By Vaishnav, For Vaishnav

Sunday, 25 October 2020

શ્રીગુસાંઈજી ના પ્રેરક પ્રસંગો

શ્રીગુસાંઈજી ના પ્રેરક પ્રસંગો

પ્રસંગ 1
શ્રીનાથજીની સેવાનો અધિકાર શ્રીગોપીનાથજીના પુત્ર શ્રીપુરુષોત્તમજીનો છે અને શ્રીવિઠ્ઠલેશનો નથી, એમ માની કૃષ્ણદાસ અધિકારીએ શ્રીવિઠ્ઠલેશને શ્રીનાથજીની સેવામાં જતાં રોકાયા, ત્યારે તેમણે કોઇ વિરોધ ન કર્યો. ચંદ્રસરોવર ઉપર જઇ, અન્નનો ત્યાગ કરી, છ માસ સુધી શ્રીનાથજીના વિરહમાં બિરાજ્યા. તે દિવસો દરમ્યાન તેમણે સંસ્કૃતમાં શ્રીનાથજી બાવાને દર્શન આપવા વિનંતી કરતાં સુંદર વિજ્ઞપ્તિ સ્તોત્રો રચ્યાં હતાં. જ્યારે બીરબલને આ વાતની ખબર પડી, ત્યારે તેણે કૃષ્ણદાસને કેદ કરાવ્યા. તે જાણીને શ્રીવિઠ્ઠલેશે કહ્યું કે : “શ્રીમહાપ્રભુજીના સેવકને કેદ ન હોય. જ્યાં સુધી તે કેદમાંથી છૂટશે નહીં, ત્યાં સુધી હું જલપાન પણ નહિ કરું”. તેમણે અપકારનો બદલો ઉપકારથી વાળ્યો. કૃષ્ણદાસને ફરીથી શ્રીનાથજીના મંદિરનો અધિકાર સોંપ્યો. 

પ્રસંગ ૨
એક વખત શ્રીવિઠ્ઠલેશ ગોકુલથી ગિરિરાજ જતા હતા. રસ્તામાં એક મુસલમાન ભાઇને બેભાન પડેલી જોઇ, તેંમણે ઘોડો રોકયો. સાથે આવેલા સેવકને આજ્ઞા કરી કેઃ “જળ લાવીને તેને પાઓ.” જળ મળ્યું નહિ, ત્યારે પોતાના માટે સોનાનાં ઝારીમાં પ્રસાદી જમુનાજળ હતું, તે પાવા કહ્યું. સેવકે કહ્યું કેઃ “ઝારી અપવિત્ર થશે, પછી કામમાં આવશે નહી. ઝારી સોનાનાં હોવાથી કિંમતી છે.” ત્યારે તેમણે કહ્યુંઃ “ઝારી બીજી આવશે. સોનાની નહીં બને, તો માટીની ઝારીથી કામ ચાલશે. પરંતુ તરસથી ગયેલા પ્રાણ પાછા નહીં આવે.” તેઓ આવા દયાળુ હતા.

પ્રસંગ ૩ 
બંગાળના બાદશાહ દાઉદના દિવાન નારાયણદાસ તેમના સેવક હતા. તેમના ત્યાં વિઠ્ઠલદાસ નામના વૈષ્ણવ નોકરી કરતા. પરંતુ પોતે વૈષ્ણવ છે, એ વાત ગુપ્ત રાખતા. એક વખત તેમનો વાંક આવતાં નારાયણદાસ દીવાને તેમને જેલમાં પૂરી ચાબખા મરાવ્યા. તેમનો વાંસો ચીરાઇ ગયો. શ્રીવિઠ્ઠલેશે આ જાણ્યું . તેમણે નારાયણદાસને ઠપકો આપ્યો કેઃ “ વૈષ્ણવ થઇ, તમે આવા નિર્દય થયા ?” દિવાને કહ્યું કે :“ મને ખબર ન હતી કે તેઓ વૈષ્ણવ છે.” શ્રીવિઠ્ઠલેશે કહ્યું કેઃ “વૈષ્ણવ હોવાની ખબર ન હતી, પરંતુ તેઓ માણસ છે, એટલી તો ખબર હતી ને? પ્રાણીમાત્રમાં પ્રભુ રહેલા છે. માટે પ્રાણીમાત્ર ઉપર કાયમ દયા રાખવી, મનથી, વાણીથી અને ક્રિયાથી કોઇને દુઃખ ન આપવું.” 

