By Vaishnav, For Vaishnav

Tuesday, 23 March 2021

શ્રીયમુનાષ્ટકમ્ (વિવેચન તથા ભાવાર્થ સહિત) નવમ શ્લોક

શ્રીયમુનાષ્ટકમ્ (વિવેચન તથા ભાવાર્થ સહિત)

નવમ શ્લોક

આ રીતે કલિદોષ હારિણી - પરોપકારીણી, અષ્ટવિધ ઐશ્વર્યધારિણી, સકલ સિદ્ધિ પ્રદાયિની શ્રીયમુનાજીની સ્તુતિ રૂપ આ યમુનાષ્ટકમ્ નો પાઠ કરવાથી મળતા ફળનું નિરૂપણ અંતિમ શ્લોકમાં કરવામાં આવ્યું છે - 

તવાષ્ટકમ્ ઈદં મુદા પઠતિ સૂરસૂતે! સદા
સમસ્ત-દુરિત-ક્ષયો ભવતિ વૈ મુકુન્દે રતિ:।।
તયા સકલ-સિદ્ધિયો મૂરરિપુશ્ચ સન્તુષ્યતિ
સ્વભાવ-વિજયો ભવેદ્ વદતિ વલ્લભ: શ્રીહરે:।।૯।।

ભાવાર્થ : હે સૂર્યના પુત્રી (યમુનાજી), તમારા આ સ્તોત્ર-અષ્ટકનો પ્રસન્ન ચિત્તે પાઠ કરનારાં બધાં પાપોનો ક્ષય થાય છે. અને ભગવાન મુકુંદમાં તેની નિશ્ચિતપણે રતિ થાય છે. અને મુકુંદમાં રતિ પ્રાપ્ત થવાથી તેને સર્વાત્મભાવ આદિ બધી સિદ્ધિઓ આપમેળે પ્રાપ્ત થઈ જાય છે. તે ઉપરાંત મુરરિપુ ભગવાન સહિત તેમનો સ્વામિની વર્ગ પણ સંતુષ્ટ થાય છે. એટલું જ નહીં સ્વભાવનો વિજય થાય છે. એવું શ્રીહરિને પ્રિય શ્રીવલ્લભ કહે છે.

વિવેચન : યમુનાષ્ટકમ્ ના અંતિમ શ્લોકમાં 'તવાષ્ટકમ્ ઈદં' પદ છે. તેનો અર્થ છે. "તમારું આ અષ્ટક" તેનો ભાવ એ કે હે યમુનાજી, તમારી સ્તુતિ કરતાં ઘણા અષ્ટકો રચ્યાં છે અને રચાશે; પરંતુ તમારા અષ્ટક (જે શ્રીમહાપ્રભુજીએ રચ્યું છે અષ્ટક) નો પાઠ કરવાથી તેમાં બતાવેલ ફલ પ્રાપ્તિ અવશ્ય થશે. ખાસ કરીને આઠમાં શ્લોકમાં તવ કથાધિકા સ્મર શ્રમ જલાણું સાથે સંગમ થતાં ભગવદ્લીલાનો અનુભવ થવો તે - ફલની પ્રાપ્તિ અન્ય કોઈ અષ્ટક દ્વારા થતી નથી. જગદ્ ગુરુ આદ્ય શંકરાચાર્યજીએ પણ શ્રીયમુનાજીનું સ્તોત્ર રચ્યું છે. પરંતુ જે સ્તોત્રમાં શ્રીયમુનાજીના યથાર્થ સ્વરૂપનો પરિચય કરવામાં આવ્યો હોય તે સ્તોત્ર દ્વારા જ બધાં ફલ પ્રાપ્ત થઈ શકે.

શ્રીવલ્લભ વિરચિત યમુનાષ્ટકમ્ નો પાઠ, પ્રસન્ન ચિત્તે નિત્ય નિયમપૂર્વક કરવાથી નવમા શ્લોકમાં ગણાવેલ પાંચ ફળ તો નિશ્ચિત રૂપે પ્રાપ્ત થશે. (૧) સમસ્ત દુરિતોનો ક્ષય થશે, (૨) મુકુંદમાં રતિ થશે, (૩) સકલ સિદ્ધિઓની પ્રાપ્તિ થશે, (૪) મુરરિપો સંતોષ પામીને જીવના ભક્તિભાવ આડે આવતા બધા અંતરાયોને દૂર કરશે અને (૫) સ્વભાવનો વિજય થશે.

