By Vaishnav, For Vaishnav

Sunday, 21 March 2021

શ્રીયમુનાષ્ટકમ્ (વિવેચન તથા ભાવાર્થ સહિત) સપ્તમ શ્લોક

શ્રીયમુનાષ્ટકમ્ (વિવેચન તથા ભાવાર્થ સહિત)

સપ્તમ શ્લોક

સાતમા શ્લોકમાં ભગવાનનાં પ્રિયભાવન બનવા માટે જે આવશ્યક અને વાંછનીય ગુણો છે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

મમાસ્તુ તવ સન્નિધો તનુ-નવત્વમેતાવતા
ન દુર્લભતા રતિર્ મુરરિપૌ મુકુન્દપ્રિયે।।
અતોऽસ્તુ તવ લાલના સુર-ધુની પરં સંગમાત્
તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપિ પુષ્ટિસ્થિતૈ:।।૭।।

ભાવાર્થ : મુકુંદ ભગવાન (મુક્તિ આપનાર ભગવાન શ્રીકૃષ્ણ) નાં હે પ્રિયે! આપના સાન્નિધ્યમાં મારા દેહને નવત્વની પ્રાપ્તિ થાવ. એટલે કે તે લીલોપયોગી બને તેવું થાવ. કારણકે તેનું નવત્વ થતાં, ભગવાન મુરારિમાં પ્રીતિ થવી એ દુર્લભ વસ્તુ નથી. પરંતુ જ્યાં સુધી તનુ નવત્વની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી, હે યમુને, આપની સ્તુતિ કરવામાં અસમર્થ એવો હું, પ્રેમાતિરેકથી તારા ગુણોનું સંકીર્તન કરું તો મારાં એ લાલના (સ્નેહોદગાર, લાડથી ઉચ્ચારાયેલા શબ્દો) ને આપ સ્તુતિ રૂપ માની લો.

આ લોકમાં ગંગાજીનાં ગુણ સંકીર્તન આપની સાથે તેમનો સંગમ થયા પછી જ થવા લાગ્યાં છે. આપના સંબંધ વગર એકલાં ગંગાજીની સ્તુતિ પુષ્ટિભક્તો કદી કરતા નથી.

વિવેચન : મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વ - શ્રીયમુનાજીના તટ નજીક નિવાસ કરનાર, શ્રીયમુનાજીનાં સ્નાન, પાન આદિ કરીને યમુનાજીનું સેવન કરે છે. તેમ કરતાં તે મુક્તિથી પણ અધિક ઉત્તમ એવી ભક્તિ (ભગવદ્ પ્રતિરૂપ ભક્તિ) પ્રાપ્ત કરી શકે છે. વસ્તુતઃ યમુનાજી સાથે કોઈપણ પ્રકારે સંબંધ રાખવાથી જીવ કૃતાર્થ બને છે. શ્રીયમુનાજીના આધિભૌતિક જળ સ્વરૂપની નિકટ સ્થિતિ કરવાથી જ જો આવા અલભ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થતી હોય તો તેમના આધિદૈવિક સ્વરૂપની નિકટ જીવની સ્થિતિ થાય તો તેને લીલોપયોગી નૂતન દેહની પ્રાપ્તિ અવશ્ય થાય. એવું સમજીને અહીં એવા નૂતન દેહની પ્રાપ્તિની યાચના કરવામાં આવી છે.

શ્રીહરિરાયજીના મત પ્રમાણે શ્રીમહાપ્રભુજીએ અહીં તનુ નવત્વ પદનો પ્રયોગ કર્યો છે, નવ તનુત્વનો પ્રયોગ કર્યો નથી. તનુ નવત્વ પદ દ્વારા આપશ્રીએ આ જ શરીર નવું બને એવી પ્રાર્થના કરી છે. જો આ શરીરને બદલે નવું શરીર મળે એવી પ્રાર્થના કરવી હોત તો આપશ્રીએ નવ તનુત્વ પદનો ઉપયોગ કર્યો હોત.