પ્રસંગ ૪
એક વખત સૌરાષ્ટ્રમાં નાગમતી નદીના કિનારે તેમનો મુકામ હતો. ત્યાં માછીમાર માછલાં પકડતા હતાં. શ્રીવિઠ્ઠલેશે તેમને કહ્યું કેઃ “તમે જીવહિંસાનું મોટું પાપ કરો છો. માછીમારી છોડી, ખેતી કે મજૂરી કરો.” માછીમારોએ કહ્યું કે : “ અમને જમીન કોણ આપશે ?” શ્રીવિઠ્ઠલેશે કહ્યું : “અહીંના રાજાને કહીને તમને જમીન અપાવીશ.” માછીમારો તેમના સેવક થવા તૈયાર થયા. શ્રીવિઠ્ઠલેશે કહ્યું કે : “સેવક થવા માટે ચાર શરત છે —(૧)જીવહિંસા કરવી નહીં.(૨) પ્રમાણિકતાથી મહેનત કરીને જીવવાનું . (૩) ન ખાવા જેવી વસ્તુઓ ખાવાની નહિ.(૪)દારુ નહિ પીવાનો.” સૌએ બધી શરતો કબૂલ કરી. 
  
પ્રસંગ ૫
એક વખત રૂપમુરારીદાસ વ્રજમાં આવ્યા. તેઓ રજપૂત હતા. અકબર બાદશાહના રસોડાના ઉપરી હતા. રસોઇ માટે પ્રાણીઓનો શિકાર કરતા. એક દિવસ તેમણે શ્રીવિઠ્ઠલેશનાં દર્શન કર્યાં. તે વખતે તેમનાં કપડાં લોહીથી ખરડાયેલાં હતાં. હાથમાં તીરકામઠું હતું. તેમને પોતાના પાપી જીવનનો ઘણો પસ્તાવો થયો. તેમણે કહ્યું કે :“મહારાજ, હુ ં મહાઅપરાધી છું. પેટ ખાતર મેં સેંકડો જીવની હિંસા કરી છે. મારો ઉદ્ધાર કરો”. શ્રીવિઠ્ઠલેશે કહ્યું : “ સાચો પસ્તાવો કરનારના બધા અપરાધ પ્રભુ ક્ષમા કરે છે. સાચા દિલથી પ્રભુનું શરણ સ્વીકારો. આજ પછી કદાપિ જીવહિંસા કરશો નહીં.” શ્રીવિઠ્ઠલેશે તેમને સેવક કર્યા.

પ્રસંગ ૬
એક વખત શ્રીવિઠ્ઠલેશ ખંભાત પધાર્યા હતા. ત્યાં આગેવાન વૈષ્ણવ સહજપાલ દોશીએ પૂ્છયું : “મહારાજ, વેપારમાં જુઠું બોલવું, પાપ ગણાય ?” શ્રીવિઠ્ઠલેશે કહ્યું : “ હા, જૂઠથી મોટું પાપ બીજું કોઇ નથી. વૈષ્ણવે કદાપિ જૂઠું ન બોલવું. સાચું બોલીને જ વેપાર કરવો.”
એક વખત તેઓ દિલ્હી પધાર્યા હતા. ત્યાં રાતે તેમના મુકામ ઉપર એક ચોર ચોરી કરવા આવ્યો. તેણે કિંમતી વસ્તુઓનું મોટું પોટલું બાંધ્યું, પણ તેનાથી તે ઉંચકાયું નહિ. શ્રીવિઠ્ઠલેશ જાગતા હતા. તેમણે જાતે જ ચોરને પોટલું ઉંચકવામાં મદદ કરતાં કહ્યું કે : “ચોરી કરવી એ પાપ છે.” ચોરે કહ્યું કે : “ હું બીજો કોઇ ધંધો જાણતો નથી. કુટુંબ માટે મારે આ પાપ કરવું પડે છે.” શ્રીવિઠ્ઠલેશે કહ્યું કે : “ચોરી કરીને, જૂઠું બોલીશ નહિ.” ચોરે સાચું બોલવાની પ્રતિજ્ઞા લીધી. તે થોડા સમયમાં ઇમાનદારીથી રાજ્યનો દીવાન બન્યો.

