By Vaishnav, For Vaishnav

Monday, 22 March 2021

શ્રીયમુનાષ્ટકમ્ (વિવેચન તથા ભાવાર્થ સહિત) અષ્ટમ શ્લોક

શ્રીયમુનાષ્ટકમ્ (વિવેચન તથા ભાવાર્થ સહિત)

અષ્ટમ શ્લોક

શ્રીયમુનાજીની સ્તુતિની અશક્યતા અને સ્વયં લક્ષ્મીજીથી પણ શ્રીયમુનાજીની ઉત્કૃષ્ટતા બતાવતાં શ્રીમદાચાર્યચરણ આજ્ઞા કરે છે -

સ્તુતિમ્ તવ કરોતિ ક: કમલજા-સપત્નિ! પ્રિયે!
હરેર્ યદનુસેવયા ભવતિ સૌખ્યમ્ આમોક્ષત:।।
ઈયં તવ કથાધિકા સકલ-ગોપિકા-સંગમ-
સ્મરશ્રમ-જલાણુભિ: સકલ-ગાત્રજૈ: સંગમ:।।૮।।

ભાવાર્થ : કમલજા કહેતાં લક્ષ્મીજીનાં સપત્ની એવાં શ્રીયમુને! આપની સ્તુતિ કોણ કરી શકે? (કોઈ નહીં). કારણ કે પહેલાં શ્રીહરિનું સેવન (સેવા) કરીને પછી શ્રીલક્ષ્મીજીનું સેવન કરવાથી જીવને મોક્ષ પર્યંતનું સુખ પ્રાપ્ત થાય છે. પરંતુ આપની આ કથા (માહાત્મ્ય સંકીર્તનની કથા) બધા કરતાં વધુ ઉત્તમ છે. રાસલીલા બાદ સકલ વ્રજભક્તો સાથે પ્રભુએ જ્યારે જલક્રિડા કરી ત્યારે પ્રભુને અને વ્રજભક્તોને થયેલ શ્રમને કારણે તેમનાં શરીર ઉપર ઉભરાઈ આવેલ જલકણોનો જેમાં સંયોગ થયો છે એવાં આપનાં (યમુનાજીનાં) જલમાં સ્નાન કરતા ભક્તોનાં બધાં અંગોનો સમાગમ તે સ્મર શ્રમ જલાણુઓ સાથે થાય છે. પરિણામે તેમને લીલા પ્રાપ્તિ થયાનો અનુભવ થાય છે.

વિવેચન : શ્રીયમુનાજીની સ્તુતિ કરવા કોઈ સમર્થ નથી. શ્રુતિ કહે છે, "યતો વાચો નિવર્તન્તેऽપ્રાપ્ય મનસા સહ" એટલે કે વાણી જ્યાંથી મન સાથે પહોંચ્યા વિના જ પાછી ફરે છે. એનો ભાવ એ છે કે વાણી એને મન ત્યાં પહોંચી શકતા ન હોવાને કારણે રસ સ્વરૂપ (રસૌ વૈ સ:) પુરુષોત્તમની સ્તુતિ કરવા કોઈ સમર્થ નથી. કારણ કે શ્રીયમુનાજીના માહાત્મ્યને સમજવા માટે ત્યાં ગયેલ વાણી અને મન ત્યાં પહોંચ્યા વિના પાછા ફરે છે. 

યમુનાજીની સ્તુતિ કોઈ કરી શકે તેમ નથી. એનું બીજું કારણ એ છે કે યમુનાજી કમલજા-સપત્ની એટલે કે લક્ષ્મીજીની શોક્ય છે. શોક્યોનો સ્વભાવ પરસ્પરથી વિરુદ્ધ હોય એવું માનવામાં આવ્યું છે. લક્ષ્મીજી પ્રમાણસિદ્ધિ બ્રહ્માનંદ સ્વરૂપ છે. અને યમુનાજી પ્રમેયાનંદ સ્વરૂપ છે. લક્ષ્મીજી પ્રમાણસિદ્ધ બ્રહ્માનંદ સ્વરૂપ હોવાથી વેદવાક્યોના પ્રમાણથી તેમના માહાત્મ્યનું વર્ણન કરી શકાય છે. પરંતુ યમુનાજી પ્રમેયાનંદ સ્વરૂપ એટલે કે પુષ્ટિ લીલા સ્થિત હોવાથી વેદાદિ પ્રમાણો પર છે પરિણામે કોઈપણ પ્રમાણથી તેમની સ્તુતિ થઈ શકતી નથી.