શ્રીગોકુલનાથજીના મત પ્રમાણે તનુ નવત્વ એટલે પૂર્વના દેહની નિવૃત્તિ થવી તે; એનો અર્થ કે પૂર્વ દેહનો નાશ ન થાય; દેહ તો એનો એ જ રહે પરંતુ તે દેહમાં પહેલાં જ લૌકિક ધર્મો રહેતા હતા તેનો લોપ (નિવૃત્તિ) થઈ જાય અને તેમાં અલૌકિક ધર્મોનો આવિર્ભાવ થાય. બ્રહ્મસંબંધ થતાં જીવને નવો જન્મ મળે છે. - દેહ તો એનો એ જ રહે છે. છતાં નવો (આધિભૌતિક જન્મ છૂટીને તેને બદલે આધ્યાત્મિક) જન્મ મળે છે. એટલે કે સર્વ દોષોની નિવૃત્તિ થઈ જીવ નિર્દોષ બની જાય છે. અને એ નિર્દોષ થયેલ જીવનો બ્રહ્મની સાથે સંબંધ કરાવવામાં આવે છે. બસ, એના જેવું જ અહીં સમજવાનું છે. યમુનાજીના સેવનથી પૂર્વના દેહના બધા લૌકિક ધર્મોની નિવૃત્તિ થાય છે. અને અલૌકિક ધર્મોનો આવિર્ભાવ થાય છે. દેહ બદલાતો નથી. અર્થાત તનુ નવત્વમાં શરીરની સત્તા તો પૂર્વવત રહે છે. પરંતુ તેનામાં લૌકિકત્વની નિવૃત્તિ થાય છે. અને તેનામાં અલૌકિકત્વનો ઉદય થાય છે.

એક લૌકિક ઉદાહરણ દ્વારા આ વાત સારી રીતે સમજાઈ જશે. માટીમાંથી બનાવેલ કાચા ઘડામાં જલને ધારણ કરવાનો ધર્મ (શક્તિ) હોતો નથી. પરંતુ જયારે તેને અગ્નિમાં તપાવી પાકો બનાવવામાં આવે છે ત્યારે તેમાં તેવો ધર્મ (શક્તિ) આવી જાય છે. કાચા અને પાકા ઘડામાં માટી અને આકાર પ્રકાર (રૂપ) તો એ જ રહે છે. છતાં એક સ્વરૂપની નિવૃત્તિ થઈને બીજું નવું સ્વરૂપ તેને મળે છે. એવું જ તનુ નવત્વનું સમજવું.

તનુ નવત્વ પદ દ્વારા એવી પ્રાર્થના કરવામાં આવી છે કે હે યમુનાજી, આપ અમારા પૂર્વ દેહને નૂતનત્વ (નવીનતા) આપો. પૂર્વ દેહનો નાશ થઈને જ જો બીજો નવો દેહ મળવાનો હોય તો આ દેહને નવીનતા (તનુ નવત્વ) આપે એવું કહેવાનો કોઈ અર્થ નથી. અર્થાત યમુનાજીની સન્નિધિથી જે દેહ પહેલાં લીલોપયોગી ન હતો તે દેહને લીલોપયોગી બનાવી દેવાની પ્રાર્થના કરવામાં આવી છે. 'યસ્તુ' શબ્દ પ્રાર્થના વાચક છે. યસ્તુ એટલે થાવ.

અને જે દેહ લીલોપયોગી થાય તો, એટલું થવા માત્રથી જ પ્રભુમાં રતિ થવી દુર્લભ નથી રહેતી; તે સુલભ બની જાય છે. પ્રભુને લીલોપયોગી દેહ પ્રિય થશે જ અને એવો લીલોપયોગી દેહ શ્રીયમુનાજીની સન્નિધિથી જ થઈ શકે. જે રીતે શ્રીગુસાંઈજીની સેવકની કિશોરીબાઈ એવું તનુ નવત્વ મળ્યું હતું તે રીતે. 

શ્રીગુસાંઈજીની સેવક એવાં કિશોરીબાઈ ગુજરાતના એક બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યાં હતાં. તેમનો પિતા શ્રીગુસાંઈજીનો સેવક હતો. તેને બે દીકરી હતી. નાની દીકરીનું નામ કિશોરીબાઈ. પિતાએ પોતાની બન્ને દીકરીઓને શ્રીગુસાંઈજીની સેવક બનાવી હતી. તેને કિશોરીબાઈ પ્રિય હતી. તેથી તેની પાસે તે રોજ યમુનાષ્ટકનો પાઠ કરાવતો. પરંતુ કિશોરીબાઈને માત્ર બે જ પંક્તિ યાદ રહી ગઈ હતી. 