સમસ્ત દુરિત ક્ષયો - બધાં દુરિત એટલે કે પાપોનો ક્ષય થાય. શ્રુતિ કહે છે - "નરાણાં ક્ષીણ પાપાનાં કૃષ્ણે ભક્તિ પ્રજાયતે" એટલે કે જેનાં પાપો ક્ષીણ થયાં છે એવા જીવોને કૃષ્ણભક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે. 

બ્રહ્મસંબંધ કરવાથી બધા દોષો (પાપો) ની નિવૃત્તિ આપોઆપ થાય છે. એવું જ અહીં સમજવું. જે જીવ આ અષ્ટકનો પાઠ કરે તેનાં બધાં પાપો ક્ષીણ થઈ જાય છે અને જેનાં પાપોની નિવૃત્તિ થઈ છે એવો જીવ સહેજમાં ભગવદ્ ભક્તિ પ્રાપ્ત કરી લે છે. જ્યાં સુધી જીવમાં પાપ રહે ત્યાં સુધી તેમાં એ પાપ ભગવદ્ ભક્તિની પ્રાપ્તિમાં પ્રતિબંધરૂપ બની રહે છે. પરંતુ જેવાં તે નષ્ટ થયાં કે તરત જ, નિષ્પાપ એવો જીવ ભગવદ્ ભક્તિ પામે છે.

શ્રુતિ એવું પણ કહે છે કે "જ્ઞાનાગ્નિ: સર્વ કર્માણિ ભસ્મસાત્કુરૂતે યથા - એટલે કે જ્ઞાન રૂપી અગ્નિ વડે (મનુષ્યનાં) બધાં કર્મો (પાપકર્મો) ભસ્મસાત થઈ જાય છે. તાત્પર્ય એ કે જ્ઞાનાગ્નિ વડે જીવનાં બધા પાપકર્મોની નિવૃત્તિ અવશ્ય થાય છે. પરંતુ જ્ઞાનપ્રાપ્તિ બહુ કષ્ટ સિદ્ધ છે. અને તે પ્રાપ્ત કરવામાં સમય પણ ઘણો લાગે છે. પરંતુ આ અષ્ટકનો પાઠ કરવાથી જીવનાં બધાં પાપો સઘળા નાશ પામે છે. અને તેમાં ઘણો ઓછો સમય લાગે છે. તેથી જ્ઞાન પ્રાપ્તિ દ્વારા પાપોનો નાશ કરવા કરતાં આ અષ્ટકનો પાઠ કરીને પાપોનો નાશ કરવો એ જીવ માટે સરળ અને સહજ રીતે હોવાથી તે વધુ ઉત્કૃષ્ટ છે.

મુકુંદે રતિ : મુકુંદમાં રતિ થાય છે. જેનાં પાપ નષ્ટ થયાં હોય તેની પ્રીતિ મુકુંદમાં થાય એ સ્વાભાવિક છે. મુકુંદ એટલે મોક્ષદાતા, પ્રભુ. સાધારણ રીતે મુકુંદ ભગવાનમાં સર્વને મોક્ષનું દાન કરે છે. પરંતુ અષ્ટકનો પાઠ કરનાર ઉપર પ્રસન્ન થઈને તે તેને ભક્તિ (રતિ) નું દાન કરે છે. આ અષ્ટકનો પાઠ કરનાર ઉપર તે શા માટે પ્રસન્ન થાય છે? એટલા માટે કે શ્રીયમુનાજી તેની પ્રિયા છે. યમુનાજી પ્રભુને નિત્ય પ્રિય છે. અને અતિશય પ્રિય છે. તેથી પોતાની પ્રિયતમાના (શ્રીયમુનાજીના) ઉત્કર્ષનું દાન કરનાર (યમુનાષ્ટકમ્ નો પાઠ કરનાર) ઉપર, ભક્તોનાં પ્રતિબંધોને દૂર કરનાર મુરરિપુ, અવશ્ય પ્રસન્ન થાય અને પ્રસન્ન થઈને તે, એ પાઠ કરનારને મુક્તિને બદલે ભક્તિ આપે તેમાં શું આશ્ચર્ય!