જેનો જેટલો ભગવત્સંબંધ તેટલી તેની સ્તુતિ થઈ શકતી નથી. સાથે જેનો સહેજ પણ સંબંધ ન હોય તેની સ્તુતિ કોઈ ક્યારેય કરતું નથી. વળી જેનો જેટલો ભગવાન સાથે ન્યૂનાધિક સંબંધ હોય તેના પ્રમાણમાં તેની ન્યૂનાધિક સ્તુતિ થાય છે. જેનો ભગવત્સંબંધ અધિક હોય તે અધિક સ્તુતિપાત્ર અને જેનો ભગવત્સંબંધ ન્યૂન (ઓછો) હોય તે ન્યૂન સ્તુતિપાત્ર બને છે. લક્ષ્મીજીનો નિવાસ સદા સર્વદા ભગવાનના હૃદયમાં જ હોય છે. તેમનો ભગવદ્ સંબંધ સતત અને અતિશય વધુ છે. આથી લક્ષ્મીજી અતિશય સ્તુતિપાત્ર બન્યાં છે.

શ્રીયમુનાજીનો સંબંધ પણ ભગવાન સાથે સતત (લીલાસ્થલી હોવાથી) રહે છે અને તે લક્ષ્મીજીના જેવા સૌભાગ્ય વાળાં છે. પરંતુ તેમનું પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય મન અને વાણીથી સમજી શકાય તેવું ન હોવાથી તેમની સ્તુતિ કરી શકાતી નથી.

કમલજા સપત્ની પ્રિયે - લક્ષ્મીજી અને યમુનાજી બન્નેનું સમાન સૌભાગ્ય છે. એ બાબતમાં બન્નેમાં સમાનતા છે. તે મળતાં શ્રીયમુનાજી લક્ષ્મીજી કરતાં અધિક શા માટે ગણાય છે? તેનું કારણ એ છે કે લક્ષ્મીજી ભગવાન સાથે નિકટ સંબંધની બાબતમાં અને સૌભાગ્ય સંપન્ન હોવાની બાબતમાં જ યમુનાજી સાથે સમાનતા ધરાવે છે; અન્ય બાબતોમાં નહીં.

પ્રભુ પ્રિયત્વ બાબતજ લો. યમુનાજી માટે પ્રિયા શબ્દ વાપર્યો છે. લક્ષ્મીજી માટે એ શબ્દ ભાગ્યે જ વપરાયેલ હોય છે. હકીકતમાં ભગવદ્ પ્રિયત્વની બાબતમાં લક્ષ્મીજી તેનાથી વંચિત છે. ભગવાને (ભાગવતમાં) દુર્વાસા મુનિને કહ્યું છે -

નાહમાત્માન માશાસે મદ્ ભક્તૈ: સાધુર્ભિવિના।
શ્રીયં ચાત્મનાર્કી રાજન! એષામ્ ગતિરહં પરમ્।।

એટલે કે "મારા સાધુ ભક્તો સિવાય મને સ્વયં મારામાં અને મારી અત્યંત નિકટ રહેલી લક્ષ્મીમાં પણ રૂચિ નથી." આ રીતે વિચારતાં લક્ષ્મીજી મર્યાદા ભક્તો કરતાં પણ ન્યૂન છે એવું સાબિત થાય છે. જો તેમ છે તો પુષ્ટિમાર્ગમાં સ્થિત ભગવદ્ પ્રિયા શ્રીયમુનાજી પ્રતિ ભગવદ્ પ્રિયતાની બાબતમાં લક્ષ્મીજીનું શું સ્થાન હોઈ શકે?

આ રીતે શ્રીયમુનાજી લક્ષ્મીજીથી અધિક છે. એ પ્રમાણ સહિત સાબિત કરી શકાય છે. એટલું જ નહીં ફલ પ્રદાનની દ્રષ્ટિથી પણ યમુનાજી લક્ષ્મીજીથી શ્રેષ્ઠ છે. એ વાત સમજવા માટે એ જાણવું જરૂરી છે કે તે બંને કેવા પ્રકારનાં ફલનું દાન કરી શકે છે.

હરેર્યદનું સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષત: અર્થાત પહેલાં શ્રીહરિની સેવા કર્યા પછી લક્ષ્મીજીની સેવા કરવાથી મોક્ષ પર્યન્તનું સુખ પ્રાપ્ત થાય છે. એમાં નારાયણની સેવા કર્યા પછી લક્ષ્મીજીની સેવા કરવાની છે. તેથી નારાયણની સેવા મુખ્ય છે અને લક્ષ્મીજીની સેવા ગૌણ છે.