વિશુદ્ધ-મથુરા-તટે સકલ-ગોપ-ગોપી-વૃતે।
કૃપાજલધિસંશ્રિતે મમ મન: સુખમ્ ભાવય।।

પિતાએ કિશોરીબાઈનો વિવાહ કર્યો. પરંતુ તેનો પતિ મરી ગયો. પછી પિતા પણ મર્યો. કિશોરીની મોટી બહેન તેની દેખરેખ રાખતી હતી. પરંતુ વીસ વર્ષની વયે કિશોરીને શીતળા નીકળ્યા... તેને કારણે તે લુલી-લંગડી બની ગઈ. કાનથી ઓછું સંભળાય. મુખથી સરખું બોલાય નહીં. તે શ્રદ્ધાપૂર્વક આખો દિવસ ઉપર્યુક્ત અર્ધા શ્લોકનો પાઠ કર્યા કરે. 

અને શ્રીયમુનાજીએ તેના મનનું શુભ વિચાર્યું. તેને તનુ નવત્વ આપ્યું. તેનો એ જ દેહ લીલોપયોગી બનાવી દીધો. સ્વયં યમુનાજી જેની ટહેલ કરતાં તેવા કિશોરીબાઈને તનુ નવત્વ ન મળે તો બીજા કો'ને મળે? લીલોપયોગી દેહ મળતાં તે સેવા કરી શક્યાં. પ્રભુની પ્રીતિ સંપાદન કરી શક્યાં. બધા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો આ વાત જાણે છે. 

તનુ નવત્વનો આવો અર્થ છે. અને શ્રીયમુનાજીની સન્નિધિથી તનુ નવત્વ પ્રાપ્ત થતાં, જીવ પ્રભુનો પ્રીતિપાત્ર બને છે.

આમ તો પરમાત્મામાં પ્રીતિ થવી એ બહુ દુલર્ભ છે. પરંતુ જ્યારે શ્રીયમુનાજી જીવનો દેહ સેવોપયોગી બનાવી દે ત્યારે પોતાના એવા લીલોપયોગી દેહને પ્રભુ સેવામાં રાત્રીનો જીવન, અત્યંત સુલભતાથી પ્રભુની પ્રીતિ પ્રાપ્ત કરે છે.

શ્રીયમુનાજીનો નિત્ય સંબંધ (સન્નિધિ) થતાં, ભગવાનમાં રતિ (ભક્તિ) ઉત્પન્ન થવામાં જો કોઈ પ્રતિબંધ આવે તો ભગવાન તે પ્રતિબંધોને દૂર કરે છે. એવો ભાવ લાવવા માટે અહીં મુરરિપુ પદનો પ્રયોગ કર્યો છે. જેમ પ્રભુએ જલના દોષ રૂપ મુર દાનવનું નિવારણ કર્યું હતું તેમ યમુનાજીના સંબંધને કારણે જીવના બધા દોષોનું નિવારણ કરવા આડેના ભગવદ્ ભક્તિની સિદ્ધિના માર્ગમાં આડે આવતા બધા પ્રતિબંધોનું નિવારણ, અવશ્ય થશે એવું સૂચન મુરરિપુ પદ દ્વારા થાય છે. મુરનો ઉચ્છેદ કરવો એટલે ભક્તિના માર્ગ આડે આવતા પ્રતિબંધોને દૂર કરવા. મુર ૧૬,૦૦૦ રાજકન્યાઓની કૃષ્ણ પરત્વેની ભક્તિના માર્ગમાં પ્રતિબંધ રૂપ હતો. તેને મારીને ભગવાને એ પ્રતિબંધ દૂર કર્યો હતો.

