શ્રીયમુનાજી
હે સૂર્યસૂતા યમુને મૈયા! અમારું ધ્યાન તમારાં ચરણોમાં લાગેલું રહો. આપના પતિ પ્રભુ સ્વયં છે. આપના માતા સંજ્ઞાદેવી છે, આપના પિતા આધિદૈવિક સૂર્યદેવ છે, અને આપના વીરા ધર્મરાજ શ્રીયમદેવ છે. પરંતુ આપ શ્રી પાષાણોમાંથી ઊછળતાં-કૂદતાં, સાત-સાત સમુદ્રોને ભેદીને ભૂતલ પર અવતરીત થયા છો અને ભૂતલ પર પાલક પિતા પર્વતરાય હિમાલયના કલિંદ શિખર પર જન્મીને કાલિંદી બન્યાં છો. ઊછળતી કૂદતી કન્યા જેમ વિલાસપૂર્ણ આનંદિત ગતિએ પતિનાં ઘર તરફ જાય તેમ આપે પણ કાલિંદી બન્યાં બાદ હીમવાન પિતા કલિંદની ગોદ છોડીને વ્રજ તરફ પ્રયાણ કર્યું છે. પરમપિતા બ્રહ્માજી આપનું ધ્યાન ધરે છે. વેદ-પુરાણ ભણતા પંડિતો, યોગી, જતિ, જોગીઓ, અને સંન્યાસી સૌ આપના ગુણગાનમાં ગાતા કહે છે કે જેમ ધરતી પર રેવાલ અર્થાત અશ્વ ચાલે, તેમ આપ વ્રજની ભૂમિ તરફ પધારી રહ્યાં છો. જેની લહેરોમાં મધુસૂદન (ભ્રમરો અને અહીં ભ્રમર રૂપી શ્રી બાલકૃષ્ણ પોતે પણ) ગુંજારવ કરે છે, એવાં શ્રીયમુનાજી…. આપનો જય થાઓ શ્રી શ્યામસુંદર પણ જેને આધીન છે તેવા હે શ્રીયમુને મૈયા આપ સૌનું કલ્યાણ કરો. શ્રી સૂરદાસજી આ પદ દ્વારા કહે છે કે સદાયે ભક્તોનું કલ્યાણ કરનારી એવી શ્યામસ્વરૂપા શ્રીયમુનાજીનું શરણ મે ગ્રહણ કર્યું છે.
No comments:
Post a Comment