એ રીતે કરેલ લક્ષ્મીજીની સેવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. પરંતુ તેનાથી શ્રીપુરુષોત્તમ સાથે સાયુજ્ય પ્રાપ્તિનું ફલ પ્રાપ્ત થતું નથી. તેનાથી તો માત્ર સાલોક્ય, સાર્ષ્ટિ અને સામિપ્ય એ ત્રણ પ્રકારના મોક્ષ જ પ્રાપ્ત થાય છે. ભક્તિમાર્ગીય રીતે ભગવાનની સેવા કરવાથી જ ચોથા પ્રકારનો એટલે કે સાયુજ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે; બીજી કોઈ રીતે નહીં. શ્રીમદાચાર્યે સ્પષ્ટપણે આ વાત કહી છે - આદિમૂર્તિ: કૃષ્ણ એવ સેવ્ય: સાયુજ્ય કામ્યયા અર્થાત સાયુજયની કામના કરવાવાળાએ આદિમૂર્તિ કૃષ્ણની જ સેવા કરવી. તે સિવાય બીજી કોઈ રીતે સાયુજ્ય ફલ પ્રાપ્તિ નથી.

ઉપર કહ્યું તેમ ભગવાનની સેવા કર્યા પછી લક્ષ્મીજીની સેવા કરવાથી સાલોક્ય આદિ ફળ મળે. પરંતુ જો ભગવાન વિના કેવળ લક્ષ્મીજીની સેવા કરવામાં આવે તો તે ફળ (મોક્ષ) પણ પ્રાપ્ત ન થાય. પુરુષોત્તમ વિના લક્ષ્મીજીની સેવા એ કેવળ વિભૂતિની સેવા છે. વિભૂતિરૂપ લક્ષ્મીજીની સેવા કરવાથી તેઓ પોતાના ભક્તને ધન સંપત્તિનું દાન કરે. પરંતુ મોક્ષ પ્રાપ્ત ન કરાવી શકે. અને ધન પ્રાપ્ત કરાવીને તેઓ જીવને વિષયાસક્ત બનાવી દે છે; સંસારમાં તેની આસક્તિ વધારી દે છે. પરિણામે મોક્ષ પ્રાપ્તિમાં અવરોધક બને છે. સંસાર પ્રત્યેની આસક્તિ મોક્ષ પ્રાપ્તિમાં વિઘ્નકર્તા છે.

તેથી ઊલટું શ્રીયમુનાજી કેવું ફલ પ્રદાન કરે છે તેની કથા જાણવી જરૂરી છે. ઈયં તવ કથાધિકા - દ્વારા એ સમજવાનું છે કે યમુનાજી દ્વારા ફલદાનની એ કથા અધિક ઉત્તમ છે. ઉત્તમ એટલા માટે છે કે યમુનાજી સાયુજ્ય પ્રકારના મોક્ષ કરતા પણ અધિક ઉત્તમ એવા ભજનાનંદને પ્રાપ્ત કરાવી આપે છે. હરિના ભક્તો મોક્ષને પણ ઈચ્છતા નથી. તેઓતો ભજનાનંદ પામવા ઈચ્છે છે. અને યમુનાજી તેમને ભજનાનંદ (સ્વરૂપાનંદ) પ્રાપ્ત કરાવી આપે છે તે કેવી રીતે તેની કથા સાંભળો - 

રાસેશ્વર રસરૂપ ભગવાન શ્રીકૃષ્ણે રાસેશ્વરી રાધા તથા રસરૂપા સકલ ગોપીજનો સાથે રાસલીલા, રતિક્રીડા તેમજ જલક્રીડા આદિ ક્રીડાઓ કરી છે. સર્વ ગોપીકાઓ સાથે સંગમ થતાં અર્થાત તેમને સ્મર શ્રમ પહોંચવાથી સ્વેદ જલનાં અણુઓ (કણો) ઉત્પન્ન થયા. એ બધા સ્મર શ્રમ જલાણુઓ ગોપીજનો અને ગોપીજન વલ્લભ (કૃષ્ણના) ગાત્રો ઉપર ઉત્પન્ન થયાં છે. ત્યાર પછી તે બધાંએ જલક્રીડા કરી ત્યારે તે બધાં સ્મર શ્રમ જલાણુનો સંગમ યમુનાજીના જલ સાથે થયો. વાસ્તવમાં શ્રીયમુનાજી આ સ્વેદજલના સંગમ રૂપે છે. તે ભગવાનનાં કેલિસલિલજ છે. યમુના માહાત્મ્યમં તેનો ઉલ્લેખ કેલિસલિલેતિ નામથી જ થયો છે. આ પ્રમાણે સર્વથી ઉત્તમ વિલક્ષણતા શ્રીયમુનાજીમાં છે. તેથી તે સદા ભગવદ્ રસથી પૂર્ણ રહે છે. તેઓ ભગવદ્ રસ પૂર્ણ હોવાથી નિજ ભક્તોને પણ તેઓ ભગવદ્ રસનું દાન કરી શકે છે.