પ્રસંગ ૭
ગુજરાતના વૈષ્ણવોનો સંઘ પગપાળા વ્રજમાં જતો હતો. સાથે એક ગરીબ ખેડૂત વૈષ્ણવ હતા. રસ્તામાં મજૂરી કરી, જીવતા હતા. શ્રીગુસાંઇજીને ભેટ ધરવા, તેની પાસે કંઇ જ ન હતું. તેમણે વાડ પાસે ઊગેલાં શંખાવલિનાં ફૂલોની માળા બનાવી. આ માળા ગોકુળ પહોંચે, ત્યાં સુધીમાં તો કરમાઇ જાય. તેથી તેમણે ઘણું દુઃખ થયું . શ્રીવિઠ્ઠલેશ અંતર્યામી હતા. તેઓ ઘોડેસ્વાર થઇ સામે પધાર્યા. તેમની માળા અંગીકાર કરી. તેમણે વૈષ્ણવોને ઉપદેશ આપ્યો કે : “ ભગવાન ધનના ભૂખ્યા નથી, ભાવના ભૂખ્યા છે. જે ભાવથી ભગવાનને નાનકડું ફૂલ પણ ભેટ કરે છે, તેની ભેટ ભગવાન અવશ્ય સ્વીકારે છે.” શ્રીવિઠ્ઠલેશને મન ગરીબ અને તવંગર, સૌ વૈષ્ણવ સમાન હતા. 
  
પ્રસંગ ૮ 
આવો એક બીજો સંઘ વ્રજમાં જતો હતો. તેમાં એક ગરીબ વૈષ્ણવ હતા. તેમની પાસે એક માત્ર દાતરડું હતું. તેનાથી ઘાસ કાપી, તે વેચીને પેટ ભરતા, તે ગોકુળ આવ્યા. શ્રીવિઠ્ઠલેશને ભેટ કરવા, તેની પાસે એક પૈસો પણ ન હતો. તેમણે દાતરડું વેચ્યું. તેના બે પૈસા ઊપજ્યા. તેમણે પ્રેમથી તે શ્રીવિઠ્ઠલેશને ભેટ ધર્યા. શ્રીવિઠ્ઠલેશે પ્રસન્ન થઇને કહ્યું કે : “જેમના દિલમાં પૈસાનું અભિમાન છે, તેઓ પ્રભુને અને પુષ્ટિમાર્ગને સમજી શકશે નહી. જેનામાં દીનતા છે, તે સાચો વૈષ્ણવ છે. આ વૈષ્ણવે કાયમ પરસેવો પાડીને પ્રસાદ લીધો છે. તેણે દાતરડું વેચ્યું, ત્યારે તેના ભવિષ્યનો વિચાર ન કર્યો . તેને ધન્ય છે. તેનું સમર્પણ સાચું, સર્વસમર્પણ છે.” 
  