અહીં મુકુંદ પ્રિયે પદ યોજવામાં આવ્યું છે. મુકુંદ એટલે મોક્ષ દેનાર. મોક્ષનો અર્થ મુક્તિ લઈએ તો પણ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મુક્તિની કામના કદી ન કરે. એને જ ભગવાન કેવળ મુક્તિ આપે તેવા ભગવાનની સેવા ન કરે. તે તો ભક્તિ આપનાર ભગવાનને ભજે તો પછી અહીં મુક્તિદાતા (મુકુંદ) ની પ્રિયે એવું શા માટે કહ્યું છે? હું જાણું છું ત્યાં સુધી શ્રીગોકુલનાથજીએ આ વાત સમજાવી છે. મુક્તિ એટલે સ્વર્ગવાસ કે કેવળ મોક્ષ નહીં; પરંતુ મુક્તિ એટલે પોતાના અન્યથા રૂપને છોડીને પોતાના (સ્વ) રૂપને પામવું તેનું નામ મુક્તિ. અર્થાત અહંતા મમતાથી પ્રેરાયેલ સ્વરૂપને છોડીને ભગવાનના અંશ રૂપ, દાસરૂપ સ્વરૂપને પાળવું તેનું નામ મુક્તિ. આ અર્થમાં મુકુંદનું નામ લેવાનું છે. શ્રીમહાપ્રભુજીએ એજ અર્થ કર્યો છે - શિક્ષાશ્લોકમાં અંતે શ્રીભગવદ્ વાક્ય તરીકે કહ્યું છે -

મુક્તિર્હિત્વાન્યથા રૂપમ્ સ્વરૂપેણ વ્યવસ્થિત।

આવી મુક્તિ મળે એટલે ભક્તિની પ્રાપ્તિ થઈ ગણાય. દાસત્વ ભક્તિના પાયામાં રહેલી મૂળભૂત ભાવના છે. તેથી અહીં મુક્તિ અને ભક્તિ સમાનાર્થી શબ્દો બની ગયા છે. 

મુક્તિ (મોક્ષ) આપે છે ભગવાન સહજમાં; પરંતુ તે ભક્તિ આપે છે. જવલેજ કોઈને. અર્થાત મુક્તિ આપવી એ પ્રભુની સહજ પ્રવૃત્તિ છે. પરંતુ શ્રીયમુનાજી એ મુકુંદની પ્રિયા છે. તેમની પ્રિયાના અનુરોધથી, તેના સેવકોને ભગવાન ભક્તિનું દાન કરવા માટે બાધ્ય બની જાય છે. નિજ પ્રિયતમાનો અનુરોધ થાય પછી પ્રિયતમ તેને માટે શું ન કરે? તેથી એમ સમજવું કે શ્રીયમુનાજીના કૃપાપાત્ર સેવકોને ભગવદરતિ (ભક્તિ) રૂપી સૌભાગ્યની પ્રાપ્તિમાં ન તો કોઈ પ્રતિબંધ છે કે ન કોઈ વિલંબ છે. પુષ્ટો નૈવ વિલંબયેત।

અતોસ્તુ તવ લાલના - તનુ નવત્વ રૂપી સંપત્તિ મેળવી આપનાર અને ભગવદીયત્વનું સંપાદન કરાવી આપનાર એટલે કે સ્વતંત્ર રૂપે ભક્તિ દાન કરવામાં સમર્થ એવી હે યમુના! અત્યારે તો હું અલૌકિક ધર્મોથી સર્વથા રહિત છું. તેમ છતાં જ્યાં સુધી મારા આ લૌકિક ભાવયુક્ત દેહમાંથી લૌકિક ભાવોની નિવૃત્તિ ન થાય (અને અલૌકિક ભાવોથી યુક્ત નવો દેહ ન મળે) ત્યાં સુધી મેં આપનું પ્રેમાતિશયપૂર્વક કરેલ ગુણ સંકીર્તન (એટલે કે લાલના) ને જ આપ સ્તુતિ રૂપે સ્વીકારો.

માહાત્મ્ય જ્ઞાનપૂર્વક કરેલ ગુણ સંકીર્તનને સ્તુતિ કહેવામાં આવે છે; પરંતુ કેવલ પ્રેમાવેશમાં નીકળી ગયેલ ઉદગારો, શબ્દોને સ્તુતિ ન કહેવાય. તેને માત્ર લાલના કહેવાય. પરંતુ આપનો મહિમા અનંત હોવાથી આપની સ્તુતિ કરવાનું જીવ માટે અશક્ય છે. અને લાલના રૂપી ગુણોનું કીર્તન પણ જે હું કરી રહ્યો છું તે પણ આપની કૃપાથી જ થાય છે.