તયા સકલ સિદ્ધયો : આ સ્તોત્રનો પાઠ કરવાથી તેનો પાઠ કરનાર ઉપર ભગવાન પ્રસન્ન થઈને તેને શું ફળ આપે? ભગવાન પ્રસન્ન થાય તો તેને મનવાંછિત ફળ આપે. જીવ માગે કે ન માગે પરંતુ ભગવાન તેને સકલ સિદ્ધિઓનું દાન કરે. લૌકિક સિધ્ધિઓનું નહીં; પરંતુ અલૌકિક સિદ્ધિઓનું દાન કરે. યમુનાજીને પણ સકલસિદ્ધિ હેતુ નામથી ઓળખવામાં આવ્યા છે. એવી આઠ અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરીને જીવ ભગવદ્લીલાઓનો અનુભવ કરી શકે અને તેની ભગવદ્ રતિ દ્રઢ થાય.

મુરરિપુશ્વ સંતુષ્યતિ : અર્થાત મુર દાનવનો દુશ્મન એવો મુરારિ સંતુષ્ઠ થઈને, આ અષ્ટકનો પાઠ કરનાર ઉપર પ્રસન્ન થાય છે. અને તેને ભગવદ્ પ્રાપ્તિ કરાવે છે, તેના જીવના ભગવદ્ પ્રાપ્તિના માર્ગમાં અંતરાય દૂર બનતા બધા પ્રતિબંધોને તે દૂર કરે છે.

આ પદમાં 'ચ' અક્ષર છે. ચ એટલે પણ. તેનો ભાવ એ છે કે કેવળ મુરારિ એકલા નહીં પણ ભગવાનની બીજી બધી સ્વામિનીજીઓ પણ અષ્ટકનો પાઠ કરનાર જીવ ઉપર પ્રસન્ન થાય છે. ભગવાન તેના ઉપર એટલા માટે પ્રસન્ન થાય છે કે જીવ ભગવાનની પ્રિયતમાની સ્તુતિ કરે છે અને આ અષ્ટકનો પાઠ કરે છે. સ્વામિનીજીઓ તેના ઉપર એટલા માટે પ્રસન્ન થાય છે કે તેમને (કાત્યાયની વ્રત કરનાર કુમારિકાઓ) પણ યમુનાજીનું સેવન કરવામાંથી તેમને (કુમારિકાઓને) ભગવદ્ પ્રાપ્તિ થઈ અને પછીથી રાસોત્સવમાં ભગવદ્ અનુભૂતિ પામવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જેના સેવન અને સાન્નિધ્યથી તેમને આવું મહદ સૌભાગ્ય પ્રાપ્ત થયું તેવા યમુનાજી તેમને શા માટે પ્રિય ન હોય? અને પોતાને જે અત્યંત પ્રિય હોય તેના ગૌરવનું ગાન કરનાર ઉપર અને તેના ઉત્કર્ષનું ગીત ગાનાર ઉપર તે શા માટે પ્રસન્ન (સંતુષ્ટ) ન થાય? ટૂંકમાં મુરરિપુશ્વ સંતુષ્યતિનો અર્થ છે - મુરારિ અને સ્વામિની વર્ગ બન્ને સંતોષ પામી પ્રસન્ન થાય છે. અને જેની ઉપર તેઓ પ્રસન્ન થાય તેને માટે ભક્તિભાવ અત્યંત સુલભ બનાવી દે તેમાં શી નવાઈ? એવો જીવ, ભગવદ્ પ્રાપ્તિ અત્યંત સરળતાથી કરી શકે છે.

સ્વભાવ વિજયો ભવેદ્ - અર્થાત સ્વભાવનો વિજય થાય છે. કો'ના સ્વભાવનો વિજય થાય છે? (૧) યમુનાજીના સ્વામી મુરારિનો કે યમુનાષ્ટકમ્ નો નિત્ય પાઠ કરનાર યમુનાજીના ભક્તોનાં સ્વભાવનો વિજય થાય છે? તો કે બન્નેના સ્વભાવનો વિજય થાય છે. કેવી રીતે? 