પ્રસંગ ૯
એક દિવસ સુરતના એક દીવાન શ્રીનાથજીનાં દર્શન કરવા ગિરિરાજ આવ્યા. તેમણે ચાંપાભાઇ ભંડારીને કહ્યું કે : “મને રાજભોગનાં દર્શન થયાં નથી. અમારા રાજાનો મુકામ ગોવર્ધનથી સાંજે ચાર વાગે ઊઠવાનો છે, તે પહેલાં મને જો ઉત્થાપનનાં દર્શન કરાવો, તો હું દસ હજાર રૂપિયા ભેટ ધરું.” ચાંપાભાઇએ શ્રીવિઠ્ઠલેશને વાત કરી. તેમણે કહ્યું કે : “ પુષ્ટિમાર્ગમાં રૂપિયાથી દર્શન કે સેવા ખરીદી શકાતાં નથી. આ માર્ગ પ્રભુ પ્રત્યેના સ્નેહનો અને પ્રભુના સુખનો માર્ગ છે. પુષ્ટિમાર્ગમાં પૈસાનું મહત્ત્વ નથી. પ્રભુપ્રેમનું મહત્ત્વ છે.” 

પ્રસંગ ૧૦
અકબરની માનીતી બેગમ તાજબીબીના મનમાં એવો વિચાર આવ્યો કે , બાદશાહ હંમેશા મારા જ વશમાં રહે. તે શ્રીવિઠ્ઠલેશની સેવક હતી. તેણે શ્રીવિઠ્ઠલેશને વશીકરણ મંત્ર લખી મોકલવા વિનંતી કરી. શ્રીવિઠ્ઠલેશે નીચેની કડી લખી મોકલી. 
મંત્ર તંત્ર અરુ જંત્ર કો, જિક કરો જિન કોઇ,
પતિ કહે સો કીજિયે, આપુહીતે વશ હોઇ.
આ વાત જ્યારે અકબરે જાણી, ત્યારે તે શ્રીગુસાંઇજી માટે વિશેષ માન ધરાવતો થયો. 

પ્રસંગ ૧૧
એક વખત અકબરે બિરબલને પ્રશ્ન કર્યો કે : “ઇશ્વર કેવી રીતે મળે?” બિરબલ અકબરને શ્રીવિઠ્ઠલેશ પાસે લઇ ગયો. શ્રીવિઠ્ઠલેશે કહ્યું કેઃ “જેવી રીતે તમે અમને મળ્યા, એવી રીતે ઇશ્વર મળે. રાજા ચાહે, ત્યારે પ્રજાને મળે. રાજાને રાહ જોવી ન પડે. પરંતુ પ્રજા ચાહે, ત્યારે રાજાને મળી શકે નહી. એવી રીતે ઇશ્વર ચાહે, તો આપણને તરત જ મળે, પરંતુ આપણે ચાહીએ, ત્યારે મળે નહી.” 

પ્રસંગ ૧૨ 
એક વખત શ્રીવિઠ્ઠલેશ અમદાવાદ પધાર્યા. અસારવામાં ભાઇલા કોઠારીના ત્યાં બિરાજ્યા હતા. તેમના જમાઇ નવ વર્ષના ગોપાળદાસ જન્મથી મૂંગા હતા. તેમણે જોઇને શ્રીવિઠ્ઠલેશે પૂછયું કે :“આ કોણ છે ?” કોઠારીએ કહ્યું : “ગોમતીનો વર છે.” શ્રીવિઠ્ઠલેશે કહ્યું : “ગોમતીનો વર તો સાગર હોય.” તેમણે પોતાનું પ્રસાદીપાન ગોપાળદાસને આપ્યું. તે ખાતાં જ તેમની જીભ ખૂલી ગઇ. નવ વર્ષના ગોપાળદાસે નવ કડવાંનું વલ્લભખ્યાન ગાયું. 

પ્રસંગ ૧૩
ધોળકામાં લાછાંબાઇ નામે રાણી હતાં. તેમના પ્રધાન બાજબહાદૂર હતા. તેઓ શ્રીવિઠ્ઠલેશનાં દર્શન કરવા અમદાવાદ આવ્યા. તેમણે કહ્યું : “મહારાજ, ગુજરાતમાં ભારે દુકાળ છે, પ્રજા ભૂખે મરે છે.” શ્રીવિઠ્ઠલેશનુ હૃદય પ્રજાના દુઃખે દ્રવી ગયું. બાજબહાદૂર ધોળકા પહોંચે, તે પહેલાં મુશળધાર વરસાદ પડયો. 

