તરફ દોડ્યાં અને શ્રીપ્રભુચરણ ઉત્થાપનના દર્શન ખોલે એ પહેલા શ્રીજી નિજ મંદિરમાં બિરાજી ગયા.
શ્રીપ્રભુચરણે ટેરો હટાવ્યો અને શ્રીજી બાવાને અસ્તવ્યસ્ત વાઘામાં જોયા.. સૌને પૂછવા લાગ્યા કે "પ્રભુને શું થયું..? કોઈને ખ્યાલ છે..?"
એવામાં ગોવિંદસ્વામી ભગવાનના વાઘાનો એક ટુકડો વૃક્ષ પર ફસાંઈ ગયો હતો એ લઈને શ્રીગુંસાઈજી પાસે આવ્યા.
શ્રીગુંસાઈજીએ પૂછયું "પ્રભુના વસ્ત્રો કેમ ચિરાઈ ગયા..?"
ગોવિંદસ્વામી કહે "જયરાજ.. આપના પુત્રના લક્ષણ તો આપને ખ્યાલ જ છે.. ખૂબ જ ચંચળ છે.. વૃક્ષ પરથી કુદકો માર્યો અને પટકો વૃક્ષમાં ફસાંઈ ગયો હતો"
શ્રીપ્રભુચરણે નિજ મંદિરમાં પધારી શ્રીજીને વ્હાલ કર્યા અને પૂછ્યું "બાવા.. ઉતાવળ શા માટે કરી..?"
શ્રીજી કહે "કાકાજી.. આપ દર્શન ખોલવા માટે મંદિરે પધારતા હતા અને અચાનક ઉત્થાપનનો શંખદાન થયો.. એવામાં હું ચોંક્યો અને તરત જ ઉતાવળે નિજ મંદિર તરફ દોડ્યો"
(પ્રાચીન વ્રજભાષામાં કાકાજી એટલે પિતાજી. શ્રીપ્રભુચરણના બાળકો આપને કાકાજી કહેતા અટલે શ્રીજી પણ આપને કાકાજી કહીને જ બોલાવતા)
ત્યારે શ્રીપ્રભુચરણે મુખીયાજી અને ભિતરીયાજીઓને આજ્ઞા કરી કે "આજ પછી રોજ ત્રણ વાર શંખનાદ અને ત્રણ વાર ટકોરા (ધંટાનાદ) કરવા અને થોડા સમય પછી જ મંદિરના કમાળ ખોલવા જેથી પ્રભુ કોઈ જગ્યાએ પધાર્યા હોય તો ફરી નિજ મંદિરમાં બિરાજમાન થયા માટે ઉતાવળ ન કરવી પડે"
ત્યારથી લઈને આજ સુધી પુષ્ટિમાર્ગીમાં આ જ ક્રમ છે કે દર્શન પહેલાં ત્રણ વાર શંખનાદ અને ત્રણ વાર ટકોરા થાય છે અને થોડા સમય પછી જ ટેરો હટાવવામાં આવે છે. આમ પણ આપણા સેવ્ય કોણ છે..? તો કહે यशोदोत्संग लालित्य (યશોદાજીની ગોદીમા ખેલતાં લાલન) એટલે કે બાલકૃષ્ણ (શ્રીજીબાવા). માટે નાના બાળકને જેમ જગાવતા હોવ એમ નિરાંતે અને ખૂબજ શાંતિથી જ શ્રીઠાકોરજીને જગાવવા અને પોઢાવો ત્યાંરે પણ ઉતાવળ બિલકુલ ન કરવી..
જય શ્રીકૃષ્ણ
No comments:
Post a Comment