સુરધુની પરં સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા - ઉપર કહ્યું કે શ્રીયમુનાજીનો મહિમા અનંત હોવાને કારણે તેમની સ્તુતિ કરવાનું શક્ય નથી. અને યમુનાજી સાથેના સંગમને કારણે ગંગાજીમાં પણ તનુ નવત્વ રૂપી ફલ પ્રદાન કરવાની શક્તિ છે. તો પછી, શ્રીગંગાજીની સ્તુતિ કરીને એ જ ફળ શા માટે પ્રાપ્ત ન કરવું?

તેનો ઉત્તર એ છે કે યમુનાજી સાથેના સંગમથી, ગંગાજીમાં તનુ નવત્વ પ્રદાન કરવાની અલૌકિક શક્તિ આવી છે. તેથી એકલાં ગંગાજીની સ્તુતિ કરવાથી ફલપ્રદાન થતું નથી. પુષ્ટિમાર્ગમાં યમુનાજીથી અલગ ગંગાજીની ન તો સ્તુતિ થાય છે, ન તેમનો મહિમા ગવાય છે. એટલા માટે કહ્યું છે કે 'ન તુ કદાપિ પુષ્ટિ સ્થિતૈ:'

પુરાણોમાં ગંગા-માહાત્મ્યનું સંકીર્તન કરવામાં આવ્યું છે. પરંતુ તે કેવળ ગંગાજીનું જ - શ્રીયમુના સાથે ભળેલ ગંગાજીનું નહીં. ગંગાજી જે સિદ્ધિઓ (મોક્ષ દાન જેવી) આપે છે તે બધી મર્યાદા માર્ગીય સિદ્ધિઓ છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે એ બધી સિદ્ધિઓનું કશું મહત્વ નથી. પુષ્ટિમાર્ગીયોને મોક્ષ ન ખપે. પુષ્ટિમાર્ગનો નિ:સાધન જીવોને, સહજમાંજ પ્રભુનો અનુગ્રહ કરાવનાર પુષ્ટિપ્રભુ શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર કરાવે છે. ભજનાનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળો જીવ જો યમુનાજીની સ્તુતિ કરે તો તેને ભજનાનંદની પ્રાપ્તિ અવશ્ય થાય. એટલા માટે પુષ્ટિમાર્ગીય જીવો શ્રીયમુનાજીની સ્તુતિ કરે છે. અને મર્યાદામાર્ગીય જીવો કેવળ ગંગાજીની સ્તુતિ કરે છે. કારણ કે મર્યાદામાર્ગીય જીવોને યમુનાજીના સ્વરૂપનું જ્ઞાન નથી. ભગવાનનાં સર્વ અંગો સાથે જેમને સંબંધ થયો છે (જળક્રિડા દ્વારા) એવી સ્મર-શ્રમ-જલ રૂપા શ્રીયમુનાજીનું સ્વરૂપ તો પુષ્ટિ લીલાસ્થ જીવ હોય તે જ જાણી શકે.

શ્રીહરિરાયજીનાં મત અનુસાર આ શ્લોકમાં પ્રિયત્વ સંપાદનરૂપી ઐશ્વર્યનું વર્ણન છે. શ્રીપુરુષોત્તમજીના મત પ્રમાણે આમાં તનુ-નવત્વ સંપાદનરૂપી ઐશ્વર્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

આ પ્રમાણે શ્રીયમુનાજીના સંબંધથી સર્વને વંદનીય એવા શ્રીગંગાજીની સ્તુતિ થાય છે. આ હકીકત શ્રીયમુનાજીનો પ્રભાવ અને પ્રતાપ બતાવે છે. એવા પ્રતાપી શ્રીયમુનાજીની સ્તુતિ કરવા કરવા કોણ સમર્થ બની શકે?

No comments:

Post a Comment

व्रज – माघ शुक्ल तृतीया

व्रज – माघ शुक्ल तृतीया  Saturday, 01 February 2025 इस वर्ष माघ शुक्ल पंचमी के क्षय के कारण कल माघ शुक्ल चतुर्थी के दिन बसंत पंचमी का पर्व ह...