પહેલાં મુકુંદ ભગવાનનાં સ્વભાવનો વિજય થાય છે. મુકુંદ ભગવાન જ્યારે જીવ ઉપર પ્રસન્ન થાય ત્યારે તેઓ તેને મોટે ભાગે તો મુક્તિનું દાન કરે છે. મુકુંદ શબ્દનો અર્થ આ પ્રમાણે કરવામાં આવે છે - મોક્ષ (મુકં) દદાતિ ઈતિ મુકુંદ એટલે કે મોક્ષ દેનારને મુકુંદ કહે છે. મોક્ષ આપવો એ મુકુંદનો સ્વભાવ છે. ભગવાન પ્રસન્ન થાય ત્યારે જીવને મોક્ષ (મુક્તિ) આપે, ભક્તિ નહીં. ભક્તિને તો અપ્રાપ્ય ગણવામાં આવી છે. ભગવાન સાથે સંબંધ કરાવનાર ભાવને ભક્તિ કહેવામાં આવે છે. એવો ભાવ સહજ સાધ્ય નથી; તે તો વિરલ છે. વિરલ છે તેથી સદેય છે.

જેના ઉપર પ્રભુ તુષ્ટ (પ્રસન્ન) થાય તેને તે મુક્તિ આપે છે. પરંતુ જેના ઉપર અતિશય તુષ્ટ થાય (સંતુષ્ટ થાય) તેને તેઓ ભક્તિ આપે છે. સ્વભાવથી જ મોક્ષનું દાન કરનાર મુકુંદ પોતાને અતિશય પ્રિય એવાં શ્રીયમુનાજીનાં ગુણોનું સંકીર્તન થતું સાંભળીને અત્યંત સંતોષ પામે છે. અને પોતાના સ્વભાવથી વિપરિત તેઓ તે જીવને વિરલ અને તેથી અદેય એવી ભક્તિનું દાન કરીને તેને કૃતાર્થ કરે છે. આ રીતે ભગવાનના સ્વભાવમાં પરિવર્તન થાય છે.

હવે જીવના સ્વભાવનું પરિવર્તન કેવી રીતે થાય તે જોઈએ. જીવમાં પ્રભુના સત્ ચિત્ (સત્ચિદાંશ) અંશનો આવિર્ભાવ છે. એને આનંદાંશ તિરોહિત રહેલો છે. એટલા માટે તેને જીવ કહેવામાં આવે છે, આત્મા નહીં. જીવભાવને આ રીતે સમજાવ્યો છે - આનંદાશસ્તુ પૂર્વમેવ તિરોહિત યેન જીવભાવ એટલે કે આનંદાંશ જેનામાં તિરોહિત છે (એવો આત્મા) તેને જીવભાવ કહેવામાં આવે છે. અવિદ્યાને કારણે આત્મામાં જીવભાવ આવે છે. અર્થાત અવિદ્યા એ જ જીવનો સ્વભાવ છે. એટલા માટે તો જીવને સ્વભાવથી દુષ્ટ કહેવામાં આવ્યો છે. જીવા: સ્વભાવત: દુષ્ટા: - જીવ સ્વભાવથી (અવિદ્યાના કારણે) દુષ્ટ છે. યાદ રાખો સ્વરૂપથી (મમૈવાંશો - પ્રભુનો અંશ હોવાથી) તે દુષ્ટ હરગીજ નથી. સ્વરૂપથી તો તે ભગવાનનો અંશ છે. 