તેથી યમુનાજીના જે ભક્તો યમુના જળમાં સ્નાન કરે તેમનાં બધાં ગાત્રો સાથે યમુનાજીમાં એક રૂપ બનેલાં સ્મર શ્રમ જલાણુઓ (સ્વેદ જલકણો) નો સંગમ થાય છે. પરિણામે તેઓ ભગવદ્ રસ સાથે સંબંધ પામે છે.

લક્ષ્મીજી સાયુજ્ય મુક્તિ સિવાય બાકીની ત્રણે પ્રકારની મુક્તિનું દાન કરી શકે છે. પરંતુ ત્યારે જ જ્યારે તેમની સેવા ઠાકોરજીની સેવા કર્યા પછી અથવા ઠાકોરજી સહ સેવા કરવામાં આવે તોજ. પરંતુ યમુનાજી તો સ્વતંત્ર રીતે ભગવદ્ રસનું (ભક્તિ રસનું) દાન કરી શકે છે.

આ રીતે ઈયં તવ કથાધિકા શબ્દો દ્વારા યમુનાજીના સર્વોતોધિક ઉત્કર્ષની કથા કહેવામાં આવી છે. વૈકુંઠમાં સ્થિત શ્રીહરિના વક્ષ:સ્થળ રૂપ એક જ અવયવ સાથેનો સંબંધ રાખનાર લક્ષ્મીજીની અપેક્ષાએ શ્રીહરિના રોમે રોમ સાથે સંબંધ રાખનાર શ્રીયમુનાજીની આ કથા બહુ વિચક્ષણ છે. શ્રીયમુનાજી દ્વારા જે રસ પ્રાપ્ત થાય છે તે રસની સામે સકલ બ્રહ્માંડની બધી રસનિધિ કેવળ રસાભાસ સમ ભાસે છે.

આ શ્લોકમાં પ્રભુ-શ્રમ-જલ-સંબંધી યુક્ત એવાં શ્રીયમુનાજીના અંતરંગ ગૂઢ સ્વરૂપની અભિવ્યક્તિ ત્રણ વિશેષણોથી થાય છે. (૧) સકલ ગોપિકા સંગમ, (૨) સ્મર શ્રમ જલાણુભિ: અને (૩) સકલ ગાત્રજૈ: સંગમ. ટૂંકમાં શ્રીયમુનાજી પરમ કાષ્ઠાપન્ન પુષ્ટિમાર્ગની અંતરંગ ભગવદીયા છે. તે હંમેશા સ્મર શ્રમ જલ બિંદુ રૂપી રસથી પરિપૂર્ણ રહે છે. તેથી નિજ સેવકોને તે, એ રસની અનુભૂતિ કરાવી શકે છે.

શ્રીહરિરાયજીના મત પ્રમાણે આ શ્લોકમાં શ્રીયમુનાજીના તનુનવત્વ સંપાદન રૂપ ઐશ્વર્યનું નિરાકરણ કરવામાં આવ્યું છે. અને શ્રીપુરુષોત્તમજીના મત પ્રમાણે શ્રીહરિના લીલાકાલિન શ્રમ-જલ-બિંદુઓ સાથેના સંબંધનું સંપાદન કરાવવા રૂપી ઐશ્વર્યનો ઉલ્લેખ છે.

No comments:

Post a Comment

व्रज – माघ शुक्ल तृतीया

व्रज – माघ शुक्ल तृतीया  Saturday, 01 February 2025 इस वर्ष माघ शुक्ल पंचमी के क्षय के कारण कल माघ शुक्ल चतुर्थी के दिन बसंत पंचमी का पर्व ह...