પ્રસંગ ૧૪
એક વખત શ્રીવિઠ્ઠલેશ કાશી પધાર્યા હતા. ત્યાં ગંગાકિનારે સંધ્યાવંદન કરતા હતા. સાથે મોટો રસાલો હતો. એક સંન્યાસી ત્યાં આવ્યો. તેણે પૂછયું કે : “આ કોણ છે ?” એક વૈષ્ણવે કહ્યું : “ અમારા ગુરુ, શ્રીગુસાંઇજી છે.” સંન્યાસીએ ક્રોધથી કહ્યું : “ગુસાંઇ શાના ? આટલા બધા વૈભવનો ત્યાગ કરવાની તેમનામાં હિંમત છે ?” આ સાંભળી ગુસાંઇજીએ પોતાની બધી સંપત્તિ ત્યાં ને ત્યાં દાનમાં આપી દીધી. પછી તેમણે સંન્યાસીને કહ્યું : “તમે પણ તમારાં વસ્ત્ર અને કમંડળ દાનમાં આપી દો.” સંન્યાસીએ કહ્યું : “ પછી હું શું કરું ?” શ્રીવિઠ્ઠલેશે કહ્યું કે : “વસ્તુમાંથી તમારો મોહ જતો નથી. તમને ઇશ્વર ઉપર શ્રદ્ધા નથી. તમે કેવા સંન્યાસી ?” સંન્યાસી શરમાઇ ગયો. શ્રીવિઠ્ઠલેશે વૈષ્ણવોને ઉપદેશ આપ્યો કે : “ ધનમાં આસક્તિ રાખવી નહીં. જરૂર કરતાં વધુ દ્રવ્ય ભેગું થાય, તો શ્રીઠાકોરજીની સેવામાં વાપરી દો. પ્રસાદથી સૌનાં પેટનું પોષણ કરો. તેમ કરવાથી સેવાધર્મ સાથે માનવધર્મ આપોઆપ સંધાય છે.” 
  
પ્રસંગ ૧૫
એક દિવસ શ્રીવિઠ્ઠલેશ ભોજન કરતા હતા. ભાજીના શાકમાં એક કઠણ તણખલું આવ્યું. તેમણે વિચાર કર્યો કે, શ્રીઠાકોરજી ઘણા કોમળ છે. સામગ્રી તૈયાર કરવામાં આટલી નાની સરખી બેદરકારીથી પણ શ્રીઠાકોરજીને પરિશ્રમ થાય. મારાથી બધી સેવા જાતે બનતી નથી. સેવકો ઉપર આધાર રાખવો પડે છે. પ્રભુને પરિશ્રમ થાય, તો જીવવું નકામું છે. આવો વિચાર કરી, તેમણે સંન્યાસ લેવા તેમના મોટા પુત્ર શ્રીગિરિધરજીને વસ્ત્રો ભગવા રંગથી રંગવા કહ્યું . શ્રીગિરિધરજીએ તેમ કર્યું. ત્યારે શ્રીઠાકોરજીએ પણ તેમનાં વસ્ત્રો ભગવા રંગે રંગાવ્યાં. તે જોઇને શ્રીગુસાંઇજીએ સંન્યાસ લેવાનો વિચાર માંડી વાળ્યો.

No comments:

Post a Comment

व्रज – माघ शुक्ल तृतीया

व्रज – माघ शुक्ल तृतीया  Saturday, 01 February 2025 इस वर्ष माघ शुक्ल पंचमी के क्षय के कारण कल माघ शुक्ल चतुर्थी के दिन बसंत पंचमी का पर्व ह...