એવો સ્વભાવથી દુષ્ટ જીવ જો શ્રીયમુનાષ્ટકમ્ નો નિત્ય પ્રતિ પાઠ પ્રેમપૂર્વક પ્રસન્ન ચિત્તે (મુદા) કરે તો, શ્રીયમુનાજી પ્રત્યે અત્યંત પ્રીતિ ધરાવનાર અને શ્રીયમુનાજીના પ્રેમથી વિવશ બનેલ ભગવાન, તેના ઉત્કર્ષનું ગીત (યમુનાષ્ટકમ્ નો પાઠ) સાંભળીને તે જીવના હૃદયમાં આવિર્ભુત થાય છે. અને ભગવાન તો આનંદ માત્ર કર પાદ મુખોદરા દિ છે; ભગવાન તો પૂર્ણાનંદ છે. જીવના હૃદયમાં પૂર્ણાનંદનો આવિર્ભાવ થતાં તેનામાં રહેલી પેલી પંચ પર્વાત્મક અવિદ્યા ભાગી જાય છે. તેમ થતાં જીવના જીવપણાની નિવૃત્તિ થાય છે. જીવ કૃતાર્થ થઈ જાય છે. તેના દુષ્ટ સ્વભાવમાં પરિવર્તન થતા તે ભગવદ્ ભાવાવેશ વાળો બને છે. તેના સ્વભાવનો વિજય થાય છે. 

હવે એકજ વાત સમજવાની બાકી રહે છે. 'સ્વભાવમાં પરિવર્તન કરાવી આપવું એ દુ:સાધ્ય કાર્ય છે. એવું દુ:સાધ્ય કાર્ય કેવળ એક સ્તોત્ર (યમુનાષ્ટકમ્) નો પાઠ કરવાથી સિદ્ધિ થાય એવું માની શકાય ખરું? અર્થાત સ્વભાવ વિજયોભવેત્ એ ભાવ માટેનું કોઈ પ્રમાણ છે ખરું? તો કે હા; શાસ્ત્રમાં આવા વાક્યોને પ્રમાણ માનવામાં આવ્યું છે. "આપ્તવાક્યમેવ પ્રમાણમ્" જે આર્ષદ્રષ્ટા જે સત્યની પ્રતિતી પોતે જાતે કરી હોય તે સત્યને જો તે પોતે વ્યકત કરે તો તેના એ શબ્દો આપ્ત વાક્ય કહેવાય. ભગવાન સાથે નિત્ય સંબંધ રાખનાર જ ભગવાનના સ્વરૂપને જાણી શકે અને તે જાણ્યા પછી પોતાના અનુભૂતિને તે વાણી દ્વારા વ્યક્ત કરી શકે. 

શ્રીમદ્ વલ્લભને સાક્ષાત્ પ્રભુનો નિત્ય સંબંધ છે. આપ શ્રીકૃષ્ણસ્યમ્ ગણાય છે. આપ શ્રીહરિના વલ્લભ (પ્રિય) છે. અને આપશ્રી પોતે જ કહે છે "વદતિ વલ્લભ શ્રીહરે:" એટલે કે શ્રીહરિને પ્રિય વલ્લભ આ કહે છે. અને શ્રીવલ્લભ જે કહે છે તે પ્રમાણ છે. તેમના કથનમાં સત્યત્વની પ્રતીતિ થવી એ શ્રદ્ધાનો વિષય છે; એ બુદ્ધિનો વિષય નથી. આપ્ત વાક્યનું પ્રમાણત્વ શ્રદ્ધા જનિત છે. અને જીવમાં શ્રદ્ધાનો ઉદય થવો એ ભગવદ્ અનુગ્રહ વિના સંભવિત નથી. ભગવદ્ અનુગ્રહ ઉપર દેશ, કાલ કે કર્મ આદિ કશાનું નિયંત્રણ ન હોઈ શકે, અને નથી જ. આટલું સમજશો તો 'વદતિ વલ્લભ શ્રીહરે' ને પ્રમાણ (આપ્ત વાક્ય) માની શકશો. 

અહીં શ્રીયમુનાષ્ટકમ્ નું વિવરણ પૂરૂં થાય છે. ગુરુદેવની (શ્રીવલ્લભની) કૃપાથી એ થઈ શક્યું છે. તો બોલો.

શ્યામસુંદર શ્રીયમુને મહારાણી કી જય...

No comments:

Post a Comment

व्रज – माघ शुक्ल तृतीया

व्रज – माघ शुक्ल तृतीया  Saturday, 01 February 2025 इस वर्ष माघ शुक्ल पंचमी के क्षय के कारण कल माघ शुक्ल चतुर्थी के दिन बसंत पंचमी का पर्व ह...